યમનમાં સાઉદી અરેબિયાનો હવાઈ હુમલો, ૨૦ના મોત
નવી દિલ્હી, યમનમાં સત્તા અને પ્રભાવ માટે ચાલી રહેલી ખેંચતાણ એકવાર ફરી હિંસક વળાંક પર પહોંચી ગઈ છે. શુક્રવારે, સાઉદી અરબના નેતૃત્વવાળા સૈન્ય ગઠબંધને યુએઈ-સમર્થિત સધર્ન ટ્રાન્ઝિશનલ કાઉન્સિલના ઠેકાણાઓ પર જોરદાર હવાઈ હુમલા કર્યા હતા. રિપોટ્ર્સ મુજબ, આ હુમલાઓમાં ઓછામાં ઓછા ૨૦ અલગતાવાદી લડવૈયાઓના મોત થયાની પુષ્ટિ થઈ છે.
આ કાર્યવાહી એવા સમયે થઈ છે જ્યારે સંયુક્ત અરબ અમીરાતએ યમનમાંથી પોતાની સેનાઓ પાછી ખેંચવાની જાહેરાત કરી હતી, જેણે બંને દેશો વચ્ચેના તણાવને ખુલ્લો પાડી દીધો છે.
અહેવાલ અનુસાર, આ હવાઈ હુમલા અલ ખાશા અને સેયૂનમાં આવેલા સૈન્ય ઠેકાણાઓ પર કરવામાં આવ્યા હતા. આ હુમલામાં સેયૂન શહેરના એરપોર્ટને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું, જેના પછી ત્યાં હવાઈ પરિવહન સંપૂર્ણપણે ઠપ થઈ ગયું હતું. આ પહેલીવાર છે જ્યારે સાઉદીના નેતૃત્વવાળા ગઠબંધને સીધા એસટીસીના ઠેકાણાઓ પર હુમલો કર્યાે છે.યમનનું ભવિષ્ય ફરી એકવાર ગંભીર સંકટમાં ફસાયેલું દેખાઈ રહ્યું છે, કારણ કે દેશના દક્ષિણ ભાગમાં થયેલી આ ઘટનાએ સાઉદી અરબ અને યુએઈને પહેલીવાર સામસામે લાવી દીધા છે. યુએઈ-સમર્થિત એસટીસીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે હવે ‘યુદ્ધ શરૂ થઈ ચૂક્યું છે’.
એસટીસીએ આરોપ લગાવ્યો કે સાઉદી સમર્થિત જમીની દળોએ તેમના પર હુમલો કર્યાે, જેને સાઉદી વાયુસેનાના હવાઈ હુમલાઓનું પણ સમર્થન મળ્યું.હુમલાના થોડા સમય પહેલા જ, સાઉદી સમર્થક દળોએ હદરમૌતમાં સૈન્ય ઠેકાણાઓ પર નિયંત્રણ મેળવવા માટે એક અભિયાન શરૂ કર્યું હતું, જેને શાંતિપૂર્ણ ગણાવાયું હતું.
પરંતુ ગણતરીની મિનિટોમાં જ હવાઈ હુમલાઓએ પરિસ્થિતિને સંપૂર્ણપણે બદલી નાખી. આ હુમલાઓ બાદ યુએઈએ તણાવ ઓછો કરવાની વાત કરી અને દાવો કર્યાે કે તેની છેલ્લી સૈન્ય ટુકડી યમન છોડી ચૂકી છે. એસટીસીના વિદેશી મામલાના પ્રતિનિધિ અમ્ર અલ બિધે સાઉદી અરબ પર આંતરરાષ્ટ્રીય સમુદાયને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે શાંતિપૂર્ણ અભિયાનની વાત કર્યાની મિનિટોમાં જ સાત હવાઈ હુમલા કરવામાં આવ્યા.
યમનમાં ગૃહયુદ્ધની શરૂઆત ૨૦૧૪માં થઈ હતી, જ્યારે ઈરાન સમર્થિત હૂતી વિદ્રોહીઓએ રાજધાની સના સહિત ઉત્તરી યમનના મોટા ભાગ પર કબજો કરી લીધો હતો. ત્યારપછી ૨૦૧૫માં, સાઉદી અરબ અને યુએઈની આગેવાની હેઠળના ગઠબંધને સરકારની સત્તા પુનઃસ્થાપિત કરવા માટે સૈન્ય અભિયાન શરૂ કર્યું.
આ યુદ્ધે યમનને વર્ષાેની હિંસા, તબાહી અને દુનિયાના સૌથી ભીષણ ભૂખમરાના સંકટમાં ધકેલી દીધું. પરંતુ હવે હૂતીઓ વિરુદ્ધ બનેલું સાઉદી સમર્થિત ગઠબંધન પોતે જ અંદરથી વિખેરાઈ રહ્યું છે, જેના કારણે યમનના ભાગલા પડવાનો ખતરો હવે વાસ્તવિક સંભાવના બની રહ્યો છે.SS1MS
