Western Times News

Gujarati News

અક્ષરધામ પર હુમલો થયો ત્યારે એસ. જે. હૈદરે આખી રાત મંદિરમાં રહીને બચાવ કામગીરીને માર્ગદર્શન આપ્યું હતું

યશસ્વી કારકિર્દી સાથે અધિક મુખ્ય સચિવપદેથી એસ. જે. હૈદર નિવૃત

ગુજરાતની આઈ.એ.એસ. કેડરની ૧૯૯૧ની બેચના અધિકારી અને વડોદરાથી આસિસ્ટન્ટ કલેકટર તરીકે કારકિર્દી શરૂ કરનાર અને મૂળ પટણા, બિહારના વતની એસ. જે. હૈદર તા.૩૧ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ યશસ્વી કારકિર્દી સાથે અધિક મુખ્ય સચિવપદેથી નિવૃત થયા.એમની કારકિર્દીનું વિહંગાવલોકન કરીએ તો જણાય કે

(૧) આ હૈદરને ગાંધીનગર એ રીતે ઓળખે છે કે ૨૦૦૧મા જ્યારે અક્ષરધામ પર આતંકવાદીઓએ હુમલો કર્યો  ત્યારે તેઓ કલેકટર તરીકે જીવના જોખમે પણ આખી રાત મંદિરમાં રહીને બચાવ કામગીરીને માર્ગદર્શન આપતા હતા.

(૨)આશરે ૬ ફૂટની ઊંચાઈ ધરાવતા હૈદર દરરોજ પોતાની ઓફિસમાંથી રાત્રે ૯ઃ૦૦ વાગ્યા પછી નીકળવાની ટેવ ધરાવતા હતા.

(૩)વહીવટમા ખૂબ કડક અને સ્વભાવે સહ્રદયી રહેલા હૈદર વાઈબ્રન્ટ ગુજરાતના પ્રણેતા રહ્યા છે.પ્રથમ વાયબ્રન્ટથી શરૂ કરીને છેલ્લા વાઈબ્રન્ટ સુધી હૈદર તેની સાથે સંકળાયેલા રહ્યા છે.

છેલ્લે જાન્યુઆરી-૨૦૨૪મા યોજાયેલા વાઈબ્રન્ટ ગુજરાત અંગે તો નરેન્દ્ર મોદીએ ડીસામાં જાહેરમાં એવું કહેલું કે ‘હું અહીં મુખ્યમંત્રી હતો ત્યારે જે વાઈબ્રન્ટ ગુજરાતના આયોજન થતાં તે કરતા પણ આ વર્ષે વધું સારું આયોજન કરાયું છે.'(૪)ગુજરાતમા ઘડાયેલી ૧૮ પોલીસી પૈકી ૧૨ તેઓએ ઘડી છે અને ૬ માં એમનું કિંમતી યોગદાન રહ્યું છે.

(૫)ગુજરાતની ૬ યુનિવર્સિટીને હૈદરે સેન્ટર ફોર એક્સેલન્ટનો દરજ્જો અપાવ્યો છે.

(૬)સચિવ પ્રવાસન તરીકે વૃદ્ધો માટે યાત્રા ધામોના પ્રવાસની યોજના ઘડી હતી તથા યાત્રાધામોનો વિકાસ કર્યો હતો(૭)રીન્યુઅલ એનર્જી અંગે ગુજરાતમાં જે સુંદર કામ થયું છે એમાં પણ હૈદરનો સિંહફાળો છે.એવુ કહેવાય છે કે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે હૈદરની શક્તિ ગુજરાતનાં વહીવટીતંત્રમાં સુપેરે જોતરી હતી.

ભાવનગરના કલેકટર મનીષ બંસલની ભાવેણા પ્રત્યેની ભરપૂર ભાવુકતા

સૌરાષ્ટ્રનું ભાવનગર શહેર ભાવભર્યું,સંસ્કારી અને સાંસ્કૃતિક નગર છે. આ નગરને રાજાઓ પણ સરસ પ્રાપ્ત થયા છે.મહાત્મા ગાંધી આ શહેરમાં અને મોરારજી દેસાઈ આ રાજ્યની સ્કોલરશીપથી ભણ્યા હતા.આ આ નગરમાં જે સનદી અધિકારીઓ જાય છે એ પણ(સંવેદનશીલ હોય તો)એ નગરને ચાહતા થઈ જાય છે.

ગુજરાતની આઈ?.એ.એસ. કેડરની ૨૦૧૩ની બેચના અધિકારી અને રાજસ્થાનના વતની તથા મૂળભૂત રીતે નવોદિત કવિ,ખૂબ સારા વાચક અને હાલ ભાવનગરમાં કલેકટર તરીકે ફરજ બજાવતા ડો.મનીષ બંસલ આવાં જ સંવેદનશીલ અધિકારી છે.

તાજેતરમાં ભાવનગરની સેન્ટર ફોર એક્સેલન્ટ અને માઈક્રોસાઈન દ્વારા પદ્મવિભૂષણ તથા ભારતના મહાન નૃત્યાંગના તેમજ મૂળ ભાવનગરના ડો.સોનલ માનસિંહનાં નૃત્યનાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલાં મનીષ બંસલે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં ભાવનગર શહેર પ્રત્યેની પોતાની લાગણી ભાવપૂર્ણ રીતે વ્યક્ત કરીને

ભારતની એકતા માટે પોતાનું રાજ્ય સર્વ પ્રથમ રાષ્ટ્રને ચરણે ધરનાર સદ્ગત મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારતરત્ન પુરસ્કાર મળે તે માટે પ્રયત્ન કરવા અને પોતાની વગ વાપરવા સોનલ માનસિંહને વિનંતી કરી હતી.મનીષ બંસલે પોતાના હોદ્દાના તમામ અહમને એક બાજુ મુકીને વિદુષી નૃત્યાંગના સોનલ માનસિંહને વંદન પણ કર્યા હતા.

મહીસાગર જિલ્લામાં સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ હસન સફીનની બોલબાલા

ગુજરાતના આઈ.પી.એસ. અધિકારીઓની કેડરની ૨૦૧૮ની બેચના અધિકારી, સૌથી નાની ઉંમરે સનદી અધિકારી બનેલા અને બનાસકાંઠાના વતની હસન સફીન જ્યાં જાય ત્યાં લોકપ્રિય બની જાય છે.સરળ અને સહ્રદયી સ્વભાવના હસનને પ્રથમ પોસ્ટીગ ભાવનગર અપાયું ત્યારે ત્યાં પણ એ ખૂબ લોકપ્રિય થયા હતા.

હાલમા હસન સફીનની નિમણૂક મહિસાગર જિલ્લાના સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ તરીકે કરવામાં આવી છે.આ જિલ્લામાં પણ સફીન ખૂબ લોકપ્રિય થયા છે.

અહીં એ પણ નોંધવું જોઈએ કે સસ્તી પ્રસિદ્ધિ માટે ગમે તેવા ગતકડાં કરે એવા હસન નથી.પૂરા પરિપક્વ છે.એમનો સ્વભાવ એમને વણમાગી લોકપ્રિયતા અપાવે છે.હાલમા હસનક તેમના ફરજના જિલ્લાના ગ્રામ વિસ્તારોમાં પ્રવાસ તેમજ રાત્રી મુકામ કરે છે ત્યારે ગ્રામ સ્તરનો પોતાનો વાણી-વ્યવહાર કરીને એ સર્વપ્રિય થઈ રહ્યા છે.

જી.પી.એસ.સી.ના ચેરમેન હસમુખ પટેલ વિપશ્યનાની સાધના કરવા માટે ગયા!
ગુજરાત જાહેર સેવા આયોગના ચેરમેન,પોતાની ફરજો નિષ્ઠાપૂર્વક નિભાવવા માટે જાણીતા તથા ૧૯૯૩ની બેચના નિવૃત આઈ.પી.એસ. અધિકારી તેમજ ગુજરાત સેવા આયોગના ચેરમેન હસમુખ પટેલ ૧૦ દિવસ માટે તાવરેજીની ખૂબ જાણીતી ‘વિપશ્યના શિબિર’માં મૌન સાધના કરવા પહોંચી ગયા છે.

સનદી અધિકારીઓ મોટાભાગે પરદેશમાં રજાઓ ગાળવા જતા હોય છે તેને બદલે હસમુખ પટેલ અતિ કઠીન વિપશ્યનાની સાધના કરવા પહોંચી ગયા છે.આ સાધનામાં મોબાઈલના ઉપયોગની પણ મનાઇ હોય છે એટલે પૂરા ૧૦ દિવસ જગતથી વિખુટા પડી જઈને મૌન સાધનામાં જોડાઈ જવાનું હોય છે.

ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગને સર્વ પ્રથમ ‘સ્વચ્છતા હી સેવા પુરસ્કાર’ અપાયો

ગુજરાત સરકાર દ્વારા ‘સ્વચ્છતા હી સેવા -૨૦૨૫ અભિયાન’ અંતર્ગત અપાતો પુરસ્કાર બધાં જ વિભાગોમાં સર્વ પ્રથમ વખત ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગને ગત તારીખ ૨૫/૧૨/૨૫/નાં રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો.

આ પુરસ્કાર વિતરણની નોંધપાત્ર વિશેષતા એ હતી કે આ પુરસ્કાર લેવા એ વિભાગના વડા અને અધિક મુખ્ય સચિવ એસ.જે.હૈદર નહોતાં ગયા પણ તેઓએ પોતાના વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓને એ લેવાં મોકલ્યા હતા.હૈદરના આ વ્યવહારથી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓમાં આનંદની લાગણી ફેલાઇ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.