અનુસૂચિત જાતિની દીકરીઓની સુરક્ષા મુદે નડિયાદ જિલ્લા પોલીસ વડાને આવેદન પત્ર અપાયું
(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) નડિયાદ પશ્ચિમ પોલીસ મથકની હદમાં આવેલ અને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય હેઠળ સંચાલિત અનુસૂચિત જાતિની યુવતીઓના સરકારી છાત્રાલયમાં સુરક્ષાનો ગંભીર પ્રશ્ન ઊભો થયો છે.
છેલ્લા ઘણા દિવસોથી અસામાજિક તત્વો દ્વારા રાત્રિના સમયે અહીં અભ્યાસ કરતી દીકરીઓની પજવણી કરવામાં આવી રહી હોવા છતાં પોલીસ તંત્ર દ્વારા કોઈ જ જડબેસલાક કાર્યવાહી કરવામાં ન આવતા રોષ ફાટી નીકળ્યો છે. આ મામલે ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પોલીસ અધિક્ષકને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.
ખેડા જિલ્લા પોલીસ અધિક્ષકને અનુસૂચિત જાતિના કોંગ્રેસના મહામંત્રી દિનેશ રાઠોડ સહિત ભેગા થઈને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે ?નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં આવેલી સરકારી હોસ્ટેલમાં ૪૦થી વધુ અનુસૂચિત જાતિની દીકરીઓ છેલ્લા એક અઠવાડિયા કરતા વધુ સમયથી અસુરક્ષાનો અનુભવ કરી રહી છે.
રાત્રિના સમયે અસામાજિક તત્વો દ્વારા સતત હેરાનગતિ કરવામાં આવતી હોવા છતાં પોલીસ દ્વારા આ વિસ્તારમાં પેટ્રોલિંગ કે કોઈ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી નથી. આવેદનપત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ વિસ્તારમાં ભૂતકાળમાં પણ મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ બની ચૂક્યા છે, તેમ છતાં પોલીસ તંત્ર મૌન દર્શક બનીને બેઠું હોય તેમ જણાય છે. સરકારી છાત્રાલયમાં રહેતી દીકરીઓ જ જો સુરક્ષિત ન હોય તો રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે અનેક સવાલો ઉભા થયા છે.
?આ ઘટનામાં નડિયાદ પશ્ચિમ પોલીસ મથકના અધિકારીઓ અને સ્ટાફની ભૂમિકા અંગે ઉચ્ચ સ્તરીય તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા રજૂઆત કરાઈ છે કે છાત્રાલય વિસ્તારમાં કાયમી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે, સીસીટીવી કેમેરા લગાવવામાં આવે અને રાત્રિ પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવે.
આ સાથે જ પત્રમાં સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે કે જો આગામી દિવસોમાં જવાબદાર તત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે અને સુરક્ષામાં બેદરકારી દાખવનાર અધિકારીઓ સામે પગલાં લેવામાં નહીં આવે, તો અનુસૂચિત જાતિની દીકરીઓના હક્કો માટે જિલ્લા અને રાજ્ય સ્તરે ઉગ્ર લોકશાહી આંદોલન છેડવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી પોલીસ તંત્ર અને રાજ્ય સરકારની રહેશે.
