Western Times News

Gujarati News

જિંદગી મને ગમે ત્યાં ફેંકે, હું જીવી જાણીશ: રશ્મિકા મંદાના

મુંબઈ, રશ્મિકા મંદાના શાંતિથી પોતાનું કામ કરી જાણવાનું જાણે છે, આ વર્ષે તેની ચાર હિન્દી ફિલ્મ અને બે સાઉથ ઇન્ડિયન ફિલ્મ રિલીઝ થઈ છે. તેની ૯ વર્ષની કૅરિઅરમાં રશ્મિકાએ ૨૬ ફિલ્મોમાં કામ કર્યું છે.

ત્યારે નવા વર્ષે આપેલાં એક ઇન્ટરવ્યુમાં રશ્મિકાએ તેની કૅરિઅર, પરિવાર, ટ્રોલિંગ અને માનસિક શાંતિને પ્રાથમિકતા આપવાની વાત કરી છે. રશ્મિકા પોતાને એક ઇન્ટ્રોવર્ટ વ્યક્તિ માને છે, તેણે જણાવ્યું, “તમે મને નેશનલ અને ઇન્ટરનેશનલ ઇવેન્ટમાં ભલે જોતાં હોય પણ હું ઇન્ટ્રોવર્ટ છું.

જાહેરમાં હું સાચવી લઉં છું અને લોકોને લાગે છે કે હું એક્ટ્રોવર્ટ છું, પણ એવું નથી. એક વખત મારું કામ થઈ જાય પછી ભાગ્યે જ હું બહાર નીકળું છું. મને મારી નજીકના લોકો સાથે ઘરમાં જ રહેવું ગમે છે.”નેશનલ ક્રશના ટૅગ અંગે રશ્મિકા કહે છે, “મને ખબર પણ નથી આવું લેબલ મને કેમ લાગ્યું, મને મારા દર્શકોનો અઢળક પ્રેમ મળ્યો છે અને આવા લેબલ એમના પ્રેમથી મળતાં હોય તો હું તેને આભાર સાથે સ્વીકારી લઉં છું. મને આશ્ચર્ય પણ થાય છે કે એમના મનમાં મારા માટે કેટલી બધી હુંફ છે. પણ તેનાથી હું એક ચોક્કસ ચોકઠાંમાં બંધાતી નથી.

સોશિયલ મીડિયાને કારણે એમને કાદચ એવું લાગે કે એ લોકો મને ઓળખી ગયાં છે, તો એ લોકો મને ૫૦ ચકા પણ નથી ઓળખતાં. એવું ઘણું છે, જે હું મારા સુધી જ રાખું છું, કોઈ લેબલ મારી આસપાસ કોઈ દિવાલ બનાવી શકતું નથી કે મને ટાઇપકાસ્ટ કરી શકતું નથી. તેઓ પોતાની જાતને મારી સાથે જોડી શકે છે, કારણ કે કદાચ હું મારી ખામીઓ જાહેર કરવામાં પણ સંકોચ રાખતી નથી. હું મારી લાઇફને પર્ફેક્ટ બતાવવાનો કોઈ પ્રયત્ન કરતી નથી. હું જેવી છું એવી જ છું. તેથી પેપ્સ સામે ફોટો આપવામાં પણ મને ક્યારેય વાંધો હોતો નથી. કોઈ તમારી સાથે મજાક કરે કે એક સેલ્ફી લેવા આવે તો એમાં તમારે કશું ગમાવાનું નથી.”

જ્યારે પોતાની સફળતા અને પરિવાર વિશે રશ્મિકાએ કહ્યું, “હું કરુણામાં માનું છું. મેં ક્યારેય સફળતાની જીતની ઉજવણી કરી નથી, હું તો એ પણ નથી જાણતી કે હું સફળ છું કે નહીં. મારા માટે માત્ર મારો પરિવાર અને મારા નજીકનાં લોકો જ મહત્વનાં છે.

હું મરણપથારીએ હોઈશ ત્યારે એ લોકો જ મારી આસપાસ હશે. બાકી સફળતા મારી એકલીની નથી, આ મારી ટીમના પ્રયત્ન છે અને મને એમના પર ખુબ ગર્વ છે.”રશ્મિકા પોતાને એક સર્વાઇવર ગણાવે છે, તેણે પૅન ઇન્ડિયા ફિલ્મમાં કામ કરવા અને પ્રયોગ કરવા વિશે જણાવ્યું, “હું કોઈ પણ સ્થિતિમાં ટકી શકું છું. હોસ્ટેલમાં રહીને હું દરેક પરિસ્થિતિમાં જીવી લેતાં શીખી છું.

પછી તે સ્કૂલ હોય, કામ હોય કે કંઈ પણ હું હંમેશા મારો રસ્તો કરી લઉં છું. મને કોઈ પણ પરિસ્થિતિમાં ફેંકો અને હું એમાંથી મારો રસ્તો કરી લઈશ. હું એવી જ છું, રશ્મિકા હંમેશા એવી જ રહી છે.” જ્યારે લગ્ન વિશેના પ્રશ્નને તેણે હસીને ઉડાવી દીધો હતો અને કહ્યું હતું કે એ તે એ પ્રશ્નનો જવાબ નહીં આપે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.