આંબાવાડીમાં શ્રમિકોના મોત બાદ કન્સ્ટ્રક્શન સાઈટની રજાચિઠ્ઠી સ્થગિત
અમદાવાદ, આંબાવાડી વિસ્તારમાં વર્ધમાન પેરેડાઈઝ નામની કન્સ્ટ્રક્શન સાઈટ પર નીચે પટકાતા બે શ્રમિકોના મોતની ઘટના બાદ હવે મ્યુનિ. દ્વારા સાઈટની રજા ચિઠ્ઠી સ્થગિત કરી દેવામાં આવી છે.
આ ઉપરાંત ચાલુ બાંધકામ પણ બંધ કરાવી દીધું છે. ડેવલપર્સ દ્વારા ગંભીર બેદરકારી દાખવવામાં આવી હોવાના પગલે કડક કાર્યવાહીના ભાગરૂપે રજાચિઠ્ઠી સ્થગિત કરાઈ છે. મ્યુનિ. દ્વારા એન્જિનિયર, સ્ટ્રક્ચરલ એન્જિનિયર અને ડેવલપરને નોટિસ અપાઈ છે. શહેરના આંબાવાડી વિસ્તારમાં કલ્યાણ જ્વેલર્સ પાછળના ભાગે વર્ધમાન ડેવલપર્સની વર્ધમાન પેરેડાઈઝ નામની રહેણાક સાઈટ ચાલી રહી છે.
આ સાઈટ પર બાંધકામની કામગીરી ચાલી રહી હતી ત્યારે સવારના ૧૦ વાગ્યાથી આસપાસના સમયે પ્લાસ્ટરનું કામ કરતા શ્રમિકો ચોથા માળેથી પટકાયા હતા. પાલખ બાંધીને કામ કરતા શ્રમિકો પૈકી ત્રણેક શ્રમિકો નીચે પટકાતા ગંભીર ઈજા થઈ હતી. જેમાં બે શ્રમિકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે એક શ્રમિકને ગંભીર ઈજા થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતો.
ઘટના અંગે એલિસબ્રિજ પોલીસે ઘટના સ્થળે આવી તપાસ શરૂ કરી હતી અને અકસ્માત મોત નોંધી કાર્યવાહી શરૂ કરી હતી. દરમિયાન, નવી બનતી સાઈટ પર શ્રમિકોના મોત બાદ મ્યુનિ.ના પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા તાત્કાલીક તપાસ હાથ ધરવામાં આવી હતી.
જેમાં સાઈટ પર બાંધકામની પ્રવૃત્તિ દરમિયાન સલામતીના યોગ્ય પગલા લેવામાં આવ્યા ન હોવાનું જાણવા મળ્યું હતું. આમ, બાંધકામ સાઈટ પર સુરક્ષા સહિતના મુદ્દે ગંભીર બેદરકારીના પગલે મ્યુનિ. દ્વારા બાંધકામની રજા ચિઠ્ઠી સ્થગિત કરી દેવામાં આવી છે, અને બાંધકામની કામગીરી સંપૂર્ણ રીતે બંધ કરાવવામાં આવી છે.
કન્સ્ટ્રક્શન સાઈટ પર જ્યારે શ્રમિકો કામ કરતા હોય ત્યારે તેમને સેફ્ટીના સાધનો પહેરાવીને તેમની પાસે કામગીરી કરાવવામાં આવતી હોય છે. જોકે, આ કિસ્સામાં શ્રમિકો પાસે સેફ્ટીના સાધનો પહેરાવ્યા વગર કામગીરી કરાવવામાં આવી હોવાની પણ ફરિયાદ ઊઠવા પામી છે.
આમ, મ્યુનિ. દ્વારા આ ઘટનાના પગલે બાંધકામ સાઈટ પરના એન્જિનિયર, સ્ટ્રક્ચરલ એન્જિનિયર અને ડેવલપરને નોટિસ આપી તેમનો ખુલાસો માગવામાં આવ્યો છે. તેમનો ખુલાસો મળ્યા બાદ આગળની કાર્યવાહી કરાશે.SS1MS
