ગુજરાતમાં ઠંડીમાં આંશિકા રાહત મળશે ગરમીમાં ૨-૩ ડિગ્રીનો વધારો થશે
File
અમદાવાદ, ગુજરાતમાં લઘુત્તમ તાપમાનનો પારો ગગડતા જ રાજ્યભરમાં કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. દિલ્હી સહિત ઉત્તર ભારતમાં બદલાયેલા હવામાનની અસર હવે ગુજરાત પર પણ વર્તાઈ રહી છે. હાલ રાજ્યમાં ઉત્તર-પૂર્વથી પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે પરોઢિયે અને રાત્રિના સમયે ઠંડીનો ચમકારો વધ્યો છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.
હવામાન વિભાગના લેટેસ્ટ બુલેટિન મુજબ, હાલ ગુજરાત, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં વાતાવરણ શુષ્ક રહ્યું છે. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા પણ નીચે પહોંચી ગયું છે. જોકે, આગામી ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં ધીમે-ધીમે ૨ થી ૩ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા છે, જેનાથી કડકડતી ઠંડીમાં સામાન્ય રાહત મળી શકે છે. ત્યારબાદ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના હવામાન અંગે ચોંકાવનારી સંભાવનાઓ વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા મુજબ ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશોમાં થનારી હિમવર્ષાને કારણે જાન્યુઆરી મહિનામાં ઠંડી વધશે. ફેબ્રુઆરી મહિનામાં પણ ઠંડીથી છુટકારો મળે તેમ નથી. ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પંચમહાલ અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં ઠંડીનું જોર યથાવત રહેશે. ફેબ્રુઆરીમાં વહેલી સવારે હળવા ધુમ્મસની ચાદરો જોવા મળી શકે છે, જેના કારણે દ્રશ્યતા ઘટી શકે છે.
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, ફેબ્રુઆરી મહિનામાં રાજ્યમાં ‘બેવડી ઋતુ’નો અનુભવ થશે. દિવસે ગરમી અને રાત્રે તેમજ વહેલી સવારે કડકડતી ઠંડી પડવાને કારણે લોકોએ સ્વાસ્થ્ય પ્રત્યે સાવચેત રહેવું પડશે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના સરહદી જિલ્લાઓમાં ઠંડીનો પારો નીચો રહેવાની પૂરેપૂરી સંભાવના છે.
