ડોન ૩માં વિક્રાંત મેસ્સીના બદલે રજત બેદીને લેવાની ચર્ચા
મુંબઈ, ફરહાન અક્તરની ડોન ૩ છેલ્લાં કેટલાંક દિવસથી સતત ચર્ચામાં છે, પહેલાં આ ફિલ્મમાંથી કિઆરા નીકળી, ત્યાર પછી આ ફિલ્મ વિક્રાંત મેસ્સીએ છોડી અને છેલ્લે રનવીર સિંહે ફિલ્મ છોડી હોવાના અહેવાલો છે. તેથી હવે ફિલ્મની ટીમ ફરી બધા રોલમાં ચર્ચા વિચારણાઓ કરીને નવા કાસ્ટિંગની તૈયારી કરી રહ્યા છે.
કારણ કે લાંબા સમયથી મોડી પડી રહેલી આ ફિલ્મ હવે તેઓ ટૂંક સમયમાં શરૂ કરવા માગે છે. આ અંગે સુત્રો દ્વારા મળતી માહિતિ અનુસાર, ફરહાન અખ્તરે વિક્રાંત મેસ્સીના રોલ માટે રજત બેદી સાથે વાટાઘાટો શરૂ કરી છે. તેને એક ગંભીર રોલ માટે સંપર્ક કરાયો છે, જે રોલ પહેલાં વિક્રાંસ મેસ્સીને મળ્યો હતો. આર્યન ખાનની બૅડ્ઝ ઓફ બોલિવૂડથી રજત બેદી ફરી ચર્ચામાં આવ્યો છે. હવે તેને એક મહત્વના રોલ માટે લેવાય એવી શક્યતા છે.
રજત બેદી અને ફરહાન તેમજ ફિલ્મના પ્રોડ્યુસર રિતેશ સિદ્ધવાની વચ્ચે આ અંગે વાટાઘાટો અને ચર્ચાઓ ચાલી રહી છે.સુત્રએ જણાવ્યું, “ફરહાન અને રજત વચ્ચે કેટલીક ચર્ચાઓ થઈ છે. ફરી તેઓ જાન્યુઆરીના અંત સુધીમાં ફરહાનની ખારમાં આવેલી ઓફિસમાં મળવાના છે, જેમાં તેઓ રોલ વિશે વિગતે ચર્ચા કરશે.”
આ રોલ ફિલ્મના કેન્દ્રમાં છે અને ઘણો મહત્વનો છે. જુલાઈ ૨૦૨૫માં વિક્રાંત મેસ્સીએ આ રોલ છોડ્યો હતો કારણ કે વિક્રાંતને ઇચ્છા હતી એ રીતે આ રોલ આગળ વધતો નહોતો. તે ઇચ્છતો હતો કે તેના પાત્રમાં થોડું પરિવર્તન અને ઊંડાણ આવે, પરંતુ ફિલ્મના અંતિમ ડ્રાફ્ટમાં એવું પરિવર્તન જોવા મળ્યું નહોતું.
આ રોલ માટે આદિત્ય રોય કપૂર અને વિજય દેવરકોંડા સહિતના કલાકારોના નામ પર વિચાર કરવામાં આવ્યો હતો. ડોન ૩ સાથે રનવીર સિંહ જોડાણ ખતમ થઈ ગયું કે હજુ પણ તે આ રોલ કરે છે, તે મુદ્દે ચિત્ર હજુ અસ્પષ્ટ છે. પરંતુ ધુરંધરની સફળતા પછી તેણે આ ફિલ્મ છોડી હોવાની ચર્ચા છે.
જોકે, એવા પણ અહેવાલો છે કે રનવીરે આ ફિલ્મ ધુરંધરની સફળતાના કારણે નહીં પરંતુ ક્રિએટીવ મતભેદના કારણે છોડી છે. આ મુદ્દે રનવીર કે પછી ફરહાન તરફથી કોઈ જ સ્પષ્ટતા કરવામાં આવી નથી. પરંતુ ઇન્ડસ્ટ્રીના કેટલાંક લોકોનો મત છે કે આ અફવાઓ છે અને આ પ્રકારની ચર્ચાઓ નવી નથી.
આ ફિલ્મનું કામ ૨૦૨૫માં શરૂ થવાનું હતું હવે ૨૦૨૬ની શરૂઆતમાં ડોન ૩નું શૂટ શરૂ કરી દેવાની મેકર્સની ગણતરી છે. તેના માટે દરેક રોલમાં નવા કલાકારો સાથે સ્ક્રિપ્ટમાં પણ સુધારા થઈ રહ્યા છે. જ્યાં સુધી કોઈ ઓફિશિયલ જાહેરાત ન થાય ત્યાં સુધી આ ફિલ્મ ચર્ચાઓમાં જ રહેશે.SS1MS
