Western Times News

Gujarati News

ગુજરાતમાં 8.41 લાખથી વધુ નાગરિકોને મતદારયાદી માટે માર્ગદર્શન અપાયું: 3.58 લાખથી વધુ ફોર્મ ભરાયા

પ્રતિકાત્મક

રાજ્યભરમાં મતદારો માટે તા.3 અને 4 જાન્યુઆરીના રોજ યોજાયેલા ખાસ કેમ્પને વ્યાપક પ્રતિસાદ

નવા મતદાર તરીકે જોડાવા, નામ કમી કરાવવા કે ટ્રાન્સફર અથવા સુધારા માટેના ફોર્મ ભરવા માટે નાગરિકોનો અભુતપૂર્વ ઉત્સાહ

ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) હાથ ધરવામાં આવી છે. ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) ઝુંબેશની ગણતરીના તબક્કાની અસરકારક કામગીરી બાદ 19  ડિસેમ્બર 2025ના રોજ મુસદ્દા મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવી હતી.

હવે તા. 18 જાન્યુઆરી 2026 સુધીમાં જે મતદારો મતદાર યાદીમાં પોતાના નામ સમાવવા અથવા મતદાર યાદીમાંથી નામ બાકાત થવા સબંધી જે કંઇ વાંધા-દાવા રજૂ કરવા માંગતા હોય તેઓ તે રજૂ કરી શકશે.

આ દરમિયાન તા.3 અને 4 જાન્યુઆરીના રોજ રાજ્યના તમામ જિલ્લાઓમાં મતદારોની સુલભતા માટે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં ઉપસ્થિત સ્ટાફે નાગરિકોને નવા મતદાર તરીકે જોડાવવા માટે ફોર્મ નં 6, મતદાર યાદીમાંથી નામ કમી કરાવવા માટે ફોર્મ નં 7 અને નામ ટ્રાન્સફર તથા અન્ય સુધારા માટે ફોર્મ નં 8 ભરવામાં મદદ કરી હતી. આ બંને દિવસો દરમિયાન લગભગ 8.41 લાખથી વધુ લોકોએ કેમ્પની મુલાકાત લઈને માર્ગદર્શન મેળવ્યું હતું.

જેમાં તા.3 જાન્યુઆરીના રોજ આ ખાસ કેમ્પ અંતર્ગત કુલ 1.55 લાખથી વધુ જ્યારે તા.4 જાન્યુઆરીના રોજ 2 લાખથી વધુ ફોર્મ (ફોર્મ નં 6, 6એ, 7, 8) ચૂંટણી સ્ટાફને મળ્યા છે. આમ, બે દિવસ દરમિયાન કુલ 3.58 લાખથી વધુ ફોર્મ ચૂંટણી સ્ટાફને મળ્યા છે.

તદુપરાંત અત્યારસુધીમાં સમગ્ર રાજ્યમાંથી કેમ્પના દિવસો અને તે સિવાયના દિવસોના કુલ 8 લાખથી વધુ ફોર્મ મળ્યા છે. ચૂંટણી અધિકારીઓ તથા મતદાર નોંધણી અધિકારીઓ દ્વારા આ ફોર્મની ચકાસણી કરી આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.