વૃદ્ધ દંપતી અંબાજી દર્શન કરવા ગયું અને ઘરમાંથી ૯ લાખ મત્તા ચોરાઈ
અમદાવાદ, શહેરના ઇસનપુર વિસ્તારમાં રહેતા વૃદ્ધ દંપતી ગત શનિવારે અંબાજી માતાના દર્શન કરવા સારું નીકળ્યા હતા. બીજા દિવસે પાછા આવી રહ્યા હતા ત્યારે તેમની સોસાયટીના ચેરમેને ફોન કરીને જણાવ્યું કે તેમના ઘરમાં ચોરી થઇ છે. બાદમાં વૃદ્ધ દંપતીએ ઘરે પહોંચીને જોતા અંદરના રૂમમાં મુકેલ તિજોરીમાં રહેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત કુલ રૂ.૯.૧૩ લાખની મતાની તસ્કરોએ ચોરી કરી હતી.
આ અંગે પોલીસે ઘરફોડ ચોરીનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. ઇસનપુર રત્નદીપ સોસાયટીમાં રહેતા વૃદ્ધ દિલીપકુમાર ઠક્કર વ્યવસાયે એલ.આઈ.સી. એજન્ટ છે.
ગત તા.૩ જાન્યુઆરીના રોજ વૃદ્ધ તેમની પત્ની અને ડ્રાઈવર સાથે અંબાજી મંદિરે દર્શન કરવા ગયા હતા. બીજા દિવસે સવારે જ્યારે પરત ઘરે આવતા હતા ત્યારે તેમની સોસાયટીના ચેરમેનનો તેમની પર ફોન આવ્યો અને જણાવ્યું કે તમારા ઘરે કામ કરવા આવતી મહિલાએ કહ્યું કે ઘરનું તાળું તૂટેલી હાલતમાં છે.
આ સાંભળીને વૃદ્ધ દંપતી તાત્કલિક ઘરે આવી પહોંચ્યા અને ઘરે આવ્યા બાદ જોયું તો મેઈન દરવાજાનું તાળું તૂટેલું હતું અને ઘરની અંદર રહેલો સામાન વેર વિખેર હાલતમાં પડેલો હતો.
આથી તુરંત પોલીસને જાણ કરતા ઇસનપુર પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી અને તપાસ હાથ ધરતા માલૂમ પડ્યું કે ઘરમાં રહેલા સોના ચાંદીના દાગીના અને રોકડ સહિત કુલ રૂપિયા ૯ લાખ ૧૩ હજારની મતાની ચોરીને તસ્કરોએ અંજામ આપ્યો છે. ત્યારબાદ વૃદ્ધ દંપતીએ અંગે ફરિયાદ નોંધાવતા ઇસનપુર પોલીસે ઘરફોડ ચોરીનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.SS1MS
