કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુરેશ કલમાડીએ ૮૨ વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
નવી દિલ્હી, કોંગ્રેસના વરિષ્ઠ નેતા તથા પૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ કલમાડીનું લાંબી બીમારી બાદ નિધન થયું છે. તેમને સારવાર માટે પૂણેની દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમનો પાર્થિવ દેહ આજે બપોરે બે વાગ્યા સુધી પૂણેના કલમાડી હાઉસમાં રાખવામાં આવશે. જે બાદ નવી પેઠ સ્થિત વૈકુંઠ સ્મશાન ભૂમિમાં તેમના અંતિમ સંસ્કાર કરાશે.
નોંધનીય છે કે પૂણેમાં રહેતા સુરેશ કલમાડી ૧૯૬૦ના દાયકામાં ભારતીય વાયુસેનામાં પાયલોટના રૂપમાં સામેલ થયા હતા. ત્યાં તેમણે છ વર્ષ સેવા આપી. બાદમાં તેઓ બે વર્ષ સુધી એનડીએમાં ટ્રેનર તરીકે ફરજ બજાવતા હતા. તેમણે વર્ષ ૧૯૬૫ અને ૧૯૭૧ એમ બે વખત પાકિસ્તાન વિરુદ્ધ યુદ્ધમાં પણ સેવા આપી. કોંગ્રેસના દિગ્ગજ નેતા સંજય ગાંધી તેમને રાજકારણમાં લાવ્યા હતા. તે સમયે સુરેશ કલમાડી પૂણેમાં ફાસ્ટફૂડ આઉટલેટ ચલાવતા હતા.
તેમને મહારાષ્ટ્ર યુવા કોંગ્રેસની કમાન સોંપવામાં આવી. ૧૯૮૨માં તેઓ રાજ્યસભાના સાંસદ બન્યા. ૧૯૯૬માં તેઓ ભારતીય ઓલિમ્પિક સંઘના પ્રમુખ રહ્યા અને ચાર-ચાર વર્ષના બે કાર્યકાળમાં તેમણે પ્રમુખ પદ જાળવી રાખ્યું. તેમના પર કોમનવેલ્થ ગેમ્સમાં કૌભાંડના આરોપ લાગ્યા હતા અને સીબીઆઈએ તેમના ઘરે દરોડા પાડી તપાસ પણ કરી હતી. જોકે ગયા વર્ષે જ પુરાવા ન હોવાના કારણે તેમને ક્લીન ચિટ અપાઈ હતી.SS1MS
