વિસાવદરના નાની મોણપરીમાં સિંહણે ચાર વર્ષના બાળકને ફાડી ખાધો
અમરેલી, જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના નાની મોણપરી ગામના વાડી વિસ્તારમાં આજે વહેલી સવારે એક સિંહણે ચાર વર્ષના માસૂમ બાળકને ફાડી ખાધાની ઘટના સામે આવી છે. વહેલી સવારથી ગુમ બાળકનો મૃતદેહ ઝાડી ઝાંખરામાંથી ફાડી ખાધેલી હાલતમાં મળતા અરેરાટી ફેલાઈ છે.
વન વિભાગે હુમલાખોર સિંહણને પકડવા માટે કવાયત શરૂ કરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર નાની મોણપરી ગામની સીમમાં આવેલી વાડીમાં ખેત મજૂરી કરતા શ્રમિક પરિવારનો ચાર વર્ષનો પુત્ર આજે વહેલી સવારે અચાનક ગુમ થયો હતો.
પરિવારજનો દ્વારા શોધખોળ કરવા છતાં બાળક ન મળતા વાડી માલિકે વન વિભાગને જાણ કરી હતી. હિંસક પ્રાણી દ્વારા બાળકને ઉપાડી ગયાની આશંકા વચ્ચે વનકર્મીઓએ શોધખોળ હાથ ધરતા નજીકની ઝાડીઓમાંથી બાળક ગંભીર હાલતમાં મળી આવ્યો હતો.
બાળકના શરીર પર સિંહણના હુમલાના ઊંડા જખમો જોવા મળ્યા હતા. લોહીલુહાણ હાલતમાં બાળકને સારવાર અર્થે જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યાે હતો.વન વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ, સવારે ૯ વાગ્યાની આસપાસ બાળક ગુમ હોવાની જાણકારી મળતા જ ટીમો કામે લગાડવામાં આવી હતી. બાળકના મૃતદેહ પરથી સિંહણે હુમલો કર્યાે હોવાનું ખુલ્યું હતું.
આ ઘટનાને પગલે સાસણથી ખાસ રેસ્ક્યુ ટીમને બોલાવવામાં આવી છે. હુમલાખોર સિંહણને ટ્રેક્યુલાઈઝ કરી પાંજરે પૂરવા માટેની તજવીજ વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે.SS1MS
