૧૦% દ્રષ્ટિ ધરાવતી ધૈર્યા માંકડને ૭ ગોલ્ડ મેડલ, રવિના રાજપુરોહિત ટોપર
ગુજરાત યુનિવર્સિટી પદવીદાન સમારંભ યોજાયો-ગુજરાત યુનિ.ના પદવીદાનમાં છવાયેલાં ધૈર્યા માંકડની સંઘર્ષગાથા: 7 ગોલ્ડ મેડલ
(એજન્સી)અમદાવાદ, ગુજરાત યુનિવર્સિટીમાં ૭૪મો પદવીદાન સમારંભ યોજાયો, જેમાં ૪૦,૮૦૦ જેટલા વિદ્યાર્થીઓ પદવી એનાયત કરવામાં આવી, જેમાં ૩૫૦ વિદ્યાથીઓને ગોલ્ડ મેડલ પણ મળ્યા, આ સાથે ગૌરવ પુરસ્કારની પણ જાહેરાત કરી પ્રદાન કરવામાં આવ્યા.
એલએલબીમાં ૮ મેડલ સાથે રવિના રાજપુરોહિત ટોપર બની તો ધૈર્યા માંકડે માત્ર ૧૦ ટકા દ્રષ્ટિ હોવા છતાં સાત ગોલ્ડ મેડલ જીતી પ્રેરણાદાયી સફળતાનો નવો અધ્યાય રચ્યો. ધૈર્યા માંકડે જણાવ્યું કે, ઉપાસના સ્કૂલ ઓફ પરફો‹મગ આર્ટ્સ અહીં ગુજરાત યુનિવર્સિટીમાં જ છે, તે કેમ્પસમાંથી જ મેં માસ્ટર પરફો‹મગ આર્ટસ કર્યું ,
તેના છેલ્લા વર્ષમાં પહેલા રેન્ક આવવાથી મને એક સુવર્ણચંદ્રક મળેલો છે, નાનપણથી જ હું ક્લાસિકલ મ્યુઝિક ગાતી હતી અને શીખતી હતી અને પંડિત જસરાજીના શિષ્ય પંડિત કૃષ્ણકાંત પરીખ મારા ગુરુજી હતા, તેમની નિશ્રામાં મેં લગભગ ૧૦ વર્ષ ટ્રેનિંગ લીધી અને ઘણા કાર્યક્રમો પણ કર્યા છે. અહીંયા સપ્તક દ્વારા જે યુવા કલાકારો માટે સંકલ્પ સપ્તાહ થતું હોય છે

ઓક્ટોબરમાં એમાં પણ મેં ૨૦૨૪માં પ્રસ્તુતિ કરી છે અને ઘણી જગ્યાએ ડિવોશનલ મ્યુઝિક (ભક્તિ સંગીત) પણ ગાઉ છું અને મેં બીએ અને એમએ પણ સંસ્કૃતમાં કર્યું અને એમાં પણ મને ત્રણ ત્રણ સુવર્ણચંદ્રક મળેલા છે એટલે કુલ સાત સુવર્ણચંદ્રક મળ્યા છે.
ધૈર્યાએ પોતાના સંઘર્ષની સફર વિશે જણાવતા કહ્યું કે, ચેલેન્જ ખાસ તો વિઝનના લીધે કહી શકાય, કારણ કે મારે એક જ જમણી આંખમાં વિઝન છે અને એ પણ ૧૦% જ છે. એટલે મારે વાંચવા માટે મોટી બારી જોઈએ અને વધારે અજવાળું હોય તો હું થોડું વાંચી શકું.
જો વરસાદ જેવું વાતાવરણ હોય તો થોડું વાંચવામાં તકલીફ પડે, પણ તડકો હોય તો હું વાંચી વાંચી લેતી, જેથી અત્યાર સુધી મેં જેટલી પણ પરીક્ષા આપી છે તે રાઈટરની મદદથી જ આપી છે, આ મારા માટે ખૂબ યાદગાર ક્ષણ છે, મને વી. નારાયણજી ચેરમેનના હસ્તે સુવર્ણચંદ્રક મળેલો છે જેથી ખૂબ ખુશ છું, હજુ પણ આગળ સંગીતની સેવા અને તે ક્ષેત્રમાં મારું યોગદાન આપવા ઈચ્છું છું.
