ટ્રમ્પની ધમકીને પગલે ખામેનેઈ ઈરાન છોડવાની તૈયારીમાં
(એજન્સી)નવી દિલ્હી, વિશ્વમાં રાજકીય અસ્થિરતા વધી રહી છે. કટ્ટરવાદી શાસક આયાતોલ્લા ખામેનેઈની સામે ઇરાનના લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, જેમાં કેટલાક દેખાવકારોના મોત થયા છે. આ ઘટના પછી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનમાં હસ્તક્ષેપ કરવાની ધમકી આપી હતી.
હવે એક મીડિયા રિપોર્ટમાં દાવો કરાયો છે કે આર્થિક સંકટની સામે ઈરાનમાં વ્યાપક સ્તરે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોને પગલે ઈરાનના સર્વાેચ્ચ નેતા આયાતોલ્લા અલી ખામેનેઈ દેશ છોડવાનો પ્લાન બનાવી રહ્યા છે. રિપોર્ટ મુજબ ખામેનેઈ પાસે આ માટે એક બેક-અપ પ્લાન પણ તૈયાર છે. એક ઈન્ટેલિજન્સ રિપોર્ટનો હવાલો આપીને ઉલ્લેખ કરાયો છે કે, ખામેનેઈ તેમના ૨૦ નજીકના સહયોગીઓ અને પરિવારજનો સાથે ઈરાનમાંથી ભાગવાની તૈયારીમાં છે.
ખામેનેઈ સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદની જેમ રશિયામાં શરણ લઈ શકે છે. કેમ કે ખામેનેઈને મોસ્કો જવું પડશે, તેમના આ(મોસ્કો) સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.આ પહેલા ઈરાનની ડૂબતી અર્થવ્યવસ્થાને કારણે ફાટી નીકળેલા વિરોધ પ્રદર્શનો દરમિયાન થયેલી હિંસામાં ઓછામાં ઓછા ૧૫ લોકોના મોત થયા છે.
મીડિયા અહેવાલ અનુસાર ઈરાનના ૩૧ પ્રાંતો પૈકી ૨૫ પ્રાંતોમાં ૧૭૦થી વધુ સ્થળોએ વિરોધ પ્રદર્શન થયા છે. આ દરમિયાન ઇરાનના સુરક્ષા દળોએ ૫૮૦થી વધુ લોકોને ધરપકડ પણ કરી છે.આ દરમિયાન ઈરાનના સર્વાેચ્ચ નેતાએ દેશમાં અશાંતિ ફેલાવા માટે વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકો વિશે કહ્યું છે કે, “હિંસા દેખાવો પર આકરી કાર્યવાહી કરવામાં આવશે.”
ઉલ્લેખનીય છે કે, વિરોધ પ્રદર્શનો દરમિયાન થયેલી હિંસાના સંદર્ભમાં ૮૬ વર્ષીય આયાતુલ્લા અલી ખામેનેઈની આ પહેલી પ્રતિક્રિયા છે. ભારતીય વિદેશ મંત્રાલયે ઇરાનમાં થઈ રહેલા હિંસક વિરોધ પ્રદર્શન પછી દેશના નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી છે.
