Western Times News

Gujarati News

મધરાતે દરિયામાં ‘હાઈટેક’ ચોરીઃ ૧૪,ર૦૦ લિટર શંકાસ્પદ ડીઝલ જપ્ત કરાયું

પ્રતિકાત્મક

સુરતના દરિયામાં ડીઝલ ચોરીનું રેકેટ ઝડપાયું-૧૪,ર૦૦ લિટર શંકાસ્પદ ડીઝલ જપ્ત કરાયુંઃ રેકેટ ચલાવતા ત્રણ મુખ્ય સૂત્રધારને ઝડપી પાડવા ચક્રો ગતિમાન

સુરત, સુરતના દરિયાઈ વિસ્તારોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે મોટી કાર્યવાહી કરતા સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ગવિયર ગામ નજીક તાપી નદીના મુખ અને દરિયાની વચ્ચે આવેલા કેડિયા ટાપુ પરથી છેલ્લા પાંચ વર્ષથી ચાલી રહેલા વિશાળ ડીઝલ ચોરીના રેકેટનો પર્દાફાશ થયો છે.

મધરાતના અંધકારમાં દરિયામાં ઊભેલા મોટા જહાજોમાંથી ઇલેક્ટિÙક મોટરની મદદથી ડીઝલ ચોરી કરવાની આ ટોળકીની મોડસ ઓપરેન્ડી એટલી ખતરનાક અને સુવ્યવસ્થિત હતી કે ભલભલા સુરક્ષા તંત્રને પણ ગોથે ચઢાવી દે તેવી હતી. દુર્ગમ કેડિયા ટાપુ બન્યો ચોરીનું મુખ્ય મથક. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે કેડિયા ટાપુ ભૌગોલિક રીતે અત્યંત દુર્ગમ છે.

દરિયાકાંઠેથી લગભગ ત્રણ કિલોમીટર દૂર આવેલા આ ટાપુ સુધી પહોંચવા માટે કાદવ, ગાઢ ઝાડીઓ અને જોખમી દરિયાઈ પ્રવાહોને પાર કરવો પડે છે. આ કારણોસર સામાન્ય લોકો કે પોલીસ માટે ત્યાં પહોંચવું સરળ નથી.

આ જ પરિસ્થિતિનો લાભ ઉઠાવી આરોપીઓએ ટાપુ પર કામચલાઉ ડેપો જેવું માળખું ઊભું કર્યું હતું, જ્યાં ચોરી કરેલું ડીઝલ સંગ્રહિત રાખવામાં આવતું હતું. ટાપુની આસપાસ ચારે બાજુ કાદવ અને ગીચ ઝાડીઓ વચ્ચે તેલની રેલમછેલ જોવા મળી, જે બતાવે છે કે અહીં મોટા પાયે અને લાંબા સમયથી ડીઝલનો ગેરકાયદેસર વ્યવહાર ચાલી રહ્યો હતો.

મધરાતે દરિયામાં ‘હાઈટેક’ ચોરી. આ ડીઝલ ચોરીની પદ્ધતિ સામાન્ય નહીં પરંતુ અત્યંત હાઈટેક અને જોખમી હતી. આરોપીઓ મધરાતે નાની બોટ લઈને દરિયામાં લંગર નાખીને ઊભેલા મોટા કન્ટેનર શિપ્સ અથવા ઓઈલ ટેન્કરો સુધી પહોંચતા હતા. ખાસ કરીને એવા જહાજોને ટાર્ગેટ કરવામાં આવતા હતા, જેમાં ૧૦થી ૧૫ હજાર લીટર સુધી ડીઝલનો જથ્થો સંગ્રહિત હોય. જહાજની ફ્યુઅલ ટાંકીમાં ઇલેક્ટિÙક મોટર ફિટ કરીને લાંબી પાઈપલાઈન મારફતે ડીઝલ સીધું પોતાની બોટમાં ખેંચી લેવામાં આવતું હતું.

આ સમગ્ર પ્રક્રિયા એવી રીતે કરવામાં આવતી કે જહાજના સ્ટાફને પણ તરત શંકા ન જાય. થોડા સમયમાં સેંકડો લીટર ડીઝલ ચોરીને બોટ મારફતે કેડિયા ટાપુ પર લાવવામાં આવતું હતું. પાંચ વર્ષથી ચાલતું ગોઠવાયેલું નેટવર્ક. પોલીસના જણાવ્યા મુજબ આ રેકેટ છેલ્લા પાંચ વર્ષથી સક્રિય હતું.

ટોળકીમાં દરિયાઈ માર્ગોની જાણકારી ધરાવતા લોકો, ઇલેક્ટિÙક સાધનોમાં નિષ્ણાતો અને સ્થાનિક સપોર્ટ સિસ્ટમનો સમાવેશ થતો હતો.સમગ્ર નેટવર્ક અત્યંત ગોપનીય રીતે કાર્યરત હતું, જેથી લાંબા સમય સુધી કોઈ એજન્સીની નજરમાં આવ્યું નહોતું.

સસ્તું ડીઝલ, મોટો બજાર. ચોરી કરાયેલું ડીઝલ મુખ્યત્વે સ્થાનિક માછીમારો અને ઝીંગા ઉછેરના તળાવ ધરાવતા ખેડૂતોને વેચવામાં આવતું હતું. સામાન્ય બજારમાં ડીઝલનો ભાવ આશરે ૯૦ રૂપિયા પ્રતિ લીટર હોય છે, જ્યારે આ ટોળકી ૧૫થી ૨૦ રૂપિયા સસ્તું એટલે કે ૭૫ રૂપિયા પ્રતિ લીટર ભાવે ડીઝલ વેચતી હતી.

ઝીંગાના તળાવોમાં પાણી ખેંચવા માટે મોટા પાયે ડીઝલ ચાલિત પંપો વપરાતા હોવાથી ખેડૂતો માટે આ સસ્તું ઈંધણ ખૂબ આકર્ષક બનતું હતું. ઓછા ખર્ચે વધુ નફાની લાલચે ઘણા લોકો જાણે-અજાણે આ ગેરકાયદેસર ડીઝલ ખરીદતા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.