‘મોદી મારા સારા મિત્ર છે, પણ મારાથી ખુશ નથી’: ટ્રમ્પ-રશિયા પાસેથી તેલ નહીં ખરીદવાનો આગ્રહ
યુક્રેન યુદ્ધ પછી ભારત દેશ રશિયાનો સૌથી મોટો તેલ ખરીદનાર બની ગયો
(એજન્સી)વોશિંગ્ટન, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે પીએમ મોદી તેમનાથી વધારે ખુશ નથી, કારણ કે વોશિંગ્ટને રશિયન તેલ ખરીદવાને કારણે દિલ્હી પર ૫૦% ટેરિફ લગાવ્યો છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, ટ્રમ્પે આ વાત મંગળવારે વોશિંગ્ટનમાં હાઉસ રિપબ્લિકન પાર્ટીના સભ્યોની બેઠકમાં કહી. ટ્રમ્પે એમ પણ કહ્યું- પીએમ મોદી પોતે મને મળવા આવ્યા હતા. તેઓ મારી પાસે આવ્યા અને બોલ્યા- સર, શું હું તમને મળી શકું? અને મેં કહ્યું- હા.
જોકે ટ્રમ્પે એ જણાવ્યું નહોતું કે આ બધી વાતચીત ક્યારે અને ક્યાં થઈ હતી. ટ્રમ્પે કહ્યું- અપાચે હેલિકોપ્ટરને કારણે ભારત ઘણાં વર્ષોથી મારી પાસે આવતું હતું. અમે એને બદલી રહ્યા છીએ. ભારતે ૬૮ અપાચે હેલિકોપ્ટરનો ઓર્ડર આપ્યો છે. મારા તેમના (પીએમ મોદી) સાથે ખૂબ સારા સંબંધો છે. હવે તેમણે રશિયા પાસેથી તેલ ખરીદવાનું મોટેભાગે ઘટાડી દીધું છે. ટ્રમ્પે ભારત પર કુલ ૫૦% ટેરિફ લગાવ્યો છે, જેમાં ૨૫% વધારાનો ટેરિફ રશિયા પાસેથી તેલ ખરીદવાને કારણે લગાવવામાં આવ્યો છે.
ટ્રમ્પે ગઈકાલે પણ ભારત દ્વારા રશિયા પાસેથી તેલની આયાત ઘટાડવા અંગે નિવેદન આપ્યું હતું. ટ્રમ્પે કહ્યું હતું કે ભારતે આ નિર્ણય તેમને ખુશ કરવા માટે લીધો. ટ્રમ્પે કહ્યું હતું- તેઓ મને ખુશ કરવા માગતા હતા. વડાપ્રધાન મોદી ખૂબ સારા માણસ છે. તેઓ જાણતા હતા કે હું ખુશ નહોતો, તેથી મને ખુશ કરવો જરૂરી હતો. અમે વેપાર કરીએ છીએ અને તેમના પર ટેરિફ વધારી શકીએ છીએ.
યુક્રેન યુદ્ધ પછી ભારત રશિયાનો સૌથી મોટો તેલ ખરીદનાર બની ગયો હતો. અમેરિકી અધિકારીઓએ આરોપ લગાવ્યો હતો કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદીને યુક્રેન પર થઈ રહેલા હુમલાઓને ફંડ કરી રહ્યું છે. ટ્રમ્પ સાથે હાજર અમેરિકી સેનેટર લિન્ડસે ગ્રેહામે ગઈકાલે દાવો કર્યો હતો કે તેઓ લગભગ એક મહિના પહેલાં ભારતીય રાજદૂત વિનય મોહન ક્વાત્રાના ઘરે ગયા હતા. એે મુલાકાતમાં ભારત દ્વારા રશિયન તેલની ખરીદી ઘટાડવા અંગે સૌથી વધુ ચર્ચા થઈ હતી.
તેમણે જણાવ્યું હતું કે ભારતીય રાજદૂતે તેમને રાષ્ટ્રપતિ ટ્રમ્પ સુધી આ સંદેશ પહોંચાડવા કહ્યું હતું કે ભારત પર લગાવવામાં આવેલા વધારાના ૨૫ ટકા ટેરિફ હટાવવામાં આવે.
લિન્ડસે ગ્રેહામના મતે, ભારત હવે પહેલા કરતા રશિયા પાસેથી ખૂબ ઓછી માત્રામાં તેલ ખરીદી રહ્યું છે. આ મુદ્દાને વાતચીતમાં મુખ્યત્વે ઉઠાવવામાં આવ્યો હતો.
ભારતે ૨૦૨૧ પછી પહેલીવાર રશિયાથી ક્રૂડ ઓઇલની આયાત ઘટાડી છે. રોઇટર્સના રિપોર્ટ અનુસાર, ભારતની રશિયન તેલની આયાત નવેમ્બરમાં લગભગ ૧૭.૭ લાખ બેરલ પ્રતિદિન હતી, જે ડિસેમ્બરમાં ઘટીને લગભગ ૧૨ લાખ બેરલ પ્રતિદિન થઈ ગઈ છે. આવનારા સમયમાં એ ૧૦ લાખ બેરલ પ્રતિદિનથી પણ નીચે જઈ શકે છે.
જાન્યુઆરીમાં આવનારા આંકડાઓમાં ભારતની રશિયન તેલની આયાતમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે. નવેમ્બર ૨૧થી રશિયાની બે મોટી તેલ કંપનીઓ રોસનેફ્ટ અને લુકોઇલ પર અમેરિકી પ્રતિબંધો લાગુ થયા છે. ત્યારબાદ ભારતની રશિયાથી તેલની આયાત ઘટવા લાગી છે.
યુક્રેન યુદ્ધ પછી રશિયાએ ૨૦-૨૫ ડોલર પ્રતિ બેરલ સસ્તું ક્રૂડ ઓઇલ વેચવાનું શરૂ કર્યું. ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત ૧૩૦ ડોલર પ્રતિ બેરલ હતી, આવી સ્થિતિમાં આ છૂટ ભારત માટે ફાયદાકારક હતી, જોકે હવે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત ૬૩ ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ છે. રશિયાએ પણ એની છૂટ ઘટાડીને ૧.૫થી ૨ ડોલર પ્રતિ બેરલ કરી દીધી છે.
આટલી ઓછી છૂટમાં ભારતને પહેલાં જેવો ફાયદો મળતો નથી, ઉપરથી રશિયાથી તેલ લાવવામાં શિપિંગ અને વીમાખર્ચ પણ વધુ થાય છે. આ જ કારણોસર ભારત હવે ફરીથી સાઉદી, યુએઈ અને અમેરિકા જેવા સ્થિર અને ભરોસાપાત્ર સપ્લાયર્સ પાસેથી તેલ ખરીદી રહ્યું છે, કારણ કે હવે કિંમતમાં પહેલાં જેવો મોટો તફાવત રહ્યો નથી. અમેરિકાએ અત્યાર સુધી ભારત પર ૫૦% ટેરિફ લગાવ્યો છે.
એમાંથી ૨૫% ‘રેસિપ્રોકલ (જેમનો તેમ) ટેરિફ’ અને ૨૫% ટેરિફ રશિયન તેલ ખરીદવાને કારણે લગાવવામાં આવ્યો છે. આના કારણે ભારતને અમેરિકામાં પોતાનો સામાન વેચવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, જેની અસર ભારતની નિકાસ પર પડી રહી છે. બંને દેશો વચ્ચે ટેરિફ વિવાદનો ઉકેલ લાવવા માટે ટ્રેડ ડીલ પર વાતચીત પણ ચાલી રહી છે.
