પાકિસ્તાને ઓપરેશન સિંદૂરમાં સીઝફાયરની ક્રેડિટ ચીનને આપી
ઈસ્લામાબાદ, મે ૨૦૨૫માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા સૈન્ય સંઘર્ષ અને ભારતના ‘ઓપરેશન સિંદૂર’ બાદ થયેલા સીઝફાયર મુદ્દે હવે આંતરરાષ્ટ્રીય સ્તરે શ્રેય લેવાની હોડ જામી છે. અમેરિકા બાદ હવે ચીને પણ દાવો કર્યાે છે કે તેની મધ્યસ્થતાને કારણે બંને દેશો વચ્ચે યુદ્ધ ટળ્યું હતું. સૌથી આશ્ચર્યજનક વળાંક પાકિસ્તાનના વલણમાં જોવા મળ્યો છે, જેણે હવે અમેરિકાને બદલે ચીનના દાવા પર મહોર મારી છે..
અત્યાર સુધી પાકિસ્તાન આ સીઝફાયરની સફળતા માટે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ભૂમિકાના મન ભરીને વખાણ કરી રહ્યું હતું, પરંતુ હવે પાકિસ્તાની વિદેશ મંત્રાલયના સૂર બદલાયેલા જોવા મળી રહ્યા છે. પ્રવક્તા તાહિર અંદ્રાબીએ તાજેતરમાં સ્પષ્ટ કર્યું છે કે આ મામલે ચીનનો દાવો જ સંપૂર્ણ સત્ય છે. અંદ્રાબીના જણાવ્યા અનુસાર, ૬થી ૧૦ મેના અતિ તણાવપૂર્ણ દિવસો દરમિયાન ચીની નેતૃત્વ સતત પાકિસ્તાની સરકારના સંપર્કમાં હતું. એટલું જ નહીં,
તેમણે એવો દાવો પણ કર્યાે કે ચીને માત્ર પાકિસ્તાન સાથે જ નહીં પરંતુ ભારતીય નેતૃત્વ સાથે પણ સતત કૂટનીતિક સંપર્ક જાળવી રાખ્યો હતો. પાકિસ્તાન હવે દ્રઢપણે એવું માની રહ્યું છે કે બેઇજિંગની આ ‘સકારાત્મક કૂટનીતિ’ અને સક્રિય મધ્યસ્થતાને કારણે જ સરહદ પર વધેલું સૈન્ય તનાવ ઘટ્યો હતો અને યુદ્ધ જેવી ગંભીર સ્થિતિ ટળી શકી હતી.ચીન અને પાકિસ્તાનના આ દાવાઓને ભારત સરકારે સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે.
ભારતનો પક્ષ હંમેશા સ્પષ્ટ રહ્યો છે કે કાશ્મીર કે સરહદના મુદ્દે કોઈ ત્રીજા દેશની મધ્યસ્થતા સ્વીકાર્ય નથી.ભારતીય સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર’ઓપરેશન સિંદૂર’ દરમિયાન સીઝફાયર કોઈ વિદેશી દબાણને કારણે નહીં, પરંતુ પાકિસ્તાની સૈન્ય સંચાલન મહાનિર્દેશક દ્વારા કરવામાં આવેલી વિનંતી અને સૈન્ય સંવાદને કારણે થયો હતો. ભારતે ચીની વિદેશ મંત્રી વાંગ યીના દાવાને અગાઉ જ ફગાવી દીધો છે.
નિષ્ણાતોનું માનવું છે કે પાકિસ્તાન દ્વારા ચીનને આ શ્રેય આપવો એ એક મોટી કૂટનીતિક રમતનો ભાગ છે. આ પાછળ મુખ્ય બે કારણો હોઈ શકે છેઃ પ્રથમ તો, પાકિસ્તાન દક્ષિણ એશિયાના વિસ્તારમાં ચીનને એક શક્તિશાળી ‘શાંતિ રક્ષક’ તરીકે રજૂ કરવા માંગે છે, જેથી વિશ્વમાં ચીનનો પ્રભાવ વધે.
બીજું કારણ એ છે કે, પાકિસ્તાન હવે અમેરિકા પરની પોતાની નિર્ભરતા ઓછી કરવા માંગે છે. ટ્રમ્પ પ્રશાસનને બદલે ચીન તરફ પોતાનો ઝુકાવ બતાવીને પાકિસ્તાન દુનિયાને સંકેત આપી રહ્યું છે કે હવે તેની વ્યૂહરચના બદલાઈ રહી છે અને તે અમેરિકાને બદલે ચીન સાથે પોતાના સંબંધો વધુ મજબૂત કરવા ઈચ્છે છે.SS1MS
