Western Times News

Gujarati News

લંડનથી થતું હતું સુરતની મોલમાં ચાલતી MD ડ્રગ્સની ફેકટરની સંચાલન

પ્રતિકાત્મક

સુરતના મોલમાં એમડી ડ્રગ્સની સિક્રેટ ફેક્ટરી આખરે ઝડપાઈ -ફૂડ ટેસ્ટિંગ લેબની આડમાં ચાલતી આ ફેક્ટરીનું સંચાલન છેક લંડનથી થતું હોવાનું બહાર આવતા એજન્સીઓ સ્તબ્ધ

(એજન્સી)સુરત, ડાયમંડ સિટી તરીકે જાણીતું સુરત હવે ડ્રગ્સ માફિયાઓના નિશાને હોય તેમ લાગી રહ્યું છે. સુરત એસઓજીએ પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા એક જાણીતા શોપિંગ મોલમાં દરોડા પાડીને હાઈ પ્યુરિટી ક્રિસ્ટલ મેફેડ્રોન બનાવતી એક અત્યાધુનિક લેબોરેટરી ઝડપી પાડી છે. ફૂડ ટેસ્ટિંગ લેબની આડમાં ચાલતી આ ફેક્ટરીનું સંચાલન છેક લંડનથી થતું હોવાનું બહાર આવતા સુરત પોલીસ અને તપાસ એજન્સીઓ સ્તબ્ધ થઈ ગઈ છે.

આ સમગ્ર પ્રકરણની કડી ૧ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ મળી હતી. એસઓજીની ટીમે અમરોલી છાપરાભાઠા રોડ પરથી ૨૧ વર્ષીય જીલ ભૂપતભાઇ ઠુમ્મર નામના યુવકને ૨૩૬.૭૮૦ ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો હતો.

સામાન્ય રીતે ડ્રગ્સ અન્ય રાજ્યો કે સરહદ પારથી આવતું હોય છે, પરંતુ જીલની આકરી પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો કે આ ડ્રગ્સ ક્્યાંય બહારથી નથી આવ્યું, પરંતુ સુરત શહેરની અંદર જ એક મોલમાં તૈયાર કરવામાં આવ્યું છે.

જીલની કબૂલાતના આધારે પોલીસે પર્વત પાટિયા વેસુ કેનાલ રોડ પર આવેલા પોલારીસ શોપિંગ સેન્ટરમાં તપાસ હાથ ધરી હતી. અહીં ડિક્રિયા ફૂડ એન્ડ ફાર્મા એનાલેટિકલ લેબોરેટરી આવેલી છે. ઉપરથી જોતા આ સામાન્ય ફૂડ ટેસ્ટિંગ લેબ લાગતી હતી, પરંતુ અંદર જઈને જોતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. લેબની અંદરથી હાઈ પ્યુરિટી ક્રિસ્ટલ મેફેડ્રોન બનાવવા માટેની આધુનિક મશીનરી, મોટી માત્રામાં જ્વલનશીલ કેમિકલ્સનો જથ્થો અને ડ્રગ્સ બનાવવાની ફોર્મ્યુલા અને સાધનો મળી આવ્યા હતા.

તપાસમાં સૌથી મોટો ધડાકો એ થયો કે આ ફેક્ટરીનો અસલી માસ્ટરમાઇન્ડ જનક જાદાણી છે, જે હાલ લંડનમાં બેસીને આખું નેટવર્ક ઓપરેટ કરી રહ્યો છે. જનક જાદાણી લંડનથી જ આ લેબ માટે જરૂરી નાણાકીય સહાય (ફંડ) અને ડ્રગ્સ બનાવવાનું ટેકનિકલ માર્ગદર્શન પૂરું પાડતો હતો. લંડનથી મળતી સૂચના મુજબ અહીં અત્યંત શુદ્ધ કક્ષાનું ક્રિસ્ટલ મેફેડ્રોન તૈયાર કરવામાં આવતું હતું, જે બજારમાં ખૂબ ઊંચી કિંમતે વેચાય છે.

એસઓજીએ આ મામલે લેબમાં કામ કરતા અને ડ્રગ્સ સપ્લાય કરતા વધુ ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. બ્રિજેશ વ્રજલાલ ભાલોડિયા (૨૮) જે પોતે સિનિયર લેબ ટેÂક્નશિયન છે. તે પોતાની કેમિકલની જાણકારીનો દુરુપયોગ કરી ઝેર તૈયાર કરતો હતો, ખુશાલ વલ્લભભાઇ રાણપરિયા (૨૭) ડ્રગ્સના સપ્લાય નેટવર્કમાં મહત્વની ભૂમિકા અને ભરતભાઇ ઉર્ફે ભાણો દામજીભાઇ લાઠિયા (૩૨) નેટવર્કનો સક્રિય સભ્ય છે.

પોલીસે આ ઓપરેશન દરમિયાન અંદાજે રૂ.૨૦ લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં તૈયાર ડ્રગ્સ, મશીનરી અને રોકડ રકમનો સમાવેશ થાય છે. પોલીસ હવે લંડન બેઠેલા જનક જાદાણી સુધી પહોંચવા માટે આંતરરાષ્ટ્રીય એજન્સીઓની મદદ લેવાની દિશામાં વિચારી રહી છે. આરોપીઓના મોબાઈલ ડેટા અને કોલ રેકોર્ડ્‌સ પરથી વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.