ઉગ્ર વિરોધ બાદ સરકારે હિંમતનગર-હુડામાંથી ૧૧ ગામને છેવટે બાકાત કર્યા
ગાંધીનગર, હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (હુડા)માં સમાવાયેલા ૧૧ જેટલા ગામના નાગરિકો દ્વારા ભારે વિરોધ બાદ છેવટે શહેરી વિકાસ વિભાગે ૧૧ ગામને બાકાત કરવાનો નિર્ણય કર્યા છે.
૧૧ ગામના નાગરિકો દ્વારા હુડામાં સમાવેશનો ઉગ્ર વિરોધ કરી વિરોધ કૂચ સહિતના કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા, એટલું જ નહીં ગાંધીનગર ખાતે સરકારમાં પણ મીટિંગ કરીને રજૂઆત કરવામાં આવી હતી. તે પછી સરકારે જે ગામ માટે રજૂઆત હતી તેવા ૧૧ ગામને હુડામાં સમાવેશ નહીં કરાય તેવી જાહેરાત કરી છે.
સરકારના નિર્ણય સામે છેવટે પ્રજાશક્તિનો વિજય થયો હોવાનું સાબિત થયું છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં સૌથી વધુ વિકસિત વિસ્તારમાં એક એવા હિંમતનગર નગરપાલિકાને હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એરિયામાં તબદિલ કરવામાં આવી હતી. તેના ડ્રાફ્ટ પ્લાનમાં અનેક નવા વિસ્તારના ઉમેરા સાથે હિંમતનગર નજીકના ૧૧ નાના-મોટા ગામનો પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.
જો કે તેનો વિરોધ કરવામાં આવતા સરકારે અગાઉ નિર્ણય સ્થગિત કર્યાના સંકેત આપ્યા હતા. ગામના નાગરિકોએ જો નિર્ણય રદ નહીં કરાય તો ફરીથી આંદોલન કરવાની ચીમકી આપી હતી.
આ ગામના અનેક ભાજપના કાર્યકરોએ પણ નાગરિકોની લડતને સાથ આપ્યા હતો અને ભાજપમાંથી રાજીનામું આપી દેશે તેવી પણ ચીમકી આપી હતી. તે પછી શહેરી વિકાસ વિભાગે ૩૧ ડિસેમ્બરે છેવટે ૧૧ ગામને પડતા મૂકાયા હોવાનું જાહેરનામુ પ્રસિધ્ધ કરી દીધું છે. જેના કારણે આ ગામના નાગરિકોમાં આનંદ ફેલાઇ ગયો હતો. ૧૧ ગામના નાગરિકોમાં મુખ્યત્વે તેમની ખેતીની જમીન છિનવાઇ જવાનો ડર હતો. તે સાથે તેમના વિસ્તારોની જમીનને વિવિધ વિકાસ કામોના નામે હુડા હસ્તક લેવાશે તેવી પણ ભીતિ હતી. નાગરિકો દ્વારા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પણ પ્રતિનિધિ મંડળે ગાંધીનગર આવીને રજૂઆત કરી હતી.
આ બેઠકમાં પ્રતિનિધિ મંડળે તેમના વાંધા રજૂ કર્યા હતા. તે સાંભળ્યા બાદ પ્રતિનિધિ મંડળને તેમને હકારાત્મક નિર્ણય લેવાશે તેવી ખાતરી આપી હતી. તેના પ્રતિભાવરૂપે ૧૧ ગામને દૂર કરવામાં આવ્યા છે.SS1MS
