Western Times News

Gujarati News

અનુપમ ખેર અને રવિ કિશનની ‘ખોસલા કા ઘોસલા ૨’ નું શૂટિંગ શરૂ

મુંબઈ, બોલીવુડની ક્લાસિક કોમેડી ફિલ્મ ‘ખોસલા કા ઘોસલા’ની સિક્વલની ચાહકો વર્ષાેથી રાહ જોઈ રહ્યા હતા, અને હવે આ આતુરતાનો અંત આવ્યો છે. દિગ્ગજ અભિનેતા અનુપમ ખેરે સત્તાવાર રીતે ‘ખોસલા કા ઘોસલા ૨’ના શૂટિંગના શ્રીગણેશ કરી દીધા છે. આ ફિલ્મ માત્ર દર્શકો માટે જ નહીં, પરંતુ અનુપમ ખેર માટે પણ ખૂબ ખાસ છે, કારણ કે તેની શાનદાર કરિયરની આ ૫૫૦મી ફિલ્મ છે.

આ પ્રોજેક્ટની જાહેરાત સાથે જ સોશિયલ મીડિયા પર હિલચાલ વધી છે. ફિલ્મની સ્ટારકાસ્ટને લઈને એક મહત્ત્વની અપડેટ મળી છે. અનુપમ ખેરે ઇન્સ્ટાગ્રામ પર એક ખાસ વીડિયો શેર કરીને જાહેરાત કરી છે કે બહુમુખી પ્રતિભા ધરાવતા અભિનેતા અને સાંસદ રવિ કિશન આ ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવશે.

રવિ કિશનના વખાણ કરતા ખેરે તેને એક ‘શાનદાર અભિનેતા’ અને ‘ઉમદા કલાકાર’ ગણાવ્યો છે. રવિ ખૂબ જ વિનમ્ર અને મહેનતુ વ્યક્તિ છે અને તેની સાથે ફરીથી સ્ક્રીન શેર કરવા માટે તેઓ ખૂબ જ ઉત્સાહિત છે.પોતાની ૫૫૦મી ફિલ્મના શૂટિંગના પ્રથમ દિવસે અનુપમ ખેર ખૂબ જ ભાવુક દેખાયા હતા.

તેણે ૧૯૮૧ના તે દિવસો યાદ કર્યા, જ્યારે તેઓ મોટા સપના લઈ મુંબઈ આવ્યા હતા. તેણે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના એક કિસ્સાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે એક આંતરરાષ્ટ્રીય ડિરેક્ટરે તેને ‘ભારતીય સિનેમાના મેરેથોન મેન’ કહ્યા હતા. આટલા લાંબા અને સફળ પ્રવાસ બાદ આજે પણ નવા પ્રોજેક્ટને લઈને તેનો ઉત્સાહ કોઈ ડેબ્યૂ કલાકાર જેવો જ જોવા મળે છે.અહેવાલો અનુસાર ડિરેક્ટર ઉમેશ બિષ્ટ આ ફિલ્મને આધુનિક રૂપ આપી રહ્યા છે.

ફિલ્મની સ્ક્રિપ્ટ ફાઈનલ થઈ ગઈ છે અને નવેમ્બર ૨૦૨૫ના અંતથી શૂટિંગનું કામ શરૂ થઈ ગયું હતું. આ ફિલ્મ ૨૦૨૬માં સિનેમાઘરોમાં રિલીઝ થવાની શક્યતા છે. પહેલા ભાગની જેમ જ આ સિક્વલ પણ ભરપૂર કોમેડી અને સામાજિક વ્યંગથી સજ્જ હશે. હાલમાં અન્ય કલાકારોની પસંદગીની પ્રક્રિયા પણ ચાલી રહી છે, જે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.