ભારતના નેતૃત્વવાળા સોલાર એલાયન્સ સહિત ૬૬ ઈન્ટરનેશનલ સંગઠનો સાથે અમેરિકાએ છેડો ફાડ્યો
File Photo
વાશિગ્ટન, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટો નિર્ણય લેતા ભારત અને ફ્રાન્સની આગેવાની હેઠળના ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ સહિત ૬૬ આંતરરાષ્ટ્રીય સંગઠનોમાંથી અમેરિકાનું નામ પાછું ખેંચી લેવાની જાહેરાત કરી છે.
આ જાહેરાતનો ઉલ્લેખ વ્હાઇટ હાઉસ દ્વારા જારી કરાયેલા પ્રેસિડેન્શિયલ મેમોરેન્ડમમાં કરવામાં આવ્યો છે, જેમાં ૩૫ બિન-સંયુક્ત રાષ્ટ્ર સંગઠનો અને ૩૧ સંયુક્ત રાષ્ટ્રની સંસ્થાઓમાંથી બહાર નીકળવાનો ઉલ્લેખ છે.
આ નિર્ણયની જાહેરાત કરતા, અમેરિકન વિદેશ મંત્રી માર્કાે રુબિયોએ સોશિયલ મીડિયા પર લખ્યું, “આજે, પ્રમુખ ટ્રમ્પે જાહેરાત કરી છે કે અમેરિકા ૬૬ અમેરિકા-વિરોધી, નકામા અથવા ફિઝૂલખર્ચીવાળા આંતરરાષ્ટ્રીય સંગઠનોને છોડી રહ્યું છે.
આ ઉપરાંત, અન્ય સંગઠનોની સમીક્ષા હજુ પણ ચાલુ છે.”તેમણે વધુમાં ઉમેર્યું કે આ પગલું પ્રમુખ ટ્રમ્પ દ્વારા અમેરિકનોને આપેલા એક મહત્વપૂર્ણ વચનને પૂર્ણ કરે છે. “અમે એ વૈશ્વિક અમલદારોને સબસિડી આપવાનું બંધ કરીશું, જે અમારા હિતોની વિરુદ્ધ કામ કરે છે. ટ્રમ્પ પ્રશાસન હંમેશા અમેરિકા અને અમેરિકનોને સૌથી પહેલા રાખશે.”
એક્ઝિક્યુટિવ ઓર્ડરમાં જણાવવામાં આવ્યું છે કે પ્રમુખ ટ્રમ્પનો આ નિર્ણય વિદેશ મંત્રીના અહેવાલ પર વિચાર કર્યા બાદ અને પોતાની કેબિનેટ સાથે ચર્ચા કર્યા પછી આવ્યો છે.
આ ચર્ચામાં તેમણે નક્કી કર્યું કે આ સંગઠનોમાં ભાગ લેવો અથવા તેમને સમર્થન આપવું અમેરિકાના હિતોની વિરુદ્ધ હતું. ઓર્ડરમાં તમામ એક્ઝિક્યુટિવ વિભાગો અને એજન્સીઓને મેમોરેન્ડમમાં ઉલ્લેખિત સંગઠનોમાંથી અમેરિકાને વહેલી તકે બહાર કાઢવા માટે તાત્કાલિક પગલાં લેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
બિન-સંયુક્ત રાષ્ટ્ર સંગઠનોઃ ભારત અને ફ્રાન્સની આગેવાની હેઠળનું ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ , ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર અને ઇન્ટરગવર્નમેન્ટલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જ જેવા મુખ્ય પર્યાવરણીય સંગઠનો.SS1MS
