ભરૂચ કોર્ટના ઈ મેલ આઈ.ડી પર કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી: પોલીસ તંત્ર દોડતું થયું
AI Image
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લા કોર્ટના ઈ મેલ પર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ભરૂચનું પોલીસ તંત્ર દોડતું થયું હતું અને તાત્કાલિક કોર્ટ સંકુલમાં આવી બોમ્બ તેમજ ડોગ સ્ક્વોર્ડની મદદથી તપાસ હાથ ધરાઈ હતી અને સુરક્ષાને ધ્યાને લઈ કોર્ટ સંકુલ સહિત આસપાસની તમામ કચેરીઓ ખાલી કરાવવામાં આવી હતી.જોકે આ અફવા હોવાથી ઈ મેલ કરનાર ઈસમ સામે ગુનો નોંધી પોલીસે તેની સામે કાર્યવાહી હાથધરી હતી.
ગુજરાતની વિવિધ કોર્ટોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ ભરૂચ જીલ્લા કોર્ટને પણ આવી જ ધમકી મળતા સમગ્ર તંત્રમાં હડકંપ મચી ગયો હતો.ભરૂચ જીલ્લા કોર્ટના અધિકૃત ઈ મેલ આઈડી પર અજાણ્યા ઈસમ દ્વારા ધમકીભર્યો ઈ મેલ મોકલવામાં આવ્યો હોવાની માહિતી મળતા જ પોલીસ તંત્ર તાત્કાલિક એલર્ટ મોડમાં આવી ગયું હતું.
ધમકીની ગંભીરતાને ધ્યાને લઈ ભરૂચ જીલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ,બોમ્બ અને ડોગ સ્ક્વોર્ડ તરત જ કોર્ટ પરિસરમાં બોલાવવામાં આવ્યા હતા અને તપાસ હાથ ધરાઈ હતી.સુરક્ષાના કારણોસર કોર્ટ સંકુલને સંપૂર્ણપણે ખાલી કરાવવામાં આવ્યું હતું.જેમાં ન્યાયાધીશો, વકીલો, પક્ષકારો તેમજ કોર્ટ સ્ટાફને બહાર કાઢી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
બોમ્બથી ઉડાવી દેવાનો ઈ મેલ મળતા જ ડીવાયએસપી,એલસીબી,એસઓજી સહિત સ્થાનિક પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા કોર્ટના તમામ કોર્ટરૂમ, ચેમ્બર, રેકોર્ડ રૂમ, ર્પાકિંગ વિસ્તાર તેમજ આસપાસના વિસ્તારોમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.લાંબી તપાસ બાદ કોઈ શંકાસ્પદ વસ્તુ કે વિસ્ફોટક સામગ્રી મળી આવી નહોતી. તેમ છતાં કોઈપણ પ્રકારની બેદરકારી ન રહે તે માટે સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી હતી.
સુરક્ષા અને સલામતીના ભાગરૂપે કોર્ટ સંકુલની આસપાસ આવેલી કલેકટર કચેરી,મામલતદાર કચેરી સહિતના અન્ય સરકારી સંકુલ પણ ખાલી કરાવવામાં આવ્યા હતા.જેના કારણે કેટલાક સમય માટે સરકારી કામગીરી પર અસર પડી હતી.આ સમગ્ર મામલે પોલીસ દ્વારા ધમકીભર્યો ઈ મેલ મોકલનાર સામે પોલીસે કાર્યવાહી હાથધરી તેની ઓળખ મેળવવા સાયબર ક્રાઈમ ટીમને તપાસ સોંપવામાં આવી છે.
ઈ મેલ કયા સર્વર પરથી મોકલાયો,આઈપી એડ્રેસ તથા અન્ય ટેક્નિકલ વિગતો આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.જોકે કોર્ટ પરિસરમાં સંપૂર્ણ તપાસમાં વાંધા જનક કશું નહીં મળી આવતા અને અફવા હોવાથી માત્ર સ્ટાફને અંદર લેવામાં આવ્યો હતો અને રાબેતા મુજબની કામગીરી હાથ ધરાઈ હતી.
હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં હોવાનું અને કોઈ જાનમાલનું નુકસાન ન થયું હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.સમગ્ર ઘટનાને લઈને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સતત નજર રાખી રહ્યા છે.
