Western Times News

Gujarati News

કેન્દ્ર ચાર મહિનામાં EPFOમાં પગારમર્યાદા અંગે નિર્ણય કરે: સુપ્રીમ

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે સોમવારે કેન્દ્રને મહત્વની ટકોર કરતા કેન્દ્રને ચાર મહિનામાં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઈપીએફઓ) યોજનામાં પગારની મર્યાદામાં ફેરફાર માટે નિર્ણય લેવા જણાવ્યું છે.

પગાર મર્યાદામાં છેલ્લા એક દાયકાથી વધુ સમયથી કોઈ ફેરફાર કરાયો નહીં હોવાથી મોટાભાગનો વર્ગ આ યોજનાના લાભોથી વંચિત રહ્યો હોવાનું સુપ્રીમ કોર્ટ સમક્ષ એક અરજીમાં જણાવાયું છે.

જસ્ટિસ જે કે મહેશ્વરી અને જસ્ટિસ એ એસ ચંદુરકરની ખંટપીઠે કાર્યકર્તા નવીન પ્રકાશ નૌટિયાલે કરેલી અરજી પર હુકમ કર્યાે હતો. આ અરજીમાં દાવો કરાયો હતો કે, કર્મચારીઓ માટેની સામાજિક સુરક્ષા યોજનાનું સંચાલન કરતા કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને હાલમાં પ્રતિ માસ ૧૫,૦૦૦થી વધુનું વેતન ધરાવતા કર્મચારીઓને બાકાત રાખ્યા છે.

એડ્‌વોકેટ પ્રણવ સચદેવ અને નેહા રાઠીએ બેન્ચને જણાવ્યું કે, ૧૧ વર્ષથી પગાર મર્યાદામાં કોઈ ફેરફાર કરાયો નથી, જ્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા નિર્ધારિત લઘુત્તમ પગાર ઈપીએફઓની પ્રતિ મહિના ૧૫,૦૦૦ની મર્યાદાથી વધુ છે.

આ જ કારણથી મોટાભાગના કર્મચારીઓ/શ્રમિકો ઈપીએફઓ યોજનાના લાભ અને સુરક્ષાથી વંચિત રહ્યા છે. નિર્ધારિત પગાર મર્યાદાથી વધુ આવક ધરાવતા કર્મચારીઓને આ યોજનાનો લાભ મળતો નથી. બેન્ચે નૌટિયાલની અરજીનો નિકાલ કરતા તેમને હુકમની નકલ સાથે બે સપ્તાહમાં કેન્દ્ર સમક્ષ રજૂઆત કરવા નિર્દેશ કર્યાે. કેન્દ્ર સરકારને ચાર મહિનામાં આ મામલે નિર્ણય લેવા આદેશમાં સ્પષ્ટતા કરાઈ છે.

નૌટિયાલે અરજીમાં કલમ ૧૪ અને ૨૧ હેઠળ મૂળભૂત અધિકારોના અમલીકરણ અને કર્મચારી ભવિષ્ય નિધિ યોજના, ૧૯૫૨ હેઠળ વેતન મર્યાદાના મનસ્વી અને અનિયમિત સુધારા અંગેના નિર્દેશો માંગ્યા છે, જે કર્મચારી ભવિષ્ય નિધિ અને વિવિધ જોગવાઈઓ અધિનિયમ, ૧૯૫૨ હેઠળ ઘડાયા છે.

૧૬મી લોકસભાની જાહેર હિસાબ સમિતિ (પીએસી) તથા ઈપીએફઓની સબ કમિટી (૨૦૨૨) બન્નેએ સમયાંતરે પગાર મર્યાદામાં તર્તસંગત વધારાની ભલામણ કરી હતી, મધ્યસ્થ બોર્ડ (ઈપીએફ)એ જુલાઈ ૨૦૨૨માં મંજૂરી આપી હોવા છતાં કેન્દ્રે આ ભલામણ પર કોઈ કાર્યવાહી કરી નહતી. અરજીમાં જણાવ્યા મુજબ છેલ્લા ૭૦ વર્ષમાં પગાર મર્યાદામાં બદલાવ કેન્દ્રીય કર્મચારીઓના લઘુત્તમ વેતન, આવકવેરા મુક્તિ મર્યાદા, માઠાદીઠ આવકમાં વાર્ષિક વૃદ્ધિની તુલનાએ સુસંગત નથી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.