એફબી-ઈન્સ્ટા પર તમારી દરેક હરકત પર નજર રાખશે એઆઈ
નવી દિલ્હી, મેટાની નવી પોલિસીને લઈને સોશિયલ મીડિયા યુઝર્સ પરેશાન થઈ રહ્યાં છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને થ્રેડ્સના યુઝર્સને હવે એક ડર લાગી રહ્યો છે કે કંપની દ્વારા હવે એઆઈની મદદથી તેમના પર નજર રાખવામાં આવી રહી છે.
પહેલાં કરતા વધુ નજર રાખવાનું પ્લાનિંગ હવે મેટા એઆઈની મદદથી કરી રહી છે. મેટાનું કહેવું છે કે એઆઈની મદદથી યુઝર્સ તેમની ઇચ્છાની એડ્સ જોઈ શકશે, પરંતુ એક્સપર્ટ દ્વારા એને ખતરાની ઘંટી ગણવામાં આવી રહી છે.મેટા હવે એઆઈની મદદથી એડ્સનો બિઝનેસ કરી રહ્યું છે.
આ કોઈ નાનો બદલાવ નથી. એના કારણે મેટા કંપની તેમની દરેક પ્રોડક્ટમાં હવે પહેલાં કરતાં એઆઈનો ઉપયોગ વધુ કરશે. આ એઆઈ હવે વધુ બારિકાઈથી યુઝર્સના ઉપયોગ પર ધ્યાન રાખશે જેના કારણે તેમને એડ્સ કઈ દેખાડવી એ નક્કી કરી શકાય.અત્યાર સુધી યુઝર્સની પર્સનલ માહિતીને ડેટા ગણવામાં આવતાં હતાં.
જોકે એઆઈ આવવાથી હવે એ યુઝર્સની લાઇકથી લઈને સર્ચ અને કઈ પોસ્ટ જોવામાં આવે છે અને મેટા એઆઈ સાથે શું વાતચીત કરવામાં આવે છે એ દરેક બાબત પર ધ્યાન રાખવામાં આવશે.
આથી યુઝર્સના મેસેજ, એમાં થતી વાતચીત અને એમાં ઉપયોગમાં લેવામાં આવતાં કીવર્ડ વગેરે માહિતી એલ્ગોરિધમ સુધી પહોંચી શકે છે. મેટા કંપની દ્વારા એ દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમના દ્વારા મેસેજને માણસ જે રીતે વાંચે છે એ રીતે વાંચવામાં નથી આવતાં.
જોકે એક્સપર્ટ દ્વારા યુઝર્સને ચેતવી દેવામાં આવ્યાં છે કે તમે જે વાત કરશો એના આધારે પણ તમને એડ્સ દેખાડવામાં આવી શકે છે.મેટા એઆઈ સંપૂર્ણ રીતે વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં કાર્યરત છે.
જો યુઝર્સ હવે એઆઈને ટ્રાવેલ, ફૂડ અથવા તો કોઈ પણ વિષય પર સવાલ પૂછશે તો યુઝર્સને એ વિશેની એડ્સ જોવા મળવાની શરૂ થઈ જશે. કંપનીનું કહેવું છે કે એની મદદથી યુઝર્સને કોઈ પણ એડ્સ દેખાડવા કરતાં તેમની પસંદગીની એડ્સ જોવા મળશે જેથી યુઝર્સને પણ કંટાળો નહીં આવે.SS1MS
