સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા આ મહત્વના ધોરીમાર્ગની કામગીરી ક્યારે પૂર્ણ થશે?
ઝઘડિયાના નાનાસાંજા ત્રણ રસ્તાથી ગોવાલી મુલદ સુધીના માર્ગની કામગીરી પુર્ણ ક્યારે થશે?
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચથી ઝઘડિયાને જોડતો વાયા નાના સાંજા ગોવાલી ધોરીમાર્ગ ઝઘડિયા તાલુકાના મુલદ ગામ નજીક ધોરીમાર્ગ સાથે જોડાય છે.આ ધોરીમાર્ગ નાનાસાંજા ત્રણ રસ્તા પર અંકલેશ્વર ઝઘડિયા રાજપીપલાને જોડતા ધોરીમાર્ગ સાથે જોડાય છે.
એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો આ ધોરીમાર્ગ મહત્વનો ધોરીમાર્ગ હોઇ ચોવીસ કલાક વાહનોની રફતારથી ધબકતો રહે છે. નાનાસાંજા ત્રણ રસ્તાથી ગોવાલી મુલદ સુધીનો માર્ગ બિસ્માર બનતા તેનું નવીનીકરણ કરવાની કામગીરી હાલ ચાલું છે. આ કામગીરી શરૂ થયે લગભગ દોઢેક વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં માર્ગની કામગીરી હજુ પુર્ણ નથી થઈ
તેને લઈને લોકોને પડતી હાલાકિમાં કોઇ ફેર પડ્યો હોય એવું હાલના તબક્કે તો લાગતું નથી, કેમકે લાંબો સમય વિતવા છતાં આ માર્ગના નવીનીકરણની કામગીરી હજુ પુર્ણ થઈ શકી નથી. કેટલીક જગ્યાએ માર્ગ બન્યો છે ત્યાં પણ અમુક સ્થળોએ ગાબડા જણાય છે, ગોવાલી મુલદ ગામની વચ્ચે કાછીયા ના વાળા પાસે માર્ગ બન્યો છે પણ એના પર એટલી હદે માટી જામી ગઈ છે કે માર્ગ બન્યો નથી એવું લાગે છે
અને ઇજારાદાર દ્વારા બનાવેલા માર્ગ પર થી માટી હટાવવાની પણ તસ્દી લેવામાં આવી નથી જેથી વાહનો સામસામે આવી જતાં અકસ્માત ની દહેશત રહે છે, ઘણી જગ્યાએ માર્ગ ખરાબ થવા લાગ્યો છે જેથી માર્ગ બનાવવામાં વપરાતું મટિરિયલ પણ શંકાના દાયરામાં ગણાય તેમ છે! વળી કેટલાક સ્થળોએ માર્ગ ના ટુકડા અધૂરા મૂકવામાં આવ્યા છે અને ડાયવર્ઝન અપાયા છે તેને લઇને પણ વાહનચાલકો મુશ્કેલીમાં મુકાય છે.
મુલદ ચોકડી થી મુલદ ગામ સુધી, કાછિયાના નાળા પાસે, ગોવાલી પેટ્રોલ પંપ પાસે માર્ગ હજી બનાવાયો જ નથી જેથી એક તરફના ટ્રેક પર જ બંને તરફના વાહનો પસાર થાય છે જેથી ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાય છે.
અત્રે ઉલ્લેખનીય છેકે ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા ભરૂચ અંકલેશ્વર ઝઘડિયા રાજપીપલા વચ્ચેના ધોરીમાર્ગ પર દિવસે દિવસે અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે.લોકચર્ચા મુજબ અકસ્માતોના કારણોમાં બિસ્માર રસ્તાનું કારણ પણ અમુક અંશે જવાબદાર ગણાય !ત્યારે આ મહત્વના ધોરીમાર્ગના નવીનીકરણની હાલ ગોકળગાયની ગતિએ ચાલતી કામગીરી ઝડપી બનાવીને માર્ગ સાચા અર્થમાં લોકોને રાહત આપવા સક્ષમ બનાવાય તોજ લોકોને પડતી હાલાકિ નિવારી શકાય !
જવાબદાર ઇજારાદાર તથા તેના પેટા ઈજારાદાર દ્વારા પોતાની મનમાની અને પોતાને સમય મળે ત્યારે આ કામ કરતો હોય તેવું છેલ્લા દોઢેક વર્ષમાં દેખાઈ રહ્યું છે! ત્યારે ભરૂચના સાંસદ મનસુખ વસાવા ધારાસભ્ય રીતેશ વસાવા વગેરેનાઓ રોજિંદા માર્ગનો ઉપયોગ કરે છે
છતાં પણ એ લોકોએ જાહેરમાં કદી આ બાબતે ઇજારાદારને માર્ગ ઝડપથી પૂર્ણ કરવા બોલ્યા હોય તેમ ધ્યાન પર આવ્યું નથી અને મોન સેવી રાખ્યું છે તે પણ એક ચિંતા નો વિષય છે કે આટલી મંથન ગતિએ કામ ચાલી રહ્યું છે છતાં કોઈને કાંઈ પડી નથી!!
