અનિલ કપૂર નિર્માતા અને અભિનેતા તરીકે નાયક-૨માં જોવા મળશે
મુંબઈ, નાયક-૨ના સહ-નિર્માતા દીપક મુકુટે પુષ્ટિ કરી હતી કે અનિલ કપૂર નાયક-૨ને પ્રોડ્યુસ કરવા ઉપરાંત તેમાં મેઇન હિરો તરીકે અભિનય પણ કરશે. ૨૦૦૧માં રિલીઝ થયેલી રાજકીય ડ્રામા ફિલ્મ ‘નાયકઃ ધ રિયલ હીરો’ના સીક્વલ પર લગભગ ૨૫ વર્ષ બાદ કામ શરૂ થઈ રહ્યું છે.
૨૦૦૧માં રિલીઝ થયેલી આ ફિલ્મ સમય જતાં કલ્ટ રાજકીય ડ્રામા બની હતી. હવે, લગભગ ૨૫ વર્ષ પછી, અનિલ કપૂરે ફિલ્મના રાઇટ્સ મેળવી લીધા હોવાના અહેવાલો ઈન્ટરનેટ પર સામે આવ્યા છે, જેના કારણે સીક્વલ અંગે જોરદાર ચર્ચા શરૂ થઈ હતી.હાલ સુધી ફિલ્મના કાપિરાઇટ ધરાવતા નિર્માતા દીપક મુકુટે હવે પુષ્ટિ કરી છે કે નાયક-૨ પર કામ ચાલી રહ્યું છે. તેમણે ખુલાસો કર્યાે કે તેઓ અને અનિલ કપૂર મળીને નાયક-૨નું નિર્માણ કરશે.
સાથે જ તેમણે જણાવ્યું કે અનુભવી અભિનેતા અનિલ કપૂર ફિલ્મમાં પ્રોડ્યુસર હોવા ઉપરાંત અભિનય પણ કરશે.૨૫ વર્ષ અગાઉ આવેલી નાયકનું મૂળ નિર્માણ એ.એસ. રત્નમે કર્યું હતું અને ત્યારબાદ ફિલ્મના હકો નિર્માતા દીપક મુકુટ પાસે આવ્યા હતા. અનિલ કપૂરે તેમની પાસેથી રાઇટ્સ ખરીદી લીધા છે કે કેમ? તે પ્રશ્નના જવાબમાં દીપક મુકુટે હિન્દુસ્તાન ટાઇમ્સને કહ્યું “હું અને અનિલ કપૂર મળીને આ ફિલ્મ બનાવી રહ્યા છીએ. હાલ ઘણી ચર્ચાઓ ચાલી રહી છે, તેથી આ સમયે વધુ કંઈ કહેવું કવેળાનું ગણાશે”. તેમણે આગળ પુષ્ટિ કરતાં જણાવ્યું, “હા, સીક્વલ પર કામ ચાલી રહ્યું છે અને અમે બંને મળીને તેનું નિર્માણ કરી રહ્યા છીએ.”
પ્રોડક્શન શિડ્યૂલ અને કાસ્ટિંગ અંગે વિગતો આપ્યા વિના, તેમણે એટલું જરૂર કહ્યું કે અનિલ કપૂર સીક્વલમાં અભિનય કરશે.“અવશ્ય, તેઓ અભિનય કરશે!” એમ તેમ તેમણે કહ્યું હતું.આ ઉપરાંત દીપક મુકુટે બોમ્બે ટાઇમ્સને જણાવ્યું, “હું વધારે વિગતો આપી શકું નહીં, પણ એટલું કહી શકું કે અમે બંને મળીને આ પ્રોજેક્ટ કરી રહ્યા છીએ. અફવાઓને લઈને અમને વાંધો નથી, પરંતુ હકીકત એ છે કે અમે સાથે કામ કરી રહ્યા છીએ.
પ્રોજેક્ટ હાલ વિવિધ પ્રક્રિયામાં છે અને ટૂંક સમયમાં તેની જાહેરાત કરીશું.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે “આ એક લેગસી પ્રોજેક્ટ છે. લગભગ ૨૫ વર્ષ થઈ ગયા. દરેક ફિલ્મનું પોતાનું નસીબ હોય છે. જ્યારે યોગ્ય સમય આવે, ત્યારે બધું બને છે. અમને લાગ્યું કે હવે તેનો યોગ્ય સમય છે. અમારી વચ્ચે સમજણ થઈ ગઈ છે અને અમે સાથે મળીને કામ કરી રહ્યા છીએ. આથી વધુ હું કંઈ કહી શકું તેમ નથી.”
તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે સ્ક્રિપ્ટ આખરી થયા બાદ અને તમામ બાબતો નક્કી થયા પછી જ ફિલ્મ ફ્લોર પર જશે. ૨૫ વર્ષ પહેલાં બ્લોકબસ્ટર પૂરવાર થયેલી અને અનિલ કપૂર, રાની મુખર્જી અને અમરીશ પુરી અભિનિત રાજકીય ફિલ્મ ‘નાયકઃ ધ રિયલ હીરો’ ૭ સપ્ટેમ્બર, ૨૦૦૧ના રોજ રિલીઝ થઈ હતી. એસ. શંકર દિગ્દર્શિત આ ફિલ્મ તેમની ૧૯૯૯ની તમિલ ફિલ્મ મુધલવનની રીમેક હતી.
‘નાયકઃ ધ રિયલ હીરો’ શિવાજી રાવ ગાયકવાડની કહાની રજૂ કરે છે—એક સામાન્ય નાગરિક, જે ભ્રષ્ટ મુખ્યમંત્રી બલરાજ ચૌહાણ (અમરીશ પુરી દ્વારા યાદગાર અભિનય) સામે અવાજ ઉઠાવે છે. પડકાર સ્વરૂપે મુખ્યમંત્રી શિવાજીને ૨૪ કલાક માટે રાજ્ય ચલાવવાની તક આપે છે—આ પ્રયોગ રાજકીય અશાંતિ, સુધારા અને તીખી રાજકીય ટીપ્પણીઓની શ્રેણી શરૂ કરે છે.SS1MS
