Western Times News

Gujarati News

એરપોર્ટ પર કારચાલક અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચે ઝઘડો

અમદાવાદ, અમદાવાદ એરપોર્ટ વધી રહેલી મુસાફરોની સંખ્યાની સાથે સાથે તકરાર પણ વધી રહી છે. સિક્યોરીટી અને રિક્ષા- કારચાલકો વચ્ચેની તકરાર યથાવત રહી છે ત્યારે જ અમદાવાદ એરપોર્ટના ડોમેસ્ટિક ટર્મિનલ પાસે ગુરુવારે સાંજે કારચાલક અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચે થયેલી બોલાચાલી ઉગ્ર ઝઘડામાં ફેરવાતા પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. આ મામલે સિક્યુરિટી ગાર્ડ દ્વારા એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

એરપોર્ટ ખાતેથી જાણવા મળતી માહિતી મુજબ ગુરુવારે મોડી સાંજે ગોરખનાથ પાંડે નામનો સિક્યુરિટી ગાર્ડ ડોમેસ્ટિક ટર્મિનલના એરાઈવલ વિસ્તારમાં આવેલા કસ્ટમ નાકા પર ફરજ પર હતા ત્યારે જ એક કારચાલક પૂરઝડપે કાર હંકારી લાવ્યો હતો ત્યારે જ સિક્યુરિટી ગાર્ડે તેને રોકવાનો પ્રયાસ કર્યાે હતો.

આ દરમિયાન સિક્યુરિટી ગાર્ડના હાથમાં રહેલો દંડો કારના કાચ સાથે અથડાતા કાચ તૂટી ગયો હતો.કારચાલક મુકેશ રાણાએ એવી ફરિયાદ કરી હતી કે કાર સામાન્ય ઝડપે ચલાવી હતી અને સિક્યુરિટી ગાર્ડ પાંડેએ જાણબૂઝીને હાથમાં રહેલો દંડો કારના કાચ પર માર્યાે હતો, જેના કારણે કાચ તૂટી ગયો હતો. બંને પક્ષોની દલીલને લઈને સિક્યુરિટી ગાર્ડ અને કારચાલક વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી, જે થોડા જ સમયમાં ઉગ્ર ઝઘડામાં ફેરવાઈ ગઈ હતી.

પરિસ્થિતિ વધુ તંગ બનતા એરપોર્ટ સિક્યુરિટી સ્ટાફે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી, જેના પગલે એરપોર્ટ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલો શાંત કર્યાે હતો. બાદમાં સિક્યુરિટી ગાર્ડ ગોરખનાથ પાંડેએ કારચાલક મુકેશ રાણા સામે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ નોંધાવી છે.ઉલ્લેખનીય છે કે અમદાવાદનું એરપોર્ટ સુવિધા તેમજ પાર્કિંગની સમસ્યાઓ મામલે ઘણા સમયથી ચર્ચામાં રહ્યું છે. કેટલાક સમય પહેલા અહીં રખડતા ઢોરનો પ્રશ્ન પણ વ્યાપક બન્યો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.