જખૌ બંદરમાં બ્લૂ ઇકોનોમીને વેગ આપવા 121 કરોડના ખર્ચે આધુનિકસભર જેટી તથા હાર્બર બનશે
કચ્છનાં કોરી ક્રીક વિસ્તારમાં CMFRI, CSMCRI તથા ખાનગી ઉદ્યોગ સાહસિકો દ્વારા દરિયાઈ શેવાળ ગ્લેશીલેરીયા પ્રજાતિની ખેતી કરવામાં આવી રહી છે
વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ : સૌરાષ્ટ્ર – કચ્છ ૨૦૨૬ કચ્છનો દરિયાકાંઠો ‘બ્લૂ ઇકોનોમી‘નું પાવરહાઉસ બનશે
૧૧ થી ૧૨ જાન્યુઆરી દરમિયાન રાજકોટ ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં કચ્છ-સૌરાષ્ટ્રની સીવીડ ફાર્મિંગ ક્ષેત્રે હાંસલ સિદ્ધિઓને વૈશ્વિક સ્તરે પ્રદર્શિત કરાશે
આવનારા સમયમાં દેશના આર્થિક ગ્રોથમાં બ્લૂ ઇકોનોમી મહત્વપૂર્ણ ભાગ ભજવશે. ગુજરાતને મળેલા વિશાળ દરિયા કિનારામાં કચ્છ સૌથી વધુ દરિયાનો વિસ્તાર ધરાવે છે. ત્યારે આવનારા સમયમાં દેશમાં બ્લૂ ઇકોનોમીના વિકાસમાં કચ્છ મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી બ્લૂ ઇકોનોમી વિકસિત કરવા પર ભાર મુકતા તાજેતરમાં જ કહ્યું હતું કે, ‘આપણે એક એવા ભવિષ્ય તરફ આગળ વધી રહ્યા છીએ,
જ્યાં ગ્રીન પ્લેનેટના નિર્માણ માટે બ્લૂ ઇકોનોમી એક માધ્યમ બનશે.’ ગુજરાતમાં દેશનો સૌથી લાંબો દરિયાકિનારો છે, જે દેશમાં બ્લૂ ઇકોનોમીના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે. રાજ્યમાં મત્સ્ય ઉત્પાદનમાં વધારો કરવા અને માછીમારોને આર્થિક રીતે વધુ સમૃદ્ધ કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે પણ વિવિધ પ્રોત્સાહક પગલાંઓ અને નીતિઓ અમલમાં મૂક્યા છે. તેના પરિણામ સ્વરૂપે ગુજરાત આજે દરિયાઈ માછલીના ઉત્પાદનમાં સમગ્ર દેશમાં બીજા સ્થાન પર છે.
બ્લૂ ઇકોનોમી એટલે શું ?
બ્લૂ ઇકોનોમીનો અર્થ માત્ર માછીમારી કે જહાજવાડાથી જ નથી, પરંતુ સમુદ્ર આધારિત સમગ્ર આર્થિક માળખાનો સમાવેશ થાય છે. જેમાં મરીન બાયોટેક્નોલોજી, ગ્રીન એનર્જી, ગહન સમુદ્ર સંશોધન, ઇકો-ટુરિઝમ, પોર્ટ- લોજિસ્ટિક્સ અને સ્માર્ટ ફિશિંગ વગેરેનો સમાવેશ થાય છે.
સાયન્સ અને ટેક્નોલોજી મંત્રીશ્રી ડો.જીતેન્દ્ર સિંહના કહેવા મુજબ, બ્લૂ ઇકોનોમી ભારતની હરિત વિકાસ યાત્રાનું નવો પાયો બની શકે છે. બંદરોને આધુનિક બનાવવાની સાથે વેપારમાં ઝડપ લાવવા સરકારે સાગરમાલા પ્રોજેક્ટ અમલી કર્યો છે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના માછીમારી ક્ષેત્રમાં બ્લૂ રિવોલ્યુશન લાવી રહી છે. હરિત સાગર ગાઇડલાઇનસ ઝીરો કાર્બન ઉત્સર્જન તરફ મહત્વપૂર્ણ પગલું છે.
મત્સ્યઉદ્યોગનું ઉત્પાદન અને ઉત્પાદકતા વધે તેમજ માછીમારોની આજીવિકામાં વધારો થાય તેવા હેતુથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રશ્રી મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના (PMMSY) સમગ્ર દેશમાં લાગુ કરી છે, જેમાં મત્સ્યોદ્યોગ માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને કેન્દ્રમાં રાખવામાં આવ્યો છે.
પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના, મત્સ્ય ઉત્પાદન, ઉત્પાદકતા અને ગુણવત્તાથી લઇને ટેક્નોલૉજી, પોસ્ટ-હાર્વેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને માર્કેટિંગ સુધીની ફિશરીઝ વેલ્યુ ચેઇનમાં રહેલી મહત્વપૂર્ણ ખામીઓને દૂર કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. આ યોજનાનો ઉદ્દેશ વેલ્યુ ચેઇનને આધુનિક અને મજબૂત બનાવવાનો, ટ્રેસેબિલિટી એટલે કે શોધક્ષમતા વધારવાનો અને એક મજબૂત મત્સ્યપાલન વ્યવસ્થાપન માળખું સ્થાપિત કરવાની સાથે-સાથે માછીમારોનું સામાજિક-આર્થિક કલ્યાણ સુનિશ્ચિત કરવાનો છે.
મત્સ્યપાલન ક્ષેત્રના વિકાસ માટે ગુજરાત સરકારના પ્રયાસો
ગુજરાતના લાંબા દરિયાકિનારાની સંપૂર્ણ ક્ષમતાનો લાભ લેવા માટે રાજ્ય સરકારે મત્સ્યોદ્યોગ ક્ષેત્રે અનેક પહેલો હાથ ધરી છે, જેમાં ડીઝલના વેટદરમાં ઘટાડો, કેરોસીન અને પેટ્રોલની ખરીદી પર સબસીડીની સુવિધા, ઝીંગા માછલીઓના પાલન માટે જમીન આપવી, રસ્તા અને વીજળીની સુવિધાઓ, નાના માછીમારો માટેના બંદરોની માળખાકીય સુવિધાઓમાં વધારો વગેરેનો સમાવેશ થાય છે. આ સાથે નવા મત્સ્ય બંદરોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
રાજ્ય સરકાર દ્વારા મત્સ્યોદ્યોગના વિકાસ માટે ઘણી નવી પહેલો શરૂ કરી છે, જેમાં મત્સ્ય ઉછેર અને ઉત્પાદન માટે બાયોફલોક/ રિસર્ક્યુલેટિંગ એક્વાકલ્ચર સિસ્ટમ (RAS)ની સ્થાપનામાં સહાય, ઝીંગા તળાવની પૂર્વ તૈયારી માટે દવા અને મિનરલ તેમજ ખોરાક તરીકે આપવામાં આવતા પ્રોબાયોટિકની ખરીદી ઉપર સહાય, કેજ કલ્ચર માટે સહાય (ભાંભરાપાણી)નો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, આધુનિક બોટ બિલ્ડીંગ યાર્ડની સ્થાપના ઉપર સહાય, બોટ માલિકો, મત્સ્યોધોગ સહકારી મંડળીઓ તથા મત્સ્ય વેપારીઓ માટે બ્લાસ્ટ ફ્રિઝર તથા કોલ્ડસ્ટોરેજ સ્થાપવા ઉપર સહાય, પરંપરાગત માછીમારો માટે હોડી (રિપ્લેસમેન્ટ) અને જાળી પ્રદાન કરવી, ફિશ બાય-પ્રોડક્ટ પ્રોસેસિંગ યુનિટ, સી-વીડ સીડ બૅન્કની સ્થાપના ઉપર સહાય, પમ્પ/ફિશ /ક્રૅબ હેચરીની સ્થાપના ઉપર સહાય, સી-વીડ કલ્ચર વગેરે માટે પણ સહાય (રાફ્ટ/ટ્યુબ નેટ) આપવામાં આવશે.
કચ્છમાં મત્સ્યોદ્યોગનો વિકાસ : જિલ્લાનું દરિયાઈ ઉત્પાદન ૫૯૨૧૩ મેટ્રિક ટન
ગુજરાત મત્સ્ય ઉત્પાદનના ક્ષેત્રે દેશમાં મોખરાનું સ્થાન ધરાવે છે. આ રાજ્ય દરિયાઈ મત્સ્ય ઉત્પાદનમાં દેશમાં બીજા ક્રમે અને કુલ મત્સ્ય ઉત્પાદનમાં છઠ્ઠા ક્રમે છે, જે રાજ્યની જળસંપત્તિની તાકાત દર્શાવે છે. ૪૦૬ કી.મી. જેટલો દરિયા કિનારો કચ્છ જિલ્લાને મળેલ છે. કે જે ગુજરાતના અન્ય જિલ્લા કરતા સૌથી વધારે ૨૫.૩૮ % ધરાવે છે. કચ્છ જિલ્લામાં બોટોમાં મુખ્યત્વે ગીલનેટ, ડોલનેટ, પટ્ટીજાળ તથા ચક્કર જાળ દ્વારા માછીમારી કરવામાં આવે છે.
કચ્છ જિલ્લામાં મુખ્ય પાપલેટ, સુરમાઈ, ઝીંગા, લોબસ્ટર (ટીટણ) પલ્લી, પાલવા, રાઉસ, બોઇ-ગાંધીયા, કરચલા તેમજ અન્ય ઘણી પ્રજાતિઓની માછીમારી કરવામાં આવે છે, જે માર્કેટમાં ખૂબ ઊંચું મૂલ્ય ધરાવે છે. રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાને રાખીને સરકારશ્રી દ્વારા ગુજરાતની તમામ બોટોમાં વિનામૂલ્યે ટ્રાન્સપોન્ડર ફીટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલી છે. કચ્છમાં કંડલા, જખૌ, મુન્દ્રા, માંડવી, તુણા સહિતના બંદર ધમધમી રહ્યા છે. જેમાં જખૌ મત્સ્ય બંદર છે.
કચ્છ જિલ્લાનું દરિયાઈ ઉત્પાદન : ૫૯૨૧૩ મેટ્રિક ટન (ગુજરાતનાં કુલ ઉત્પાદન નાં ૮.૪૦ %) કે જે રૂ.૧૬૫ પ્રતિ કિલો મુજબ રાજ્યે અંદાજે ૯૮૦૦૦ લાખનું હૂંડિયામણ કચ્છ જિલ્લામાંથી મેળવેલું છે. (વર્ષ ૨૦૨૩-૨૪ મુજબ), કચ્છ જિલ્લામાં સરકારશ્રીની યોજના જેવી કે, મત્સ્યોદ્યોગ તાલીમ, ગીલનેટ, પી.પી.રોપ, ઇન્સ્યુલેડેટ બોક્ષ, રેફ્રીજરેડ વાન, લાઈફ સેવિંગ ઇકવીપમેન્ટની ખરીદી જેવી વિવિધ યોજનાઓ હેઠળ છેલ્લા ૩ વર્ષમાં કુલ ૪૪૪ લાભાર્થીઓને કુલ રૂ. ૧૦૭.૮૦ લાખનું વિવિધ યોજનાઓમાં લાભાર્થીઓને સીધે-સીધું તેઓના ખાતામાં (ડીબીટી) થી ચૂકવણું કરવામાં આવેલ છે.
ગુજરાતમાં મત્સ્યોદ્યોગનો મજબૂત પાયો ગુજરાત તત્કાલિન ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી નખાયો હતો. તેમણે દરિયાકાંઠાના વિકાસને વેગ આપવા અને મત્સ્યોદ્યોગ ક્ષેત્રની ક્ષમતાને ઓળખીને ‘બ્લૂ ઇકોનોમી‘ ની ભારપૂર્વક હિમાયત કરી હતી. વર્તમાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પણ રાજ્ય સરકારે મત્સ્યોદ્યોગ ક્ષેત્રમાં નોંધપાત્ર અસરકારક પગલાં લીધાં છે. જે હેઠળ કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના જખૌ બંદરમાં રૂ. ૧૨૧ કરોડના ખર્ચે આધુનિક સુવિધા વાળી જેટી તથા હાર્બર બનવા જઈ રહ્યું છે. તે જ રીતે અન્ય બંદરો પણ ગ્રીન એનર્જી, ઇકો-ટુરિઝમ, પોર્ટ- લોજિસ્ટિક્સ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી રહ્યા છે.
ગુજરાત સરકારે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રમાં સીવીડ ફાર્મિંગ( દરિયાઇ શેવાળની ખેતી) દ્વારા બ્લૂ રીવોલ્યુશેનની શરૂઆત કરી છે. આ પહેલ દરિયાઇ સમુદાયો માટે નવી આર્થિક સમૃદ્ધિ લાવવાની સાથે દેશની બ્લૂ ઇકોનોમીને મજબૂત બનાવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે.
ગુજરાત સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની બીજી આવૃતિ ૧૧ થી ૧૨ જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન રાજકોટ ખાતે યોજાશે. જેમાં કચ્છ-સૌરાષ્ટ્રમાં સીવીડ ફાર્મિંગ ક્ષેત્રે હાંસલ કરેલી નોંધપાત્ર પ્રગતિને વૈશ્વિક સ્તરે પ્રદર્શિત કરાશે. કચ્છના કિનારાથી લઇને દેવભૂમિ દ્વારકા નજીકની ઊંડી ખાડીઓ સુધીના અંદાજિત ૪૩૦ કિ.મી વિસ્તારમાં સી-વીડની ખેતી ઝડપથી વિકાસ પામી રહી છે. કચ્છની વાત કરીએ તો ભારત સરકારશ્રીનાં સીધા મોનીટરીંગ હેઠળ કચ્છનાં કોરી ક્રીક વિસ્તારમાં CMFRI, CSMCRI તથા ખાનગી ઉદ્યોગ સાહસિકો દ્વારા દરિયાઈ શેવાળ ગ્લેશીલેરીયા પ્રજાતિની ખેતી હાથ ધરવામાં આવેલી છે.
દરિયાઈ શેવાળની ખેતીને પ્રોત્સાહન આપવા માટે ૧૫૦૦ માછીમારોને વિનામૂલ્યે તાલીમ આપવામાં આવેલી છે. તથા લાભાર્થીઓને કુલ ૩.૨૩ લાખની સહાય ચુકાવવામાં આવી છે. આમ, બ્લૂ ઇકોનોમી માત્ર અર્થતંત્રને નહી, સમાજને પણ મજબૂત કરે છે. મહિલાઓ માટે સી-વીડ ફાર્મિંગ અને ઇકો-ટુરિઝમ નવા દરવાજા ખોલી રહ્યું છે. યુવાનોને મરીન એન્જિનિયરિંગ અને ડેટા એનાલિટિક્સ જેવી નવી કૌશલ્ય તાલીમ આપવામાં આવી રહી છે. સ્ટાર્ટઅપ્સ સ્માર્ટ ફિશિંગ અને ગ્રીન લોજિસ્ટિક્સમાં નવા પ્રયોગ કરી રહ્યા છે.
ગુજરાતની ‘બ્લૂ ઈકોનોમી‘ માત્ર રાજ્યના વિકાસ માટે જ નહીં, પણ આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવા માટેનું પણ એક મજબૂત એન્જિન બની છે. મત્સ્ય ઉત્પાદન દ્વારા રાજ્ય આજે દેશની અર્થવ્યવસ્થામાં એક મહત્વપૂર્ણ અને ગૌરવપૂર્ણ યોગદાન આપી રહ્યું છે ત્યારે કચ્છ જિલ્લો તેમાં અગ્રેસર બની રહેશે.
