એક લાખ વોલ્યુમ ધરાવતી રિસર્ચ લાઇબ્રેરી કાયમ માટે બંધ થઇ
નવી દિલ્હી, અમેરિકાની અંતરિક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન(નાસા) માટે ૨૦૨૬ના નૂતન વર્ષના આગમન સાથે જ ઘેરા ચિંતાજનક સમાચાર છે. ચિંતાજનક સમાચાર એ છે કે નાસાના ગોડાર્ડ સ્પેસ ફ્લાઇટ સેન્ટર (ગ્રીનબેલ્ટ-મેરીલેન્ડ)માં આવેલી સૌથી મોટી, સમૃદ્ધ, ૬૭ વર્ષ જૂની લાઇબ્રેરી ૨, જાન્યુઆરીએ હંમેશા માટે બંધ કરી દેવામાં આવી છે.
નાસાની સ્થાપના સાથે જ એટલે કે છેક ૧૯૫૯માં શરૂ થયેલી આ વિશાળ લાઇબ્રેરી હંમેશા માટે બંધ કરવાનો આદેશ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યો છે. આ આદેશ ડોનાલ્ડ ટ્રમ્પની ભવિષ્યમાં વધુસારી અને વ્યવસ્થિત યોજનાના હિસ્સારૂપે આપવામાં આવ્યો છે. જોકે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આ આદેશથી નાસાની લાઇબ્રેરીમાં વર્ષાેથી ફરજ બજાવતાં ટેકનિકલ સ્ટાફમાં , વિજ્ઞાનીઓમાં, સ્થાનિક રાજકીય નેતાઓમાં ભારે રોષ ફેલાયો છે.
નાસાની આ લાઇબ્રેરી તેના ગોડાર્ડ સ્પેસ ફ્લાઇટ સેન્ટરના ૧૨૭૦ એકરના વિશાળ પરિસરમાં ફેલાયેલી છે. લાઇબ્રેરીમાં કુલ ૧૦૦૦૦૦ વોલ્યુમ છે. ઉપરાંત આ લાઇબ્રેરીમાં નાસાના પહેલા અને આધુનિક હબલ સ્પેસ ટેલિસ્કોપની, વિશ્વના સૌથી આધુનિક જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ સહિત ઘણાં મહત્વનાં મિશન્સ વિશેની ટેકનિકલ માહિતી, ઐતિહાસિક સંશોધનની વિગતો, વૈજ્ઞાનિક ઉપકરણો વગેરેનો સંગ્રહ છે.
ઉપરાંત, ૨૦૨૬ના માર્ચના અંત સુધીમાં તો આ લાઇબ્રેરીનાં કુલ ૧૩ બિલ્ડિંગ્ઝ અને સાયન્સ એન્ડ એન્જિનિયરિંગની ૧૦૦ લેબોરેટરીઝ પણ સદાય માટે બંધ થઇ જશે. ડોનાલ્ડ ટ્રમ્પના આ ચોંકાવનારા આદેશથી ગોડાર્ડ સ્પેસ ફ્લાઇટ સેન્ટરના વિજ્ઞાનીઓ, એન્જિનિયરો, ટેકનિશિયનોના એસોસિયેશને એક નિવેદનમાં ભારે રોષ વ્યક્ત કરીને કહ્યું છે કે અમારી લાઇબ્રેરીમાંથી વિજ્ઞાનના આધુનિક ઉપકરણો અને અવકાશયાનોની ડિઝાઇનનું પરીક્ષણ કરવા માટેનાં ઇલેક્ટ્રોનિક ઉપકરણો બહાર લઇ જઇને રીતસર ફેંકી દેવાયાં છે.
નાસાના પ્રવક્તા જેકબ રિમોન્ડે એવી સ્પષ્ટતા કરી છે કે ગોડાર્ડ સ્પેસ ફ્લાઇટ સેન્ટરની લાઇબ્રેરીમાંની અમુક સામગ્રી સરકારનાં ગોડાઉનમાં લઇ જવાશે. જ્યારે બાકીની સામગ્રીનો નાશ કરવામાં આવશે. આમ પણ ૨૦૨૨થી ૨૦૨૫ સુધીમાં નાસાની અન્ય સાત લાઇબ્રેરી બંધ કરી દેવામાં આવી છે.
મેરીલેન્ડના સેનેટર ક્રીસ વાન હોલેને ભારે રોષ વ્યક્ત કરીને કહ્યું છે કે પ્રખુખ ડોનાલ્ડ ટ્રમ્પ નાસાના અંતરિક્ષ સંશોધનના અતિ મહત્વના કાર્યક્રમોને ભારે નુકસાન પહોચાડી રહ્યા છે. પ્રમુખ છેલ્લા એક વર્ષથી નાસાને નિશાન બનાવી રહ્યા છે. અમે ટ્રમ્પના આવા આદેશનો ઉગ્ર વિરોધ કરીશું.SS1MS
