લગ્નની લાલચ આપીને મહિલા એજન્ટ, લૂંટેરી દુલ્હને ૨.૨૫ લાખ પડાવ્યા
અમદાવાદ, અસલાલીના એક ગામમાં રહેતા યુવકને લૂંટેરી દુલ્હનનો ભેટો થયો હતો. આ યુવકને ધોળકા અને વડોદરાની મહિલા એજન્ટે એક યુવતી સાથે પરિચય કરાવ્યો હતો અને બાદમાં લગ્ન કરનાર યુવતીના પિતાને લકવો હોવાથી સારવારનો ખર્ચ અને ખરીદી પેટે ૨.૨૫ લાખ પડાવ્યા હતા.
જ્યારે યુવક યુવતી કોર્ટમાં લગ્ન માટે ગયા ત્યારે સર્ટિફિકેટમાં ખામી હોવાનું કહીને માત્ર ફુલહાર કર્યા હતા. આમ, મહિલા એજન્ટોએ રજિસ્ટર્ડ મેરેજ ન કરાવીને યુવતીને પરત લઇ ગયા હતા. બાદમાં યુવતી બીમાર હોવાનું નાટક કરીને યુવકને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. યુવકે નાણાં અને યુવતી બંનેને ગુમાવી દેતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા અસલાલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
કાસીન્દ્રા ગામમાં રહેતો ૪૧ વર્ષીય યુવક શાકભાજી વેચવાનું કામ કરે છે. ધોળકાની સુમિત્રા ઉર્ફે ઉષા લગ્ન કરાવી આપતી હોવાની માહિતી મળતા યુવકે મુલાકાત કરી હતી. સુમિત્રાએ વડોદરાની નયના નામની યુવતી પાસે માગુ હોવાનું કહીને શારદા નામની યુવતીનો ફોટો બતાવ્યો હતો.
જોકે, શારદાની આર્થિક પરિસ્થિતિ નાજુક હોવાથી તેને મદદ કર્યા બાદ લગ્ન કરશે તેવું કહીને યુવક યુવતીની મીટિંગ ગોઠવી હતી. મહિલા એજન્ટોએ સવા બે લાખ આપો તો લગ્ન કરાવી આપીશું તેમ કહેતા યુવકે કપડાં અને દાગીનાની ખરીદી માટે દોઢ લાખ આપ્યા હતા. જે પછી એક દિવસ સુમિત્રા આ શારદા નામની યુવતીને યુવકના ઘરે મૂકી ગઇ હતી. જ્યાં શારદા યુવક સાથે પત્ની તરીકે નવ દિવસ રહી હતી. આ સમયે શારદાએ ચુડેલ માતાની બાધા હોવાથી શરીર સુખ નહિ આપું તેમ કહીને વારંવાર દૂર જઇને ફોન પર વાતો કરતા યુવકને શંકા ગઇ હતી. જેથી તેણે કોર્ટ મેરેજ કરવાનું કહેતા તમામ લોકો ભેગા થયા હતા.
મહિલા એજન્ટોએ એક લાખની માગણી કરતા યુવકે ૭૫ હજાર આપ્યા હતા. જ્યારે તમામ લોકો કોર્ટ મેરેજ કરવા ગયા ત્યારે શારદાના કાગળોમાં ખામી હોવાથી લગ્નનું રજિસ્ટ્રેશન થયું નહોતુ. જેથી ફુલહાર કરીને પરત આવતી વખતે મહિલા એજન્ટોએ શારદાના સર્ટિફિકેટમાં સુધારા કરાવવા વડોદરા લઇ જવાનું કહીને તેને પરત લઇ ગયા હતા.
જ્યારે શારદા પરત ન આવી ત્યારે યુવક ત્યાં ગયો ત્યારે તેને પેટમાં ગાંઠ હોવાના બહાના બતાવીને અન્ય યુવતી સાથે લગ્ન કરવાની લાલચ આપી હતી. જોકે, યુવકે મનાઇ કરતા તમામ લોકોએ તેને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને રવાના કરી દીધો હતો. આમ, મહિલા એજન્ટો અને લૂંટેરી દુલ્હને ૨.૨૫ લાખ પડાવીને છેતરપિંડી આચરતા યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી છે. અસલાલી પોલીસે નયના ભટ્ટ, શારદા ગામીત (બંને રહે. વડોદરા) અને સુમિત્રા પરીખ (રહે. ધોળકા) સામે ગુનો નોંધી તપાસ આરંભી છે.SS1MS
