Western Times News

Gujarati News

એકવાર કોટાનો લાભ લીધો તો સામાન્ય સીટ પર હક નહીં

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે અનામતને લઈને મંગળવારે એક ઐતિહાસિક અને દૂરગામી ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો સંઘ લોક સેવા આયોગ જેવી પરીક્ષામાં કોઈ ઉમેદવારે કોઈ પણ તબક્કે અનામતનો લાભ લીધો હોય, તો તે સામાન્ય શ્રેણીની બેઠકો પર નિમણૂક મેળવવાનો હકદાર નથી, ભલે પછી તેનો અંતિમ મેરિટ સ્કોર સામાન્ય શ્રેણીના ઉમેદવાર કરતાં વધારે કેમ ન હોય.

ચુકાદોજસ્ટિસ જે.કે. માહેશ્વરી અને જસ્ટિસ વિજય બિશ્નોઈની બેન્ચે કેન્દ્ર સરકારની અપીલ સ્વીકારતા કર્ણાટક હાઈકોર્ટના નિર્ણયને રદ કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, “એકવાર કોઈ અનામત શ્રેણીના ઉમેદવારે અનામતનો લાભ લઈ લીધો હોય, તો તેને સામાન્ય શ્રેણીની ખાલી જગ્યાઓ/સીટો પર નિયુક્ત કરી શકાશે નહીં.”

કોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે મુખ્ય પરીક્ષામાં સામેલ થવા માટે અનામતનો લાભ ઉઠાવ્યા બાદ, ઉમેદવાર પાછળથી માત્ર એટલા માટે સામાન્ય સીટ પર પસંદગીનો દાવો ન કરી શકે કે તેણે પછીના તબક્કાઓમાં સામાન્ય શ્રેણીના ઉમેદવાર કરતાં વધુ સારો દેખાવ કર્યાે હતો.

આ વિવાદની શરૂઆત યુપીએસસી દ્વારા ૨૦૧૩માં લેવાયેલી ભારતીય વન સેવા પરીક્ષાથી થઈ હતી. આ પરીક્ષાના પ્રારંભિક તબક્કામાં, સામાન્ય શ્રેણી માટે કટ-ઓફ ૨૬૭ માર્ક્સ હતું, જ્યારે અનુસૂચિત જાતિના ઉમેદવારો માટે તે ૨૩૩ માર્ક્સ હતું.આ પરીક્ષામાં, જીઝ્ર શ્રેણીના ઉમેદવાર જી. કિરણ એ ૨૪૭.૧૮ માર્ક્સ મેળવ્યા હતા અને એસસી માટેના નીચા કટ-ઓફનો લાભ લઈને મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય થયા હતા.

જ્યારે સામાન્ય શ્રેણીના ઉમેદવાર એન્ટની એસ. મારિયપ્પા એ ૨૭૦.૬૮ માર્ક્સ સાથે જનરલ કટ-ઓફ પર ક્વોલિફાય કર્યું હતું.પરીક્ષાના અંતિમ પરિણામમાં, જી. કિરણનો રેન્ક ૧૯મો હતો, જ્યારે એન્ટની (જનરલ ઉમેદવાર)નો રેન્ક ૩૭મો હતો. જોકે, જ્યારે કેડર ફાળવણીનો સમય આવ્યો, ત્યારે કર્ણાટકમાં માત્ર એક જ ‘જનરલ ઇનસાઇડર’ ખાલી જગ્યા હતી અને એસસી કેટેગરી માટે કોઈ ‘ઇનસાઇડર’ ખાલી જગ્યા ન હતી. આ સ્થિતિમાં, કેન્દ્ર સરકારે નિયમ મુજબ જનરલ ઇનસાઇડર પોસ્ટ એન્ટનીને આપી અને ઊંચો રેન્ક હોવા છતાં જી. કિરણને તમિલનાડુ કેડરમાં મોકલ્યા.કેન્દ્ર સરકારના આ નિર્ણય સામે જી. કિરણે કર્ણાટક હાઈકોર્ટમાં અરજી કરી હતી.

હાઈકોર્ટે કિરણનો અંતિમ રેન્ક ઊંચો હોવાથી તેને જનરલ કેટેગરીમાં નિયુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. કેન્દ્ર સરકારે આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યાે હતો. હવે, સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશને રદ કરીને સ્પષ્ટ કર્યું છે કે જો પરીક્ષાના કોઈપણ તબક્કે અનામતનો લાભ લેવામાં આવ્યો હોય, તો ઉમેદવાર પાછળથી સામાન્ય શ્રેણીની સીટ પર દાવો કરી શકે નહીં.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.