મોરબીનો સિરામિક ઉદ્યોગ અંદાજે 9 લાખ લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગાર પૂરો પાડે છે
વૈશ્વિક સિરામિક હબ: ભારતની કુલ સિરામિક નિકાસમાં મોરબીનો હિસ્સો 90% જેટલો
પોલીપેક ઇન્ડસ્ટ્રીઝ ક્ષેત્રે પણ મોરબી બની શકે છે ગુજરાત રાજ્યનો અગ્રણી જિલ્લો
ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ ગુજરાત વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) કચ્છ-સૌરાષ્ટ્રની બીજી આવૃત્તિ માટે સજ્જ થઈ રહ્યું છે. તારીખ 11 અને 12 જાન્યુઆરી 2026 દરમિયાન રાજકોટ ખાતે યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC) કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગરૂપે રાજ્યમાં વિવિધ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યા છે.
જેમાં ગુજરાતનો મોરબી જિલ્લો આજે ભારતની સિરામિક અર્થવ્યવસ્થાનો આધારસ્તંભ બની ગયો છે. ગુજરાતના કુલ સિરામિક ઉત્પાદનમાં એકલા મોરબીનો જ લગભગ 90% હિસ્સો છે અને વિશ્વમાં બીજા નંબરનું સ્થાન ધરાવે છે.
કુંભારના ચાકથી વૈશ્વિક સિરામિક હબ સુધી: મોરબીની ઉદ્યોગ ગાથા
મોરબી આજે દેશ-વિદેશમાં સિરામિક ઉદ્યોગનું મહત્વનું કેન્દ્ર બની ચૂક્યું છે. શરૂઆતમાં અહીં પરંપરાગત કુંભારકામ દ્વારા માટલા, દીવા, નળીયા અને ઘરગથ્થુ માટીના વાસણો બનાવાતા. સ્થાનિક માટીની ગુણવત્તા અને કારીગરોની કુશળતાએ મોરબીના ઉત્પાદનોને ઓળખ આપી. ત્યારબાદ વૉલ ક્લોક ઉદ્યોગની શરૂઆત થઇ હતી.
સમય સાથે 1970-80ના દાયકામાં રૂફ ટાઇલ્સ અને ગ્લેઝ્ડ ટાઇલ્સનું ઉત્પાદન શરૂ થયું અને ધીમે ધીમે મોરબી આધુનિક સિરામિક ઉદ્યોગ તરફ આગળ વધ્યું. નવી ટેક્નોલોજી, અદ્યતન મશીનરી અને ઉદ્યોગસાહસિક દૃષ્ટિકોણે શહેરને નવી ઓળખ આપી. આજે મોરબી ફ્લોર ટાઇલ્સ, વોલ ટાઇલ્સ, વિટ્રિફાઇડ ટાઇલ્સના ઉત્પાદન માટે વિશ્વસ્તરે જાણીતું છે. મોરબીની સિરામિક સફર પરંપરાથી પ્રગતિ તરફનો ઉત્તમ દાખલો બની છે.
ગુજરાતનો મોરબી જિલ્લો બન્યો ભારતનું સિરામિક હબ
આ વર્ષે રાજકોટમાં યોજાનારી બીજી વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC) કચ્છ-સૌરાષ્ટ્રમાં મોરબીના સિરામિક કલસ્ટરનું વિશેષ પ્રદર્શન થવાનું છે, જેમાં ‘અદ્યતન સિરામિક્સ’, ‘વેલ્યુ-એડેડ પ્રોડક્ટ્સ’, ‘એનર્જી-એફિશિયન્ટ ટેકનોલોજી’, અને નવી ‘સિરામિક્સ પાર્ક’ની પ્રગતિ મુખ્ય આકર્ષણ રહેશે. રાજ્ય સરકાર ઉદ્યોગો માટે ટેક્નોલોજી અપગ્રેડેશન, ઓટોમેશન, રિન્યુએબલ એનર્જી, વેસ્ટ રિસાયક્લિંગ અને લોજિસ્ટિક્સ સપોર્ટ વધારવા માટે સક્રિય પગલાં લઈ રહી છે. મોરબીના ઉદ્યોગકારોની મહેનત, સરકારની અસરકારક નીતિઓ અને ગુણવત્તાના સંકલ્પને કારણે આજે મોરબી સિરામિક ક્ષેત્રે ભારતનું ગૌરવ બની ગયું છે.
મોરબીનો સિરામિક ઉદ્યોગ અંદાજે 9 લાખ લોકોને આપે છે રોજગાર
મોરબી જિલ્લાનું સિરામિક ક્લસ્ટર વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટું સિરામિક પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરતું ક્લસ્ટર છે. મોરબી જિલ્લામાં અંદાજિત 1200 સિરામિક એકમો આવેલા છે, જેનું કુલ વાર્ષિક ઉત્પાદન અંદાજીત 60 લાખ ટનનું છે. આ એકમો અંદાજિત 9 લાખ લોકોને પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રીતે રોજગારી પૂરી પાડે છે.
છેલ્લા બે વર્ષ દરમિયાન લાભાર્થીઓને મળી વિવિધ સરકારી સહાય યોજના
મોરબી જિલ્લામાં છેલ્લા બે વર્ષ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા વિવિધ સરકારી સહાય યોજનાઓ હેઠળ વ્યાપક અને અસરકારક નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી છે, જે જિલ્લાની સામાજિક તથા આર્થિક સશક્તિકરણની દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ રહ્યું છે.
રાજ્ય સરકારની વિવિધ ઔદ્યોગિક પ્રોત્સાહન યોજના હેઠળ છેલ્લા બે નણાકીય વર્ષ દરમિયાન લગભગ 2200 થી વધુ લાભાર્થીઓને રૂ. 115 કરોડથી વધુની સહાય સીધી રીતે પહોચાડવામાં આવી છે. આ સહાયથી મોરબી જિલ્લાના નાગરિકોને સ્વરોજગાર, ઉદ્યોગ, જીવનધોરણમાં સુધારો અને આત્મનિર્ભરતા તરફ આગળ વધવાની નવી તકો પ્રાપ્ત થઈ છે, જે રાજ્ય સરકારની જનકલ્યાણ પ્રતિબદ્ધતા અને સર્વાંગી વિકાસના દૃષ્ટિકોણને સ્પષ્ટ રીતે પ્રતિબિંબિત કરે છે.
ભારતના કુલ સિરામિક નિકાસમાં અંદાજિત 80 થી 90 ટકા યોગદાન
મોરબીનો સિરામિક ઉદ્યોગ વૈશ્વિક બજારમાં ગુજરાત તથા ભારતની મજબૂત ઓળખ બની રહ્યો છે. અંદાજ મુજબ વર્ષ 2024-25 દરમિયાન મોરબીમાંથી આશરે રૂ. 15,000 કરોડનું નિકાસ થયું હતું. ખાસ નોંધનીય બાબત એ છે કે, મોરબી એકલું જ ભારતના કુલ સિરામિક નિકાસમાં આશરે 80 થી 90 ટકા યોગદાન આપે છે. અહીં ઉત્પાદિત ઉચ્ચ ગુણવત્તાના સિરામિક ટાઇલ્સ અને સંબંધિત ઉત્પાદનોનો નિકાસ મુખ્યત્વે અમેરિકા, ફ્રાન્સ, જર્મની, ઓમાન અને શ્રીલંકા જેવા દેશોમાં થાય છે, જે મોરબીની વૈશ્વિક વિશ્વસનીયતા અને “મેડ ઇન ઇન્ડિયા – મેડ ઇન ગુજરાત” બ્રાન્ડની મજબૂત સ્થિતિને સ્પષ્ટ રીતે ઉજાગર કરે છે.
પોલીપેક ઉદ્યોગ ક્ષેત્રે પણ મોરબી બની શકે રાજ્યનો અગ્રણી જિલ્લો
સિરામિક ક્ષેત્રની જેમ પોલીપેક ઉદ્યોગ ક્ષેત્રે પણ ગુજરાતનો મોરબી જિલ્લો નજીકના ભવિષ્યમાં અગ્રણી જિલ્લા તરીકે સ્થાન મેળવી શકે છે. હાલ મોરબી જિલ્લામાં પી પી વુવન પ્રૉડક્ટના કુલ 150 એકમો કાર્યરત છે. મોરબીનો પોલીપેક ઉદ્યોગ હાલમાં આશરે વાર્ષિક 5 લાખ મેટ્રિક ટન (MT) પી પી વુવન ફેબ્રીકનું ઉત્પાદન કરે છે, જેનું કુલ વાર્ષિક ટર્ન ઓવર અંદાજીત ₹5500 કરોડનું છે. પોલીપેક ઉદ્યોગ હાલ મોરબીના અંદાજિત 15,000 થી 20,000 લોકોને પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રોજગારી પૂરી પાડે છે.
મોરબી જિલ્લાનો વૉલ ક્લોક ઉદ્યોગ ભારતના વૉલ ક્લોક ઉત્પાદનના મોટો હિસ્સો ધરાવે છે
સિરામીક તેમજ પોલીપેકની જેમ જ વૉલ કલોક અને ગીફ્ટ આર્ટિકલ ઉદ્યોગ પણ મોરબીમાં ખૂબ જ મોટા પાયે વિકસ્યો છે. મોરબી જિલ્લાનો વૉલ કલોક તેમજ ગિફ્ટ આર્ટિકલ ઉદ્યોગ ભારતના વૉલ ક્લોક ઉત્પાદનનો સૌથી વધુ હિસ્સો ધરાવે છે. મોરબી જિલ્લામાં વૉલ કલોકના આશરે 150 થી 200 એકમો આવેલા છે. આ ઉદ્યોગ અંદાજિત 10 થી 12 હજાર લોકોને પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રોજગાર પૂરો પાડે છે, જે પૈકી 60% મહિલાઓ છે.
