રૂ. ૨૦૦ના દરની નકલી ચલણી નોટો સાથે એકની ધરપકડ
ભાવનગર, ભાવનગર શહેરમાં રૂ. ૨૦૦ના દરની બનાવટી નોટો વટાવવાના મનસૂબા સાથે ઉભેલા એક શખ્સને એલસીબી પોલીસે બાતમીના આધારે ઝડપી લીધો છે. પોલીસની તપાસમાં આરોપી પાસેથી બસોના દરની કુલ ૩૪૩ નંગ નકલી નોટો મળી આવી હતી. આ મામલે પોલીસે અમદાવાદના એક શખ્સને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
બનાવની વિગત મુજબ ભાવનગર એલસીબી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે શિહોર તાલુકાના રાજપરા ગામનો અજય ઉર્ફે ઘુઘો પોપટભાઈ બુધેલીયા રેલ્વે સ્ટેશન રોડ પર તખ્તસિંહજી વિશ્રાંતિ ગૃહ પાસે નંબર પ્લેટ વગરના સ્કૂટર પર શંકાસ્પદ હાલતમાં ઉભો છે.
બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી ૪૦ વર્ષીય અજય બુધેલીયાની તલાશી લેતા તેની પાસેથી રૂ. ૨૦૦ના દરની ૩૪૩ નંગ બનાવટી નોટો મળી આવી હતી. પોલીસે આ તમામ નોટો અને સ્કૂટર કબજે કરી ગુનો નોંધ્યો છે.પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે પકડાયેલા શખ્સે આ નકલી નોટો અમદાવાદના નારોલ વિસ્તારમાં રહેતા ચિંતનભાઈ અનિલભાઈ કનોજીયા પાસેથી મેળવી હતી.SS1MS
