ઈરાનમાં સરકાર વિરોધી પ્રદર્શન હિંસક બનતાં ૭નાં મોત
દુબઈ, અમેરિકા અને ઈરાન વચ્ચે છ મહિનાના ટૂંકા ગાળામાં જ ફરી તણખાં જોવા મળી રહ્યા છે. અગાઉ ગત વર્ષે જૂનમાં પરમાણુ યોજનાના વિસ્તરણને રોકવા તથા ઈઝરાયેલ સાથે ઘર્ષણ મુદ્દે યુએસએ ઈરાન પર હુમલાઓ કર્યા હતા. ત્યારે હવે ઈરાનમાં કથળેલા અર્થતંત્ર અને ડોલર સામે રિયાલ તળિયે સ્પર્શતા ભવિષ્યની ચિંતાને લઈને હજારો દેખાવકારો સત્તા પલટાની માંગ સાથે છેલ્લા એક સપ્તાહથી દેખાવો યોજી રહ્યા છે.
મોંઘવારી દર ૪૨.૫ ટકાએ પહોંચતા તહેરાનથી શરૂ થયેલો આ વિરોધનો રેલો ગ્રામીણ વિસ્તારો સુધી પહોંચ્યો હતો. ઈરાનના સુપ્રીમ નેતા અયાતોલ્લાહ અલી ખામેનીને હટાવાવની માંગ સાથે હજારો યુવાનો રસ્તા પર ઉતરતા સુરક્ષાકર્મીઓ સાથે ઘર્ષણ થયું હતું જેમાં સાત લોકોનાં મોત નિપજ્યા હતા.
અમેરિકાએ આ મુદ્દે ઝંપલાવ્યું હતું અને ઈરાનને ચેતવણી આપતા કહ્યું કે, શાંતિપૂર્વક દેખાવ કરી રહેલા લોકો પર ઈરાન ગોળીઓ વરસાવાશે તો યુએસ કડક કાર્યવાહી કરશે. ટ્રમ્પના નિવેદન બાદ ઈરાનના ઉચ્ચ અધિકારીઓએ પણ આ મામલે વળતો જવાબ આપતા આક્રમક નિવેદનબાજી જોવા મળી હતી.
ઈરાનના હાલના શાસક અયાતોલ્લાહ ખામેની વિરુદ્ધ યોજાઈ રહેલા દેખાવોમાં ઈઝરાયેલ અને અમેરિકાનો હાથ તેમજ દોરીસંચાર હોવાનો ઈરાને આક્ષેપ કર્યાે છે.આ વિરોધ પ્રદર્શન છઠ્ઠા દિવસમાં પ્રવેશ્યું હતું અને ઈરાનમાં ૨૦૨૨ પછીનું સૌથી મોટું સરકાર વિરોધી પ્રદર્શન છે.
ચાર વર્ષ પૂર્વે ઈરાન પોલીસની કસ્ટડીમાં રહેલી ૨૨ વર્ષીય યુવતી માશા અમિનીનું મોત થતા દેશવ્યાપી દેખાવો યોજાયા હતા. હાલના વિરોધમાં સાત લોકોનાં મોત થયા હોવાની પુષ્ટિ તંત્રએ કરી છે. આ વિરોધ પ્રદર્શનની તીવ્રતા અગાઉ કરતા ઓછી જણાય છે પરંતુ લોકો સત્તા પલટાની મજબૂત માંગ કરી રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્›થ સોશિયલ પર ઈરાન મામલે પોસ્ટ કરીને આગમાં ઘી હોમવાનું કામ કર્યું હતું.
ટ્રમ્પે ઈરાને ચેતવણી આપતા લખ્યું કે, શાંતિપૂર્વક વિરોધ કરી રહેલા લોકો પર ગોળીઓ વરસાવીને ઘાતકી હત્યા કરવામાં આવે છે તો તેમની મદદ કરશે. યુએસ કાર્યવાહી માટે તૈયાર છે.
ટ્રમ્પના નિવેદનના જવાબમાં ઈરાનના ભૂતપૂર્વ સ્પીકર અલી લારિજાની જે હાલમાં સર્વાેચ્ચ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના સચિવ છે તેમણે આક્ષેપ કરતા કહ્યું કે, દેશમાં ચાલી રહેલા દેખાવો પાછળ અમેરિકા અને ઈઝરાયેલનો હાથ રહેલો છે. જ અમારી આંતરિક સમસ્યામાં અમેરિકાનો હસ્તક્ષેપ ચલાવી લેવાશે નહીં અને તેનાથી સમગ્ર ક્ષેત્રમાં અરાજકતા ફેલાશે જે યુએસના હિતોના વિનાશ સમાન હશે.
લારિજાનીએ યુએસના તેના સૈનિકોની ચિંતા કરવાની સલાહ આપી હતી. શુક્રવારે ઈરાનના અશાંત પ્રાંત સિસ્તાન અને બલુચેસ્તાનના ઝાહેદાનની ગલીઓમાં વ્યાપક વિરોધ પ્રદર્શનો યોજાયા હતા.વિરોધ કરી રહેલા લોકોએ તાનાશાહ મુર્દાબાદના નારા લલકાર્યા હતા.
સોશિયલ મીડિયા ઉપર વાયરલ એક વીડિયોમાં રસ્તા પર આગના દ્રશ્યો જોવા મળ્યા હતા તથા ગોળીઓનો અવાજ સંભળાયો હતો. ડોલરના મુકાબલે ઈરાનના ચલણનું નોંધપાત્ર ધોવાણ થયું છે. એક ડોલરના મુકાબલે રિયાલ ૧૪ લાખના સ્તરે પહોંચતા યુવા વર્ગમાં ભારોભાર આક્રોશ ભભૂક્યો હતો. રાષ્ટ્રપતિ મસુદ પેઝેશકિયાનની સુધારાવાદી સરકાર અર્થતંત્રને ઉપર લાવાવમાં લાચાર છે જેથી તેમણે દેખાવોકારો સાથે વાટાઘાટના સંકેત આપ્યા હતા.SS1MS
