Western Times News

Gujarati News

‘વાયરલ ગર્લ’ મોનાલિસાની ફિલ્મી સફર આખરે શરૂ થઈ

મુંબઈ, તાજેતરમાં પૂર્ણ થયેલા ‘મહાકુંભ’ દરમિયાન પોતાની આકર્ષક આંખોને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવેલી મોનાલિસા હવે અભિનેત્રી બની ગઈ છે. વાયરલ થયાના ગણતરીના દિવસોમાં જ જાણીતા ડિરેક્ટર સનોજ મિશ્રાએ તેની પ્રતિભાને પારખીને પોતાની આગામી ફિલ્મ માટે સાઈન કરી લીધી હતી.

પ્રભાસ અને અમિતાભ બચ્ચન જેવા દિગ્ગજોના સમાચાર વચ્ચે હવે આ ‘વાયરલ ગર્લ’ની ફિલ્મી એન્ટ્રીએ મનોરંજન જગતમાં ભારે ઉત્સુકતા જગાવી છે.મોનાલિસા દિગ્દર્શક સનોજ મિશ્રાની આગામી ફિલ્મ ‘ડાયરી ઓફ મણિપુર’ દ્વારા સિનેમા જગતમાં ડેબ્યુ કરવા જઈ રહી છે.

આ ફિલ્મમાં તેની સાથે અભિષેક ત્રિપાઠી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. શૂટિંગ સેટ પરથી મોનાલિસા અને અભિષેકની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં બંનેની કેમેસ્ટ્રી લાજવાબ દેખાય છે.

આ ફિલ્મ ઉત્તર-પૂર્વ ભારતની સંવેદનશીલ પરિસ્થિતિઓ પર આધારિત છે, જે એક ગંભીર અને સામાજિક વિષયને રજૂ કરશે.આ ફિલ્મની ખાસ વાત એ છે કે આ માત્ર મોનાલિસાની જ નહીં, પરંતુ અભિષેક ત્રિપાઠીની પણ ડેબ્યૂ ફિલ્મ છે. સનોજ મિશ્રાએ શૂટિંગના કેટલાક રોમેન્ટિક અને ખાસ સિનની ઝલક શેર કરી છે, જેને જોઈને ચાહકોમાં આ જોડી પ્રત્યે આકર્ષણ વધ્યું છે.

વાયરલ ગર્લ તરીકે લોકપ્રિય થયા બાદ મોનાલિસા માટે આ મોટો બ્રેક માનવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર ફેન્સ અત્યારથી જ આ નવી જોડીને ‘સુપરહિટ’ ગણાવી રહ્યા છે.ફિલ્મમાં મોનાલિસા એક સાધારણ યુવતીના પાત્રમાં છે, જ્યારે અભિષેક ત્રિપાઠી ‘રાજ’ નામનું પાત્ર ભજવી રહ્યો છે.

આ ભૂમિકા માટે મોનાલિસાએ ખાસ એક્ટિંગ ક્લાસ પણ લીધા છે, જેની જાણ તેણે સોશિયલ મીડિયા પર કરી હતી. બીજી તરફ, અભિષેકે પણ પોતાના પાત્રની માનસિક સ્થિતિને સમજવા માટે ઊંડું સંશોધન કર્યું છે. બંને કલાકારો પોતાના પ્રથમ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે સખત પરિશ્રમ કરી રહ્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.