માત્ર ૭ જ દિવસમાં 24 કરોડની વસૂલાત: પ્રોપર્ટી ટેક્ષની ‘વ્યાજ માફી યોજના’ને વ્યાપક પ્રતિસાદ
વ્યાજ માફી યોજના ૧ જાન્યુઆરી ૨૦૨૬ થી ૩૧ માર્ચ ૨૦૨૬ સુધી અમલમાં રહેશે
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાકી મિલકત વેરાની વસૂલાત ઝડપી બનાવવા અને કરદાતાઓને વ્યાજમાં મોટી રાહત આપવા માટે ૧ જાન્યુઆરીથી ૩૧ માર્ચ ૨૦૨૬ સુધી જાહેર કરાયેલી ‘વ્યાજ માફી યોજના’ને શહેરના નાગરિકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે.
યોજના શરૂ થયાના માત્ર ૭ જ દિવસમાં એટલે કે ૧ થી ૭ જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન કુલ ૨૪,૮૮૭ કરદાતાઓએ લાભ લઈ રૂ.૨૪.૦૧ કરોડનો મિલકત વેરો ભર્યો છે.
મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન દેવાંગ દાણીના જણાવ્યા મુજબ તમામ સાત ઝોનમાંથી નોંધપાત્ર વસૂલાત આવેલ છે. મધ્ય ઝોનમાં ૨૩૮૦ કરદાતાઓએ રૂ.૩.૬૦ કરોડ, ઉત્તર ઝોનમાં ૩૨૪૩ કરદાતાઓએ રૂ.૧.૭૬ કરોડ, દક્ષિણ ઝોનમાં ૪૫૫૦ કરદાતાઓએ રૂ.૨.૪૦ કરોડ, પૂર્વ ઝોનમાં ૪૮૦૩ કરદાતાઓએ રૂ.૨.૯૦ કરોડ, પશ્ચિમ ઝોનમાં ૧૯૮૮ કરદાતાઓએ રૂ.૨.૮૪ કરોડ, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ૪૮૫૬ કરદાતાઓએ રૂ.૫.૮૯ કરોડ અને દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં ૩૦૬૭ કરદાતાઓએ રૂ.૪.૬૩ કરોડનો મિલકત વેરો ભર્યો છે.
મ્યુનિ. કોર્પોરેશન દ્વારા જાહેર કરાયેલી આ યોજના હેઠળ જૂની ટેક્સ ફોર્મ્યુલા મુજબની રહેણાંક અને બિનરહેણાંક (કોમર્શિયલ) બંને પ્રકારની મિલકતો માટે જાન્યુઆરીથી માર્ચ ૨૦૨૬ દરમિયાન ૧૦૦ ટકા વ્યાજ માફી આપવામાં આવશે.
નવી ટેક્સ ફોર્મ્યુલા મુજબ રહેણાંક મિલકતો માટે જાન્યુઆરીમાં ૮૫ ટકા, ફેબ્રુઆરીમાં ૮૦ ટકા અને માર્ચમાં ૭૫ ટકા વ્યાજ માફી મળશે. દર મહિને વ્યાજ માફીમાં ૫ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે, જેથી વહેલી ચૂકવણી કરનારને વધુ લાભ મળે.
તે જ રીતે, નવી ટેક્સ ફોર્મ્યુલા મુજબ બિનરહેણાંક મિલકતો માટે જાન્યુઆરીમાં ૬૫ ટકા, ફેબ્રુઆરીમાં ૬૦ ટકા અને માર્ચમાં ૫૦ ટકા વ્યાજ માફી આપવામાં આવશે. આ ઉપરાંત, શહેરની તમામ ચાલી તથા ઝૂંપડાવાળી રહેણાંક મિલકતોને પણ ૧ જાન્યુઆરીથી ૩૧ માર્ચ ૨૦૨૬ દરમિયાન મિલકત વેરાના વ્યાજમાં ૧૦૦ ટકા માફી આપવામાં આવશે.
જો કે, વર્ષ ૨૦૨૫–૨૬ના ચાલુ વર્ષના મિલકત વેરા માટે આ ઈન્સેન્ટિવ રીબેટ યોજના લાગુ નહીં પડે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ વ્યાજ માફી યોજનાથી એક તરફ બાકી મિલકત વેરાની વસૂલાતમાં નોંધપાત્ર વધારો થવાની સાથે બીજી તરફ શહેરના કરદાતાઓને વ્યાજમાં મોટી આર્થિક રાહત મળશે.
