દિલ્હીમાં પ્રદૂષણ ઘટાડવા બાબતે તંત્ર ગંભીર નથીઃ સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી, પ્રદૂષણ પર નિયમન કરનારી કેન્દ્રીય સંસ્થા પોતાની ફરજ બાબતે ગંભીર ન હોવાની ટિપ્પણી કરી હતી. દિલ્હીમાં ટોલ પ્લાઝાને કામચલાઉ બંધ કરવા અથવા ખસેડવા માટે સુપ્રીમ કોર્ટે સૂચન કર્યું હતું.
આ બાબતે નિર્ણય લેવા માટે કમિશન ઓફ એર ક્વોલિટી મેનેજમન્ટ દ્વારા બે અઠવાડિયાનો સમય માગવામાં આવ્યો હતો.સુપ્રીમ કોર્ટે આ વલણ પ્રત્યે નારાજગી દર્શાવી હતી. સીએક્યુએમને હવાની ગુણવત્તા બગાડી રહેલા પરિબળો જાણવામાં અને દિલ્હીમાં એર કવોલિટી ઈન્ડેક્સ સુધારવામાં કોઈ રસ હોય તેવું લાગતું નથી. તંત્રનો અભિગમ જોતાં તેમાં લગીરે ગંભીરતા જણાતી નથી.
દિલ્હી-એનસીઆરમાં વાયુ પ્રદૂષણની ગંભીર નોંધ લઈ સુપ્રીમ કોર્ટે ૧૭ ડિસેમ્બરે નિર્દેશ જારી કર્યા હતા. જેમાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને દિલ્હી મ્યુ. કોર્પાે.ને દિલ્હીની સરહદે આવેલા ૯ ટોલ પ્લાઝા કામચલાઉ બંધ કરવા અથવા તેનું સ્થળ બદલવા જણાવાયુ હતું.
ટ્રાફિક જામ નિવારી પ્રદૂષણ ઘટાડવાના હેતુથી આ નિર્દેશ અપાયા હતા. મંગળવારે આ કેસની વધુ સુનાવણી દરમિયાન સીએક્યુએમ દ્વારા બે મહિનાનો સમય મગાયો હતો, જેથી ટોલ પ્લાઝાના મુદ્દે કોઈ કાર્યવાહી થઈ શકે. સુપ્રીમ કોર્ટે બે મહિનાનો સમય આપવાના બદલે નિષ્ણાતોની મીટિંગ રાખી બે અઠવાડિયામાં અહેવાલ રજૂ કરવા નિર્દેશ આપ્યા હતા.SS1MS
