રશિયાના સરહદી ક્ષેત્રમાં યુક્રેને ડ્રોન હુમલા કર્યા, બેનાં મોત
મોસ્કો, રશિયા અને યુક્રેન વચ્ચે લગભગ ચાર વર્ષથી ચાલી રહેલા યુદ્ધ મુદ્દે આ સપ્તાહે પેરિસમાં સીઝફાયર અંગે વાટાઘાટ થવાની છે. આ બેઠક અગાઉ જ રશિયાના સરહદી વિસ્તારોમાં યુક્રેન બનાવટના ડ્રોનથી હુમલો કરાયો હતો જેમાં બે લોકોનાં મોત નિપજ્યા હતા.
રશિયા આ હુમલાથી અકળાયું છે અને સંભવ છે યુક્રેન સાથેની શાંતિ વાટાઘાટ પ્રભાવિત થઈ શકે છે. બેલગોરોડના પ્રાદેશિક ગર્વનર વ્યાચેસ્લાવ ગ્લેડકોવના મતે યુક્રેનના ડ્રોને કાર પર હુમલો કર્યાે હતો જેમાં એકનું મોત થયું હતું જ્યારે બાળક સહિત બે લોકો ઘાયલ થયા હતા.
કુર્સ્ક ક્ષેત્રમાં અન્ય ડ્રોન હુમલામાં વધુ એક વ્યક્તિનું મોત થયું હતું.બીજીતરફ યુક્રેનના ખારકિવમાં થયેલા ડ્રોન હુમલામાં ત્રણ લોકોને ઈજા પહોંચી હોવાનું જણાયું હતું. ખારકિવના મેયર ઈહોર ટેરેખોવે રવિવારે માહિતી આપતા જણાવ્યું કે, રશિયાએ ગત શુક્રવારે ખારકિવ પર મિસાઈલ હુમલો કર્યાે હતો. આ હુમલા બાદ બિલ્ડિંગના કાટમાળની સફાઈ કરાઈ હતી જેમાંથી કેટલાક મૃતદેહો મળતા કુલ મૃત્યુઆંક પાંચ પર પહોંચ્યો હતો.
અમેરિકાએ તાજેતરમાં યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરીને રશિયા સામેના યુદ્ધમાં શાંતિ સ્થાપવામાં હસ્તક્ષેપ કરવાની તૈયારી દર્શાવી હતી.શાંતિ મંત્રણા માટેની યુરોપ રાષ્ટ્રોના સુરક્ષા સલાહકારોએ ખારકિવની મુલાકાત લીધી હતી અને સુરક્ષા ગેરન્ટી તથા આર્થિક મદદ મુદ્દે વાતચીત કરી હતી.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી પણ શનિવારે પેરિસમાં બેઠકમાં ભાગ લેવા રવાના થયા હતા. યુએસએ ૨૦ મુદ્દાની શાંતિ મંત્રણાની દરખાસ્ત મૂકી છે જેમાં યુક્રેનને ૧૫ વર્ષ સુધી સુરક્ષા પૂરી પાડવાની ગેરન્ટીનો સમાવેશ પણ થાય છે.SS1MS
