કોળી સમાજના આગેવાનોએ કયા મુદ્દે મુખ્યમંત્રીને રજૂઆત કરી? શું છે સમગ્ર મામલો
(એજન્સી)મહુવા, મહુવાના બગદાણામાં નવનીત બાલધિયા પર હુમલાની ઘટનાને લઈને પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા હતા. હુમલાના બનાવને લઈને કોળી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. બગદાણા હુમલા કેસને લઈને કોળી સમાજના નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા હતા.
સમગ્ર કેસ મામલે તપાસ માટે SITની રચના કરાઈ છે. ગાંધીનગરમાં મંત્રી પરસોત્તમ સોલંકીના નિવાસસ્થાને કોળી સમાજના આગેવાનોની ૫ જાન્યુઆરી બેઠક મળી હતી. આ બેઠકમાં મંત્રી કુંવરજી બાવળીયા, સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા સહિત કોળી સમાજના ધારાસભ્યો અને સાંસદ હાજર રહ્યા હતા.
બેઠક બાદ કોળી સમાજના ૩ સાંસદ અને ૧૫ ધારાસભ્યોએ બગદાણા કેસ મામલે ન્યાયિક તપાસની માગને લઈને મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી.
ગાંધીનગરમાં રજૂઆત બાદ સમગ્ર કેસની તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે. મહુવાના બગદાણામાં મોણપર ગામ નજીક ૨૯ ડિસેમ્બરની મોડી રાતે આઠ શખસોએ યુવક પર ધોકા અને પાઈપ વડે હુમલો કર્યો હતો. જે બાદ આઠ શખસો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. પીડિત યુવકે લોકકલાકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ પર ગંભીર આરોપ લગાવ્યા હતા.
જોકે મહુવાના ઈન્ચાર્જ ડીવાયએસપીએ દાવો કર્યો હતો કે દારૂની બાતમી આપ્યાની શંકાના કારણે નવનીતભાઈ પર હુમલો થયો હતો. મુંબઈના એક કાર્યક્રમમાં માયાભાઈ આહીરે બગદાણા ધામના મેનેજિંગ ટ્રસ્ટીનું નામ લીધું હતું.
જોકે બાદમાં નવનીત બાલધિયાએ તેમને ફોન કરીને જણાવ્યું હતું કે હજુ સુધી કોઈ પણ મેનેજિંગ ટ્રસ્ટી નક્કી કરાયા નથી. ભૂલ સમજાતા માયાભાઈ આહીરે માફી માંગતો વીડિયો બનાવ્યો હતો. જેની દાઝ રાખી માયાભાઈના પુત્ર જયરાજે હુમલો કરાવ્યો હોય તેવા આરોપ લગાવવામાં આવી રહ્યા છે.
