યુપીમાં સર પછી ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી ૨.૮૯ કરોડ નામ હટાવાયાં
નવી દિલ્હી, ઉત્તરપ્રદેશમાં સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિજન(સર) પ્રક્રિયા પછી પ્રસિદ્ધ થયેલી ડ્રાફ્ટ મતદાર યાદીમાં બિહાર કરતાં વધુ નામ હટાવી દેવામાં આવ્યા છે. ચૂંટણી પંચે જાહેર કરેલી ડ્રાફ્ટ મતદાર યાદીમાં લગભગ ૨.૮૯ કરોડ નામ હટાવી દેવામાં આવ્યા છે.
જોકે, ચૂંટણી પંચે કહ્યું છે કે જે લોકોના નામ મતદાર યાદીમાં સામેલ કરાયા નથી, તેઓ ૬ઠ્ઠી ફેબ્›આરી સુધી પોતાનો વાંધો રજૂ કરી શકશે. ત્યાર પછી ૧૨મી માર્ચે અંતિમ મતદાર યાદી જાહેર કરાશે.મંગળવારે ઉત્તરપ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારી(સીઈઓ) નવદીપ રિણવાએ ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરતી વખતે જણાવ્યું કે સર પ્રક્રિયા સમયે લગભગ ૧૫.૪૪ કરોડ મતદારો હતા, પરંતુ સર પ્રક્રિયા પછી ૨.૮૯ કરોડ મતદારોના નામ હટાવી દેવામાં આવ્યા છે.
હવે ડ્રાફ્ટ મતદાર યાદીમાં હાલ ૧૨.૫૫ કરોડ મતદારોના નામ સામેલ કરાયા છે. જે મતદારોના નામ યાદીમાંથી હટાવવામાં આવ્યા છે, એમાં ૪૬.૩૦ લાખ મૃત, ૨.૧૭ કરોડ સ્થળાંતરિત અને ૨૫.૪૭ લાખ ડુપ્લીકેટ(એક કરતાં વધુ સ્થળે નામ) મતદારો હતા. સૌથી વધુ ૧૨ લાખ મતદારોના નામ લખનઉમાંથી હટાવાયા છે.
જ્યારે પ્રયાગરાજમાં ૧૧.૫૬ લાખ અને કાનપુરમાં ૯ લાખ મતદારોના નામ યાદીમાંથી દૂર કરાયા છે. તેમણે વધુમાં ઉમેર્યુ કે ૧૨.૫૫ કરોડમાંથી ૯૧ ટકાનું મેપિંગ થઈ ગયું છે. હવે ૧.૦૪ કરોડ મતદારોને નોટિસ મોકલાશે. આ આંકડો આઠ ટકા છે.SS1MS
