મહેસાણામાં શુદ્ધ પાણીના સમ્પ પાસે ભૂગર્ભ ગટરનું પમ્પિંગ સ્ટેશન બનાવવા સામે રોષ
મહેસાણા, મહેસાણાના ગાંધીનગર લિન્ક રોડ નજીક નર્મદાના પાણીના ૫૦ લાખ લિટરના સમ્પ પાસે જ ભૂગર્ભગટરનું પમ્પિંગ સ્ટેશન બનાવવા સામે વિસ્તારના રહીશોએ સોમવારે રેલી કાઢીને રજૂઆત કરી હતી.
મહેસાણાના ગાંધીનગર લિન્ક રોડ, માનવઆશ્રમ સહિત વિસ્તારની ૩૦૦ જેટલી સોસાયટીઓના ૫૦ હજારથી વધુ લોકોને ખારી નદી પાસે બનાવેલા વોટર વર્ક્સ હેડ ખાતેના ૫૦ લાખ લિટર ક્ષમતાના સમ્પમાંથી નર્મદાનું પાણી પૂરું પાડવામાં આવે છે. જે વોટર વર્ક્સ હેડના કમ્પાઉન્ડમાં જ જીયુડીસી દ્વારા ભૂગર્ભગટરના ગંદા માટેનું પમ્પિંગ સ્ટેશન બનાવવાની કામગીરી શરૂ કરાઈ છે.
જેના વિરોધમાં વિસ્તારની હિત રક્ષક સમિતિના નેજા હેઠળ મોટી સંખ્યામાં મહિલાઓ સહિત રહીશોએ એકઠા થઈને રેલી કાઢી મહાનગરપાલિકાની કચેરીએ પહોંચ્યા હતા અને સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
ચોખ્ખા પાણીના સમ્પ પાસે ગટરના ગંદા પાણીનો સમ્પ પણ બનતાં ભવિષ્યમાં ડ્રેનેજનું દૂષિત પાણી પીવાના પાણીમાં ભળી જવાની પૂરેપૂરી શક્યતાના કારણે રોગચાળો ફાટી નીકળવાનો ભય સેવાઈ રહ્યો હોવાનું રહીશોએ જણાવ્યું હતું. તેમણે નજીકમાં આવેલી ખારી નદીમાં પણ પ્રદૂષણ ફેલાવવાની ભીતિ વ્યક્ત કરી હતી.
રહીશોએ મનપા કચેરી સામે જ બેસી જઈને રામધુન બોલાવતાં વાતાવરણ ગરમાયું હતું. જેથી ડે.મ્યુ. કમિશનરે ે બહાર આવી આવેદનપત્ર સ્વીકારીને તાત્કાલીક અસરથી ભૂગર્ભગટરના પમ્પિંગ સ્ટેશનની કામગીરી બંધ રાખવા સૂચના આપી હતી. બાદમાં તેમણે કલેક્ટરને પણ રજૂઆત કરતાં કલેક્ટરે પણ સ્થળ મુલાકાત કરીને યોગ્ય નિર્ણય કરવાની ખાતરી આપી હતી.SS1MS
