મરડીયા ખાતે બેરિકેડ્સથી સ્કૂલના બાળકો અને મુસાફરો જોખમમાં: તાત્કાલિક દૂર કરવા માંગ
(તસ્વીરઃ કૌશિક પટેલ, મોડાસા) શામળાજી હાઇવે પર મરડીયા સ્ટેશન ખાતે મૂકાયેલા પોલીસ બેરિકેડ્સના કારણે ભારે ટ્રાફિક સમસ્યા સર્જાય છે અને જાહેર સલામતીને ગંભીર જોખમ ઊભું થયું છે. આ બાબતે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરૂણભાઈ પટેલે જિલ્લા પોલીસ અધિક્ષક તથા જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
મરડીયા વિસ્તાર સ્કૂલ ઝોન, કેનાલ, બસ સ્ટેશન અને ગ્રામ્ય માર્ગોના સંધિસ્થળે આવેલો હોવાથી અહીં સતત વાહન વ્યવહાર રહે છે. આવા સંવેદનશીલ વિસ્તારમાં અચાનક વાહન ચેકિંગ કરવાથી ટ્રાફિક જામ થાય છે, હેવી વાહનોને અચાનક બ્રેક લગાવવી પડે છે અને અકસ્માતની શક્યતા વધી જાય છે.
ખાસ કરીને સ્કૂલના બાળકો, વાલીઓ અને મુસાફરો માટે પરિસ્થિતિ અત્યંત જોખમી બની છે. ઉપરાંત, બેરિકેડ્સ બસ સ્ટેશનની જગ્યાએ મૂકવામાં આવ્યા હોવાથી બસો સ્ટેશન સુધી પહોંચી શકતી નથી અને અંદાજે ૨૦૦ મીટર દૂર ઊભી રહે છે, જેના કારણે મુસાફરોને ચાલીને જવું પડે છે અને ભારે મુશ્કેલી સહન કરવી પડે છે.
પ્રમુખ અરૂણભાઈ પટેલે જાહેર હિતને ધ્યાનમાં રાખીને મરડીયા સ્ટેશન પરથી બેરિકેડ્સ તાત્કાલિક દૂર કરી ચેકિંગ પોઈન્ટને સલામત વિકલ્પ સ્થળે ખસેડવા, ટ્રાફિક તથા સ્કૂલ ઝોનનું સર્વેક્ષણ કરવા અને ભવિષ્યમાં આવા જોખમવાળા સ્થળે વાહન ચેકિંગ ન કરવા માંગ કરી છે.
