Western Times News

Gujarati News

સિદ્ધાંતે ડીયર કોમરેડની રીમેક અંગે મૌન તોડ્યું

મુંબઈ, બોલિવૂડ એક્ટર્સ સિદ્ધાંત ચતુર્વેદી અને પ્રતિભા રાન્ટાએ ‘ડિયર કોમરેડ’ની રીમેકમાં તેમની કાસ્ટિંગ અંગે ચાલી રહેલી અફવાઓ પર અલગ-અલગ નિવેદન આપ્યાં છે. તેલુગુ ફિલ્મ ‘ડિયર કોમરેડ’ની રીમેકમાં અભિનય માટે સિદ્ધાંત ચતુર્વેદી અને પ્રતિભા રાન્ટાના નામોની ચર્ચા થઈ રહી હતી.

હવે બંને કલાકારોએ તેમની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ મારફતે આ અફવાઓ પર પ્રતિક્રિયા આપી છે. સિદ્ધાંતે સ્પષ્ટ કર્યું કે તે ફિલ્મનો ભાગ નથી અને હવે કોઈ રીમેક કરશે નહીં, જ્યારે પ્રતિભાએ સત્તાવાર જાહેરાત પહેલાં રાહ જોવા વિનંતી કરી છે.સિદ્ધાંતે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું, “માત્ર સ્પષ્ટતા માટે મિત્રો, આ વાત સાચી નથી.” તેમણે ઉમેર્યું કે તેઓ હાલ માટે રીમેકથી દૂર રહેવા માંગે છેઃ “હવે મારા માટે કોઈ રીમેક નહીં, ભલે હું મૂળ ફિલ્મ અને તેના કલાકારોનો પ્રશંસક છું—મારો ઘણો પ્રેમ અને સન્માન. આભાર.”

જોકે, તેમણે પ્રતિભા સાથે મૂળ પ્રોજેક્ટ પર કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરીઃ “તેમ છતાં, અત્યંત પ્રતિભાશાળી પ્રતિભા રાન્ટા સાથે કોઈ ઓરિજિનલ પ્રોજેક્ટમાં કામ કરતા મને આનંદ થશે. આગળ વિચારીશું.” સિદ્ધાંત છેલ્લે ધડક-૨માં જોવા મળ્યો હતો, જે તમિલ ફિલ્મ ‘પરિયેરુમ પેરુમાલ’ (૨૦૧૮)ની રીમેક હતી. સકારાત્મક પ્રતિસાદ છતાં ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ સફળ રહી નહોતી.

બીજી બાજુ, પ્રતિભાએ પ્રોજેક્ટમાં પોતાની ભૂમિકા અંગે ન તો પુષ્ટિ કરી ન તો ઇનકાર કર્યાે. તેમણે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું, “યોગ્ય સન્માન સાથે, હું તમામ મીડિયા પેજીસને વિનંતી કરું છું કે કૃપા કરીને કોઈપણ અપ્રમાણિત માહિતી પોસ્ટ કરવાથી અથવા ફેલાવવાથી દૂર રહે અને સત્તાવાર જાહેરાતની રાહ જુએ.

આવું મારી સાથે છેલ્લા કેટલાક સમયથી થઈ રહ્યું છે, એવા અનેક પ્રોજેક્ટ્‌સ અંગે પણ, જેની સાથે હું સંકળાયેલી નથી અને તેના કારણે અનાવશ્યક ગેરસમજ ઊભી થાય છે. આ મુદ્દે તમારી સમજ, સહકાર અને સતત સમર્થન માટે હું ખરેખર આભારી રહીશ.”‘ડિયર કોમરેડ’માં મુખ્ય ભૂમિકામાં વિજય દેવરકોન્ડા અને રશ્મિકા મંદાના હતાં. ભરત કમ્મા દ્વારા લખાયેલી અને દિગ્દર્શિત આ રોમેન્ટિક એક્શન ડ્રામા ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.