ભારતની અગ્રણી T10 ટેનિસ બોલ ટુર્નામેન્ટ 9 જાન્યુઆરીથી સુરતમાં રમાશે
ISPL સુરતમાં રજૂ કરે છે અત્યંત રોમાંચક ક્રિકેટિંગ એક્શનઃ સીઝન 3 શુક્રવારથી શરૂ થશે
- ભારતની અગ્રણી ટી-10 ટેનિસ બોલ ટુર્નામેન્ટ તારીખ 9 જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરી દરમિયાન લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં રમાશે
સુરત, 7 જાન્યુઆરી, 2026: ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (આઇએસપીએલ)નો રોમાંચ સમગ્ર સુરત પર છવાઈ જવા માટે તૈયાર છે. સ્પોર્ટ્સ પ્રત્યે અદમ્ય જોશ ધરાવતાં ગુજરાતના સૌથી મહત્વના શહેરો પૈકીના એક સુરતમાં ભારતની અગ્રણી ટ10 ટેનિસ બોલ ક્રિકેટ ટૂર્નામેન્ટની સીઝન 3નો પ્રારંભ થવા જઈ રહ્યો છે. તેની દિલધડક રમત, નવા પ્રતિભાશાળી ખેલાડીઓને પ્રોત્સાહન અને મેદાન પરના રોમાંચક માહોલ માટે જાણીતી ISPL સીઝન 3, શહેરના ક્રિકેટ ચાહકોને એક મહિના સુધી ચાલનારા ભવ્ય ખેલ મહોત્સવનું વચન આપે છે.
સુરતમાં લીગના આગમન નિમિત્તે આજે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લીગ કમિશનર અને કોર કમિટીના સભ્ય સૂરજ સામત, સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી ડો. નૈમેષ કે. દેસાઈ અને પ્રેસિડેન્ટ (ઓપરેશન્સ) દીપક ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આગામી સીઝન વિશેની માહિતી ઉપલબ્ધ બનાવી હતી અને ISPL સીઝન 3 માટે યજમાન શહેર તરીકે સુરતના મહત્વને દર્શાવ્યું હતું.
ISPL સીઝન 3 લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે 9 જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે, જેમાં કુલ 44 રોમાંચક મેચો રમાશે.
આ સિઝનમાં આઠ ટીમો ભાગ લેશે: જેમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન માઝી મુંબઈ (અમિતાભ બચ્ચનની સહ-માલિકી), ટાઇગર્સ ઓફ કોલકાતા (સૌરવ ગાંગુલી, સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનની સહ-માલિકી), શ્રીનગર કે વીર (અક્ષય કુમારની સહ-માલિકી), ચેન્નાઈ સિંઘમસ (સૂર્યાની સહ-માલિકી), બેંગલુરુ સ્ટ્રાઇકર્સ (હૃતિક રોશનની સહ-માલિકી), ફાલ્કન રાઇઝર્સ હૈદરાબાદ (રામ ચરનની સહ-માલિકી), દિલ્હી સુપર હીરોઝ (સલમાન ખાનની સહ-માલિકી) અને અમદાવાદ લાયન્સ (અજય દેવગણની સહ-માલિકી) ટીમનો સમાવેશ થાય છે.
ISPL સીઝન 3માં અભિષેક દલ્હોર, સૈફ અલી, વિજય પાવલે, જગન્નાથ સરકાર અને અંકુર સિંહ જેવા ભારતના અનેક પ્રતિભાશાળી નવોદિતો જોવા મળશે, જે રોમાંચક હરીફાઈ અને ઉત્કૃષ્ટ પ્રદર્શનની ખાતરી આપે છે.
પ્રેસ કોન્ફરન્સમાં બોલતાં લીગ કમિશનર અને ISPL ના કોર કમિટી સભ્ય, સૂરજ સામતે જણાવ્યું હતું કે: “સુરત રમતગમતની સમૃદ્ધ સંસ્કૃતિ અને ઉત્સાહપૂર્ણ ચાહકો ધરાવતું શહેર છે, જે તેને ISPL સીઝન 3 માટે સ્વાભાવિક રીતે જ યોગ્ય પસંદગી બનાવે છે. છેલ્લી બે સીઝનમાં, અમે લીગમાંથી ઉભરતા ખેલાડીઓની ગુણવત્તામાં નોંધપાત્ર વૃદ્ધિ જોઈ છે, અને અમે અપેક્ષા રાખીએ છીએ કે આ વૃદ્ધિ સીઝન 3 માં પણ જળવાઈ રહેશે. લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં લીગનું આયોજન એ દેશભરના રમતપ્રેમીઓ સુધી હાઈ ક્વોલિટી ક્રિકેટ લઈ જવાના અમારા વિઝનને દર્શાવે છે. અમને વિશ્વાસ છે કે આ સીઝનને અત્યંત રોમાંચક બનાવવામાં સુરત મહત્વની ભૂમિકા ભજવશે.”
સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી ડૉ. નૈમેશ કે. દેસાઈએ જણાવ્યું હતું કે, લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં ISPL સીઝન 3નું આયોજન કરવું એ સુરત માટે અત્યંત ગર્વની વાત છે. આ લીગ ચાહકોને ક્રિકેટનો એક અનોખો અને રોમાંચક અનુભવ પૂરો પાડવાની સાથે સાથે નવાં પ્રતિભાશાળી ખેલાડીઓ માટે એક ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડે છે. અમે ટીમો, ખેલાડીઓ અને સમર્થકોને સ્ટેડિયમમાં આવકારવા માટે આતુર છીએ.”
આઈએસપીએલના ઓપરેશન વિભાગના પ્રેસિડેન્ટ દીપક ચૌહાણે જણાવ્યું હતું કે: “અમારું સમગ્ર ધ્યાન સુરતમાં મેચના દિવસની કામગીરીથી લઈને કિફાયતી ટિકિટિંગ સુધીનો અવરોધરહિત અને ફેન-ફ્રેન્ડલી અનુભવ ઉપલબ્ધ બનાવવા પર કેન્દ્રિત છે. રૂ.99થી શરૂ થતી ટિકિટ અને ચાહકો માટે મલ્ટિપલ એક્સેસ પોઇન્ટ સાથે, અમે સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે શહેરના દરેકને આઇએસપીએલ સીઝન 3નો ભાગ બનવાની અને વિશ્વ કક્ષાની એક્શનનો રોમાંચ માણવાની તક મળે.
ટુર્નામેન્ટની ટિકિટો BookMyShow પર ઓનલાઇન ઉપલબ્ધ છે, જેની કિંમત માત્ર ₹99 થી શરૂ થાય છે. સ્ટેડિયમના ગેટ નંબર 1 પર દરરોજ બપોરે 12 વાગ્યાથી ઓફલાઇન ટિકિટનું વેચાણ પણ ચાલુ છે. ટિકિટો ‘ડે પાસ’ તરીકે આપવામાં આવશે, જેનાથી ચાહકો તે દિવસે નિર્ધારિત તમામ મેચો જોઈ શકશે.
આઇએસપીએલની લોકપ્રિયતા અને વ્યાપમાં સતત વધારો થઈ રહ્યો છે. સચિન તેંડુલકર, આશિષ શેલર, મિનલ અમોલ કાલે અને સૂરજ સામતની બનેલી તેની કોર કમિટી દ્વારા લીગનું માર્ગદર્શન ચાલુ રાખવામાં આવ્યું છે, જે મજબૂત નેતૃત્વ અને સ્પષ્ટ વિઝનને સુનિશ્ચિત કરે છે.
“ISPL સીઝન 3 નો પ્રારંભ માઝી મુંબઈ અને શ્રીનગર કે વીર વચ્ચેના ભવ્ય મુકાબલા સાથે થશે. આ મેચ અગાઉ સાંજે 5:30 વાગ્યાથી એક શાનદાર ઉદઘાટન સમારોહ યોજાશે, જે આ રોમાંચક સીઝન માટે માહોલની જમાવટ કરશે.
“ઉભરતી પ્રતિભાઓને પ્રોત્સાહન અને સહયોગ આપવાની તેની પ્રતિબદ્ધતાને વધુ બળવત્તર બનાવતાં ISPL એ સીઝન 3 માટે ₹6 કરોડનું ઈનામી ભંડોળ જાહેર કર્યું છે. વિજેતા ટીમને ₹2 કરોડનું ઈનામ અપાશે, જ્યારે રનર્સ-અપ ટીમને ₹1 કરોડ પ્રાપ્ત થશે. ભારતીય રમતજગતના સૌથી મૂલ્યવાન વ્યક્તિગત સન્માનોમાંના એક તરીકે, લીગના ‘મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર’ (MVP) ને એક બ્રાન્ડ ન્યૂ પોર્શે 911 કાર એનાયત કરવામાં આવશે.”
વર્લ્ડ-ક્લાસ એક્શન, સસ્તી ટિકિટો અને મેચના દિવસે જીવંત અનુભવ સાથે, ISPL સીઝન 3 સુરતના ક્રિકેટ ચાહકો માટે અવિસ્મરણીય ક્ષણો લાવવાનું વચન આપે છે.
