ટાયર બદલતા ૪ ચાર મિત્રોને જીપકારે કચડ્યા, ૩નાં મોત
AI Image
(એજન્સી) જામનગર, જામનગર-લાલપુર ધોરીમાર્ગ જાણે યમરાજનો માર્ગ બની રહ્યો હોય તેમ મધરાત્રે એક અત્યંત કરુણ અકસ્માત સર્જાયો છે. રસ્તા પર ઉભા રહી પોતાની ગાડીનું ટાયર બદલી રહેલા ચાર વ્યક્તિઓને પાછળથી પૂરપાટ ઝડપે આવતી અન્ય એક બોલેરોએ અડફેટે લેતા ત્રણના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે.
આ અકસ્માત એટલો ભયાનક હતો કે હાઇવે રોડ મરણ ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો હતો. મળતી વિગતો મુજબ, લાલપુર તાલુકાના ખાયડી ગામના કમલેશભાઈ નારણભાઈ ગાગીયા (ઉં.વ. ૩૬), શ્રુદીપ દિનેશભાઈ ગોજીયા (ઉં.વ. ૧૬), ભરત લખમણભાઈ ડાંગર (ઉં.વ. ૨૧) અને શ્યામભાઈ અશોકભાઈ ગાગીયા (ઉં.વ. ૧૬) પોતાની બોલેરો (ય્ત્ન-૨૫-ેં-૫૮૦૩) માં જઈ રહ્યા હતા.
સણોસરા ગામના પાટિયા પાસે રાત્રિના ૧૨ વાગ્યાના અરસામાં તેમની ગાડીનું ટાયર પંચર પડતા ચારેય મિત્રો નીચે ઉતરીને ટાયર બદલી રહ્યા હતા. તે દરમિયાન પાછળથી કાળ બનીને આવેલી બોલેરોના ચાલકે અંધારામાં આ ચારેય વ્યક્તિઓને જોરદાર ટક્કર મારી કચડી નાખ્યા હતા.
આ ગમખ્વાર અકસ્માતમાં કમલેશભાઈ, શ્રુદીપ અને ભરતભાઈના શરીરના લોચા ઉડી ગયા હતા અને તેઓએ સ્થળ પર જ દમ તોડ્યો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ૧૬ વર્ષીય શ્યામભાઈ ગાગીયાને તાત્કાલિક ૧૦૮ મારફતે જામનગરની જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે,
જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ લાલપુર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની તજવીજ હાથ ધરી હતી. આ સમાચાર મળતા જ ખાયડી ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હોસ્પિટલ ખાતે મૃતકોના સ્વજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.
