નડિયાદ: પીપલગની કાકા પાન દુકાનમાંથી ૩૫૦ કિલો પ્લાસ્ટિક જપ્ત કરી સીલ માર્યું
(પ્રતિનિધિ) નડિયાદ, નડીઆદ મહાનગરપાલિકા ટીમે પીપલગ ગામે નેશનલ હાઇવે નંબર ૪૮ પર ના એ.પી.એમ.સી. માર્કેટમાં આવેલી કાકા પાન નામ ની દુકાન પર દરોડા પાડી અંદાજે ૩૫૦ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ઝડપી પાડ્યો છે અને મનપા તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહીના ભાગરૂપે દુકાનને સીલ મારી દેવામાં આવ્યું છે.
મળતી માહિતી મુજબ નડીઆદ મહાનગરપાલિકાના સેનેટરી વિભાગ દ્વારા શહેરના વિવિધ વોર્ડ વિસ્તારોમાં સ્વચ્છતા જાળવવા અને પર્યાવરણને નુકસાન કરતા પ્લાસ્ટિક પર અંકુશ મેળવવા માટે તપાસ તેજ કરવામાં આવી છે.
જે અંતર્ગત આજે તારીખ ૫ જાન્યુઆરીના રોજ મહાનગરપાલિકા સેનેટરી વિભાગના સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી વિવિધ વ્યાપારી એકમોમાં ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ દરમિયાન પીપલગ વિસ્તારમાં આવેલી એ.પી.એમ.સી. માર્કેટની કાકા પાન નામની દુકાનમાં પાલિકાની ટીમે રૂબરૂ વિઝિટ કરી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન દુકાનમાંથી સરકાર દ્વારા પ્રતિબંધિત કરવામાં આવેલ પ્લાસ્ટિકનો મોટો જથ્થો મળી આવ્યો હતો.પાલિકાના અધિકારીઓએ આ સ્થળ પરથી અંદાજે ૩૫૦ કિલો જેટલું પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કર્યું હતું.
સ્વચ્છ ભારત મિશનના નિયમોના ઉલ્લંઘન બદલ અને પર્યાવરણ સુરક્ષાના કાયદા હેઠળ કાર્યવાહી કરતા મનપાના સેનેટરી વિભાગે કાકા પાનની આ દુકાનને તાત્કાલિક અસરથી સીલ કરી દીધી છે. દરમિયાન આગામી સમયમાં પણ શહેરના અન્ય વિસ્તારો અને બજારોમાં આ પ્રકારે મનપા સેનેટરી વિભાગની ચેકિંગ કામગીરી ચાલુ રાખવામાં આવશે તેવી વિગતો પ્રાપ્ત થઈ છે.
