શહેરોમાંથી વર્ષો જૂના કચરાના નિકાલમાં ગુજરાત મોટા રાજ્યોમાં અગ્રેસર
અમદાવાદની બોપલ-ઘુમા ડમ્પ સાઇટ તેમજ રાજકોટની નાકરાવાડી ડમ્પ સાઇટનો નિકાલ કરી મિયાવાકી ફોરેસ્ટ બનાવવામાં આવ્યું છે.
‘લેગસી વેસ્ટ મુક્ત ગુજરાત’ની દિશામાં આગેકૂચ, અત્યાર સુધીમાં કુલ 273.33 લાખ મેટ્રિક ટન લેગસી વેસ્ટનો નિકાલ કરવામાં આવ્યો
માર્ચ 2026 સુધીમાં રાજ્યમાં 100% લેગસી વેસ્ટ નિકાલનું લક્ષ્ય
નિર્મળ ગુજરાત 2.0 યોજના અંતર્ગત શહેરી સ્થાનિક સંસ્થાઓ (ULBs) માટે લેગસી વેસ્ટના વૈજ્ઞાનિક નિકાલ માટે ₹75 કરોડની ફાળવણી
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે રાજ્યમાં શહેરીકરણને એક નવી દિશા આપી હતી. તેમણે ગુજરાતમાં આયોજનબદ્ધ શહેરી વિકાસ, મજબૂત નગરપાલિકા વ્યવસ્થા અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના મજબૂત પાયા નાખ્યા હતા. આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર ‘શહેરીકરણ સમસ્યા નહીં, પરંતુ અવસર’ના મંત્ર સાથે શહેરોને ગ્રીન, ક્લીન અને રહેવા યોગ્ય બનાવવા સતત કાર્ય કરી રહી છે.
શહેરીકરણની વાત થાય ત્યારે સ્વચ્છતા, આધુનિક અને ટકાઉ માળખાગત સુવિધા ઉપરાંત લેગસી વેસ્ટ એટલે કે વર્ષો જૂના કચરાનો નિકાલ પણ એટલો જ મહત્વપૂર્ણ છે. લેગસી વેસ્ટ નિકાલની વ્યાપક ઝુંબેશના પરિણામે ગુજરાત વર્ષો જૂના કચરાના નિકાલની કામગીરીમાં મોટા રાજ્યોમાં અગ્રેસર બન્યું છે.
માર્ચ 2026 સુધીમાં રાજ્યના શહેરોમાં 100% લેગસી વેસ્ટ નિકાલનું લક્ષ્ય
ગુજરાતના શહેરી વિસ્તારોમાં કુલ 304.09 લાખ મેટ્રિક ટન લેગસી વેસ્ટની ઓળખ કરવામાં આવી છે, જેમાંથી અત્યાર સુધીમાં 273.33 લાખ મેટ્રિક ટન કચરાનો વૈજ્ઞાનિક રીતે નિકાલ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારે માર્ચ 2026 સુધીમાં રાજ્યના શહેરોમાં 100% લેગસી વેસ્ટ રિમેડિએશનનું લક્ષ્ય નક્કી કર્યું છે.
લેગસી વેસ્ટ મૅનેજમેન્ટ: શહેરી વિકાસનું મહત્વનું માપદંડ
ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા શહેરોમાં સ્વચ્છતા, આધુનિક અને ટકાઉ માળખાગત સુવિધા અને નાગરિકોની ઇઝ ઑફ લિવિંગ વધારવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જેના પરિણામે શહેરી વિકાસમાં રાજ્યએ હરણફાળ ભરી છે. નોંધનીય બાબત એ છે કે, ગુજરાત વર્ષોથી ડમ્પસાઇટમાં એકઠા થયેલા કચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલમાં પણ મોટા રાજ્યોમાં અગ્રેસર છે. લેગસી વેસ્ટ મૅનેજમેન્ટ શહેરી વિકાસ માટે અત્યંત જરૂરી માપદંડ છે. વર્ષોથી ડમ્પસાઇટમાં એકઠા થયેલા કચરાના નિકાલથી પ્રદૂષણ અને આરોગ્ય જોખમમાં ઘટાડો થાય છે. સાથે જ, પુનઃપ્રાપ્ત થયેલી જમીન વિકાસ કાર્યોને પ્રોત્સાહન આપવામાં અને ગ્રીન સ્પેસ વધારવા માટે ઉપયોગી બને છે.
લેગસી વેસ્ટના નિકાલથી 902 એકર જેટલો વિસ્તાર ખુલ્લો થયો, મિથેન ઉત્સર્જનમાં નોંધપાત્ર ઘટાડો થયો
રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારોમાં ડમ્પસાઇટ સાફ થતાં મોટી માત્રામાં જમીન ખુલ્લી થઇ છે. રાજ્ય સરકારે લેગસી વેસ્ટના નિકાલ માટે જે પ્રયાસો હાથ ધર્યા છે તેના પરિણામે અંદાજિત કુલ 902 એકર જેટલો વિસ્તાર પુન:પ્રાપ્ત થયો છે.
આ જમીનનો ઉપયોગ પ્રોસેસિંગ પ્લાન્ટ બનાવવાની કામગીરી માટે કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, અમદાવાદની બોપલ-ઘુમા ડમ્પ સાઇટ તેમજ રાજકોટની નાકરાવાડી ડમ્પ સાઇટનો નિકાલ કરી મિયાવાકી ફોરેસ્ટ બનાવવામાં આવ્યું છે. ડમ્પસાઇટ્સના વૈજ્ઞાનિક નિકાલથી મિથેન ગેસના ઉત્સર્જનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે તેમજ ડમ્પસાઇટ પર કચરો સળગવાની ઘટનાઓ સંબંધિત સમસ્યાઓનું અસરકારક રીતે નિરાકરણ થયું છે.
લેગસી વેસ્ટ નિકાલ દ્વારા સ્વચ્છતા અને શહેરી વિકાસને નવી દિશા
ગુજરાત સરકાર શહેરોમાં વર્ષોથી પડેલા કચરાના વૈજ્ઞાનિક નિકાલ દ્વારા પર્યાવરણ સુરક્ષા, જાહેર આરોગ્ય અને શહેરી વિકાસને મજબૂત બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે. નિર્મળ ગુજરાત 2.0 યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા શહેરી સ્થાનિક સંસ્થાઓ (ULBs) માટે લેગસી વેસ્ટના વૈજ્ઞાનિક નિકાલ માટે ₹75 કરોડનું ખાસ ફંડ ફાળવવામાં આવ્યું છે. આ યોજના સ્વચ્છ ભારત મિશન (શહેરી) 2.0 સાથે સુસંગત છે અને “કચરા મુક્ત શહેરો”ના લક્ષ્યને સાકાર કરવાની દિશામાં કાર્યરત છે. લેગસી વેસ્ટ મૅનેજમેન્ટ દ્વારા શહેરોને વધુ સ્વચ્છ, સ્વસ્થ અને ટકાઉ બનાવવાની દિશામાં ગુજરાત અન્ય રાજ્યો માટે ઉદાહરણરૂપ બની રહ્યું છે.
