બનાસકાંઠાના પેરા-એથલીટ ગગદાસ પરમારને મળી રૂ. 14 લાખની સહાય
અત્યાધુનિક પ્રોસ્થેટિક પગની મદદથી હવે ગજવશે મેદાન
બનાસકાંઠા: ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના વાવ-થરાદ વિસ્તારના જેતડા ગામના પેરા-એથલીટ ગગદાસ પરમારને ગુજરાત સરકાર તરફથી મહત્વની સહાય પ્રાપ્ત થઈ છે. વર્ષ 2017માં કરંટ લાગવાના એક ગંભીર અકસ્માતમાં ગગદાસે પોતાના બંને પગ ગુમાવ્યા હતા. જોકે, તેમની હિંમતને દાદ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્દેશથી CSR (કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી) હેઠળ તેમને 14 લાખ રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડવામાં આવી છે.
અત્યાધુનિક પગ સાથે નવી ઉડાન આ સહાયની રકમમાંથી ગગદાસને અત્યાધુનિક ‘હાઈ-સ્પીડ પ્રોસ્થેટિક’ (કૃત્રિમ) પગ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. નવા પ્રોસ્થેટિક પગ મળ્યા બાદ ગગદાસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરીને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રદર્શનનું લક્ષ્ય હાલમાં ગગદાસ પરમાર નિયમિત તાલીમ લઈ રહ્યા છે અને 100 તથા 200 મીટરની દોડ સ્પર્ધાઓ માટે તડામાર તૈયારી કરી રહ્યા છે. તેમનું લક્ષ્ય આગામી સમયમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મંચ પર શાનદાર પ્રદર્શન કરી દેશ અને રાજ્યનું નામ રોશન કરવાનું છે.
