Western Times News

Gujarati News

બાંગ્લાદેશે ભારત સાથે ૧,૮૦,૦૦૦ ટન ડીઝલ ખરીદવા ડીલ કરી

નવી દિલ્હી, સીમા વિવાદ અને લઘુમતીઓ પરના હુમલા જેવા ગંભીર મુદ્દાઓને કારણે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રાજકીય સંબંધોમાં ખટાશ જોવા મળી રહી છે, પરંતુ જ્યારે વાત દેશની ‘લાઇફલાઇન’ એટલે કે ઊર્જાની આવે છે, ત્યારે બાંગ્લાદેશ આજે પણ ભારતને જ એક વિશ્વસનીય ભાગીદાર માને છે.

બાંગ્લાદેશ પેટ્રોલિયમ કોર્પાેરેશનએ વર્ષ ૨૦૨૬ માટે ભારતની સરકારી તેલ કંપની નુમાલીગઢ રિફાઇનરી લિમિટેડ પાસેથી ૧,૮૦,૦૦૦ મેટ્રિક ટન ડીઝલ આયાત કરવાનો મહત્ત્વનો નિર્ણય લીધો છે. આ આખા સોદાનો અંદાજિત ખર્ચ ૧૪.૬૨ અબજ ટકા(અંદાજે ૧૧૯.૧૩ મિલિયન ડોલર) નક્કી કરવામાં આવ્યો છે.

કિંમતના માળખાની વાત કરીએ તો, આ સોદો ૮૩.૨૨ ડોલર પ્રતિ બેરલની બેઝ પ્રાઈસ પર ૫.૫૦ ડોલરના પ્રીમિયમ સાથે નક્કી થયો છે, જોકે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવમાં થતા ઉતાર-ચઢાવ મુજબ અંતિમ કિંમતમાં ફેરફાર થઈ શકે છે.આ ઉર્જા સહયોગને સફળ બનાવવા માટે ‘ભારત-બાંગ્લાદેશ મૈત્રી પાઇપલાઇન’ એક મજબૂત સેતુ તરીકે કાર્ય કરી રહી છે.

આસામ સ્થિત એનઆરએલની રિફાઇનરીમાંથી ડીઝલને પ્રથમ સિલીગુડી લાવવામાં આવશે અને ત્યાંથી આ પાઇપલાઇન દ્વારા સીધું બાંગ્લાદેશ પહોંચાડવામાં આવશે.

વર્ષ ૨૦૨૨-૨૩માં શરૂ થયેલી આ પાઇપલાઇન ટેકનોલોજીને કારણે પરિવહન વ્યવસ્થામાં મોટો બદલાવ આવ્યો છે; અગાઉ રેલવે વેગન દ્વારા થતી આયાતની તુલનામાં હવે સમય અને પરિવહન ખર્ચ બંનેમાં નોંધપાત્ર બચત થઈ રહી છે, જે બંને દેશો વચ્ચેના આર્થિક સંબંધોને વધુ સુદ્રઢ બનાવે છે.૬ જાન્યુઆરીએ ઢાકામાં મળેલી સરકારી ખરીદ સલાહકાર સમિતિની બેઠકમાં આ મહત્ત્વનો નિર્ણય લેવાયો હતો.

ઉર્જા સલાહકાર મુહમ્મદ ફૌઝુલ કબીર ખાને સ્પષ્ટ કર્યું હતું કે, આ આયાત અગાઉની સરકાર દ્વારા કરાયેલા ૧૫ વર્ષના લાંબા ગાળાના કરાર હેઠળ થઈ રહી છે.નિષ્ણાતો માને છે કે સીમા વિવાદ અને અન્ય રાજકીય મતભેદો હોવા છતાં, બાંગ્લાદેશ માટે ભારત પાસેથી ઊર્જા મેળવવી તે આર્થિક દૃષ્ટિએ અનિવાર્ય છે. આ સોદો સાબિત કરે છે કે વ્યૂહાત્મક જરૂરિયાતો ઘણીવાર રાજકીય તણાવ કરતા પણ વધુ મહત્ત્વની હોય છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.