સુરતમાં ૭ વર્ષની દીકરીને દીક્ષા નહીં અપાવવા પરિવારનો નિર્ણય
સુરત, સુરતની ફેમિલી કોર્ટમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા ૭ વર્ષની માસૂમ બાળકીની દીક્ષાના વિવાદનો અંતે સુખદ અંત આવ્યો છે. દીકરીના માતા અને પિતા વચ્ચે સર્જાયેલા મતભેદો બાદ હવે પરિવારે ફરી એક થવાનો અને દીકરીને હાલ દીક્ષા ન અપાવવાનો મહત્વનો નિર્ણય લીધો છે. જૈન સમાજના અગ્રણીઓ અને વકીલોની મધ્યસ્થીથી આ મામલે સમાધાનનો કરાર તૈયાર કરવામાં આવ્યો છે.
સુરતમાં રહેતા એક જૈન પરિવારમાં ૭ વર્ષની દીકરીને દીક્ષા અપાવવા બાબતે માતા-પિતા વચ્ચે વિવાદ વકર્યાે હતો. પિતાએ દીકરીની નાની ઉંમર હોવાથી દીક્ષાનો વિરોધ કર્યાે હતો અને ફેમિલી કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જોકે, આજે ફેમિલી કોર્ટમાં માતાના વકીલ કેતન રેશમવાલા અને પિતાના વકીલ સ્વાતિ મહેતા તેમજ જૈન સમાજના અગ્રણીઓ વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં બંને પક્ષોએ બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને સમજૂતી સાધવાનો નિર્ણય કર્યાે હતો.અગાઉ પત્ની દીકરીને લઈને પિયર જતી રહી હતી, પરંતુ હવે સમજૂતી મુજબ આખો પરિવાર એક છત નીચે રહેશે.
સમજૂતી કરારમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે બંને બાળકો (૭ વર્ષની દીકરી અને ૫ વર્ષનો દીકરો) હવે માતા અને પિતા બંને સાથે રહેશે, જેથી તેમને બંનેનો પ્રેમ અને યોગ્ય ઉછેર મળી શકે. વકીલો દ્વારા આ સમજૂતીનો સત્તાવાર કરાર બનાવીને ફેમિલી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. સમજૂતીના કરારના આધારે, દીક્ષા અટકાવવા માટે જે સ્ટેની અરજી કરવામાં આવી હતી તેનો કોર્ટે નિકાલ કર્યાે છે.
કોર્ટે આ સમાધાનને ધ્યાને રાખીને અરજી દફતરે કરી છે. વધુમાં, પિતાએ જે વાલીપણા માટેની અરજી કરી હતી, તે પણ તેઓ ટૂંક સમયમાં પાછી ખેંચી લેશે. માતા તરફના વકીલ કેતન રેશમવાલાએ જણાવ્યું હતું કે, “દીક્ષાના આ વિવાદમાં ખૂબ જ સુખદ અંત આવ્યો છે.
પતિ-પત્ની હવે સાથે રહેશે અને બાળકોનું ભવિષ્ય જળવાઈ રહેશે. બંને બાળકોને હવે પરિવારનો સાથ અને પ્રેમ મળવાનો છે, જે તેમના સર્વાંગી વિકાસ માટે જરૂરી છે.” આ નિર્ણયને જૈન સમાજ અને કાયદાકીય વર્તુળોમાં પણ આવકારવામાં આવ્યો છે.SS1MS
