વન વિભાગ દ્વારા મૃતક વનકર્મીના પરિવારને જરૂરી તમામ સહાય તાત્કાલિક ચૂકવાશે
સિંહણને પકડવા માટે વન વિભાગે યુદ્ધના ધોરણે ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં હુમલો કરનાર સિંહણને પકડીને સ્થળાંતર કરવાની કાર્યવાહી વિસાવદર રેન્જના સ્ટાફ દ્વારા હાથ ધરાઈ હતી.
વિસાવદરના નાની મોણપરી ગામમાં સિંહણના રેસ્ક્યુ દરમિયાન વન કર્મી અશરફભાઈ ચૌહાણના મૃત્યુની ઘટના બદલ દુઃખ વ્યક્ત કરતા વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયા
Ø સમગ્ર બનાવની તપાસ ગીર પશ્ચિમ વિભાગ, જૂનાગઢના નાયબ વન સંરક્ષકશ્રીને સોંપાઇ
જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના નાની મોણપરી ગામમાં સિંહણના રેસ્ક્યુ દરમિયાન કર્મચારી અશરફભાઈ ચૌહાણના મૃત્યુની દુઃખદ ઘટના સામે આવી છે. જેને અત્યંત દુઃખદ ગણાવતા વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પીડિત પરિવાર પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી હતી.
આ સમગ્ર બનાવની તપાસ ગીર પશ્ચિમ વિભાગ, જૂનાગઢના નાયબ વન સંરક્ષક શ્રી પ્રશાંત તોમરને સોંપવામાં આવી છે. વન અને પર્યાવરણ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ મૃત્યુ પામનાર કર્મચારી શ્રી અશરફભાઈ અલીભાઈ ચૌહાણના પરિવારને મળવાપાત્ર નાણાકીય સહાય ઉપરાંત મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાય ચુકવાય તે દરખાસ્ત કરવાના વન વિભાગને આદેશ આપ્યા છે.
આ અંગે વધુ વિગતો આપતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે,જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના નાની મોણપરી ગામમાં સિંહણ દ્વારા એક બાળક પર હુમલો કરી મૃત્યુ નિપજાવવાની દુઃખદ ઘટના સામે આવી હતી. આ ગામ ગીર પશ્ચિમ વિભાગ, જૂનાગઢ હેઠળની વિસાવદર રેન્જની ગ્રાસ રાઉન્ડની માણંદીયા બીટના કાર્યક્ષેત્રમાં આવે છે.
આ નાની મોણપરી ગામના ખેડૂત ખાતેદાર શ્રી પરસોત્તમભાઈ વાલજીભાઈ વઘાસીયાના ખેતરમાં મજુરી કામ કરતા શૈલેષભાઈ સોમાભાઈ પારગીના પુત્ર શિવમ શૈલેષભાઈ પારગી (ઉ.વ.૪) તા. ૦૪/૦૧/૨૦૨૬ ના રોજ વાડીએ આવેલ મકાનની બાજુમાં રમતો હતો, તે દરમિયાન સવારે ૧૦-૩૦ કલાકે અચાનક વન્યપ્રાણી સિંહણ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. સિંહણ બાળકને તુવેરના પાકમાં ઢસડી ગયેલ જે દરમિયાન બાળકનું મૃત્યુ થયું હતું.
જેને લઈને આ સિંહણને પકડવા માટે વન વિભાગે યુદ્ધના ધોરણે ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં હુમલો કરનાર સિંહણ માદાને પકડીને સ્થળાંતર કરવાની કાર્યવાહી વિસાવદર રેન્જના સ્ટાફ તથા વેટનરી ઓફિસરશ્રી, સાસણની ટીમ દ્વારા હાથ ધરાઈ હતી.
જે તુવેરના ખેતરમાં સિંહણને પકડવા માટે ટ્રેન્કવીલ્કાઈઝ્સ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી, ત્યારે ટ્રેંકવીલાઈઝર ગનમાંથી છોડવામાં આવેલ ડાર્ટ તુવેરના છોડમાં ફસાઈને દિશા બદલતા રેસ્ક્યુ કામગીરીમાં જોડાયેલ અશરફભાઈ અલીભાઈ ચૌહાણ (રહે. રજપરા, ઉ.વ. ૩૦) ના ડાબા હાથમાં કોણીથી ઉપરના ભાગે વાગી હતી.
જેથી તેમને સારવાર માટે પ્રથમ વિસાવદર સરકારી હોસ્પિટલ ખાતે સરકારી વાહનમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી ૧૦૮ મારફતે વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખેસેડવામાં આવ્યા હતા, જ્યાં આજે વહેલી સરવાર સારવાર દરમિયાન તેમનું દુઃખદ મૃત્યુ થયું છે.
મૃતક અશરફભાઈ અલીભાઈ ચૌહાણ ગીર પશ્ચિમ વિભાગ, જુનાગઢ હેઠળની વિસાવદર રેન્જમાં છેલ્લા બે વર્ષથી વન્યપ્રાણી અવલોકન, રેસ્ક્યુ સહિતની કામગીરી માટે ટ્રેકર તરીકે ગુજરાત સ્ટેટ લાયન કન્ઝર્વેશન સોસાયટી અંતર્ગત કાર્યરત હતા.
તેમના પરિવારને નાણાકીય સહાય મળી રહે તે માટે સ્વ. શ્રી વિશાણા મેમોરીયલ, ગીર ફોરેસ્ટ સ્ટાફ વેલ્ફેર એસોશીએશન સાસણ (ગીર) સહકારી મંડળીમાંથી મળવાપાત્ર રૂ. પાંચ લાખ ચુકવવામાં આવશે.
આ ઉપરાંત ટ્રેકર માટે લેવામાં આવેલ અકસ્માત વિમાની રકમ રૂ.૧૦ લાખ વારસદારને ચૂકવવા માટેની દરખાસ્ત કરવામાં આવી છે. વધુમાં મુખ્યમંત્રી રાહતફંડમાંથી પણ સહાય મળે તે માટે દરખાસ્ત મોકલવા વન વિભાગના અધિકારીઓને મંત્રીશ્રી દ્વારા આદેશ આપવામાં આવ્યા છે.
આ અંગે વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી પ્રવિણ માળીએ જણાવ્યું હતું કે, એક વનકર્મીનું ફરજ દરમિયાન આ રીતે અકસ્માતે મૃત્યુ થવાની ઘટના સમગ્ર વન વિભાગ માટે આઘાતજનક છે. આ દુઃખદ ઘડીમાં વન વિભાગની સમગ્ર ટીમ મૃતકના પરિવારજનો સાથે છે અને તેમને શક્ય તમામ પ્રકારની તાત્કાલિક મદદ મળી રહે તે માટે વન વિભાગ દ્વારા જરૂરી તમામ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
